Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

- કાળા રંગની રંગદિલીથી ઉભી થાય તંગદિલી

અભી તો મેં જવાન હું... અભી તો મેં જવાન હું... મલ્લિકા પુખરાજનું આ ગીત ગણગણતા પથુકાકા કાળા રંગેલા વાળ ઊપર હાથ પસવારતા મારી પાસે આવ્યા મેં મજાકમાં પૂછ્યું 'કાકા આ ઉંમરે વાળ કાળા કર્યા?' પથુકાકાએ સિક્સર ફટકારી કે આ ઊંમરે કેટલાંય નઠારા નેતા મોઢા કાળા કરે છે એનાં કરતાં વાળ કાળા કરવા સારા કે નહીં?'

મેં કહ્યું 'વાહ કાકા,  મને એ નથી સમજાતું કે આ ઊંમરે ડાઈ કેમ કરી? કાકા બોલ્યા 'ડાઈ કેમ કરી એનું અંગ્રેજી કર તો જવાબ મળી જશે, વાય-ડાઈ? આ મારી અમથી વાયડાઈ છે. અને તારી (હો) બાળાકાકી તો તનનો રંગ કાળો છે તોય રોજ આડો સેથો લઈને ડાઈ કરે જ છેને?  આડો સેંથો લઈને ડાઈ કરે એને અંગ્રેજી-ગુજરાતીના મિશ્રણવાળી ગુજ-રેજીમાં શું કહેવાય ખબર છે? આડો-ડાઈ'.

મેં કાકાને ચેતવ્યા કે 'કાકા સાવધાન રહેજો હો? ઘરવાળીને કાળી કાળી કહીને ખીજવશોને તો કાકી છૂટાછેડા લઈને ચાલ્યા જશે યાદ રાખજો.' પથુકાકાએ નવાઈ પામી પૂછયું કે 'એવું કેમ?મેં છાપામાં અદાલતના ચુકાદાના સમાચાર  વંચાવ્યા. એક વરજી પોતાના પાક્કા રંગવાળી વહુજીને કાયમ મહેણા માર્યા કરતો હતો. કાયમના આ મહેણા-ટોણાંથી વાજ આવેલી વહુએ કોર્ટમાં ધા નાખી કે મારે છૂટાછેડા જોઈએ છે. કાયમ કાળી કાળી કહીને વગોવે તો મારે ક્યાં સુધી સહન કરવું? અદાલતે આ કારણ માન્ય રાખ્યું અને છૂટાછેડા મંજૂર કર્યા બોલો?'

પથુકાકા નિસાસો નાખી બોલ્યા હે ભગવાન, આવી વહેલી ખબર હોત તો તારી (હો) બાળાકાકીને કાળી... કાળી કહીને પહેલા જ ખીજવતને?  છુટકારો તો મળી જાત?' મેં કાકાને ફરી ચેતવ્યા કે 'કાકીથી છુટકારો મળી જાત એવું કહો છો પણ જો કાળી કાળઝાળ  બની જાય ને તો છુટકારો જ નહીં કાયમ માટે જિંદગીથી છુટકારો મળી જાય એવાં પણ કિસ્સા બને છે હો?' હેબતાઈ ગયેલા કાકા બોલ્યા 'શું વાત કરે છે? કોઈને કાળી કહીને ચીડવવાથી જીવ પણ ખોવો પડે એવું કોણે કહ્યું?' મેં કાકાને મહારાષ્ટ્રના એક ગામના સાવ તાજા જ સમાચાર  વંચાવ્યા. સંયુક્ત કુટુંબમાં પરણીને આવેલી વહુનો રંગ કાળો હતો.

એટલે ઘરના લોકો અને સગા-વ્હાલા અવારનવાર તેના રંગને લઈ તંગ કરતા હતા. વહુ મૂંગેમોઢે સહન કર્યે જતી હતી. પણ સહનશક્તિનીય હદ આવી ગઈ. મહેણા મારતા પરિવારજનોના મોઢા કાયમ માટે બંધ કરવા તેણે ખાવામાં ઝેર ભેળવીને આપવા માંડયું. થોડા દિવસમાં તો પરિવારના પાંચ જણના ઢીમ ઢાળી દીધા અને મોઢાં કાયમ માટે બંધ કરી દીધા.  પોસ્ટ-મોર્ટમમાં ઝેરની વાત બહાર આવી અને કાળ બનેલી 'કાળી' કાળકોટડી પાછળ ધકેલાઈ ગઈ. કાકા તમે આ ઘટના પરથી ધડો લઈને જરા સંભાળજો હો?' પથુકાકા બોલ્યા હવે તારી કાકીને કાળી કહે એ બીજા, ક્યાંક એની કમાન છટકેને ઊંધાચત્તું કરી નાખે તો આ ઊંમરે બીજી ગોતવા ક્યાં જવું? હવે તો હું આ જોડકણું જીવનમાં ઉતારીશઃ

તનના રંગને વગોવી
કહું જો કાળી
તો એ સંસારને
નાખશે ટાળી
જીવથી જવા કરતાં ઘરવાળીને કહેશું
ઘેરા રંગવાળી
મેં કહ્યું 'કાકા તનનો રંગ ન જોવાય મનનો રંગ જોવાય.  રંગ બાબત રંગદિલી કરવા જતા ઘરમાં તંગદિલી છવાતા વાર નહીં લાગે.' પથુકાકા બોલ્યા તે સોનાની લગડી જેવી વાત કરી હો? આ તારી કાકીના તનનો રંગ નહીં મનનો રંગ જોઈને જ મેં પસંદ કરી હતી હો? વાજતેગાજતે લગન કરી એ વખતે ઝાલાવાડના  લીંબડી રહેતો ત્યાં લઈ ગયો અને સંસાર માંડયો.'  મેં કહ્યું  કાકા આજની જેમ ઈ જમાનામાં  કન્યાને મેકઅપ કરવા માટે બ્યુટિશિયન તો નહીં હોયને?' પથુકાકા કહે એક રાઝની વાત કહું. કન્યાવાળાએ સુરેન્દ્રનગરથી  એક શીખાઉ બ્યુટિશિયનને બોલાવી હતી  આ કન્યાને શણગારવા. બ્યુટિશિયન આવી અને કાકીનો પાક્કો રંગ જોઈ મેકઅપ બોક્સ ઉપાડી ચાલતી પકડી અને કહેતી ગઈ કે આ કન્યાને  મેકઅપ કરવાનું મારૃં ગજું નહીં, કોઈ ભીંત ધોળવાવાળાને બોલાવી લાવો.'

મેં કાકાને પૂછ્યું તમારા લગન વખતનો કોઈ કિસ્સો યાદ આવે છે? પથુકાકા કહે કે 'લગ્ન ુ પછી ઓળખીતા-પાળખીતા મળવા આવવા માંડયા. એમાં એ વખતે લીંબડીની સૌરાષ્ટ્ર સ્પિનિંગ મિલમાં કામ કરતો અને નામ પ્રમાણે જ ગુણ ધરાવતો કાળુભાઈ પણ મળવા આવ્યો અને નવી પરણીને  આવેલી તારી કાકી સામે  ઊભો રહી હાથ જોડી ભોળાભાવે  એટલું જ બોલ્યો  કે 'ભાભી આજે તમે લીંબડીમાં આવીને  મને ઉજળો કરી દેખાડયો હો?' કારણ આ કાળું  છે એ અમારા લીંબડીમાં કાળા રંગનો પર્યાય બની ગયો હતો.  એમ કહેવું હોય કે ફલાણો જણ કેવો કાળો છે ખબર છે?તો કહે આપણાં કાળુ જેવો કાળો છે. પણ તારી કાકીએ એને ઉજળો કરી દેખાડયો હો?'
મેં ક્યાંક ડાયરામાં સાંભળેલું અને યાદ હતું એટલું  જોડકણું સંભળાવ્યું

વર કાળો અને વહુ ગોરી
એ તો રાધા-કૃષ્ણની જોડી છે
પણ વહુ કાળીને વર ગોરો
ત્યાં કાયમ માથા-ફોડી છે.

કાકાએ હસીને માથું ધુણાવી કહ્યું વાત સાચી હો? વર ગોરો ને રૃપાળો હોય ત્યારે ક્યારેક વહુને શંકા જાય ખરી કે ધણીની કોઈ ''એક્સર્ટનલ-અફેર'' તો નહીં હોયને? રંગમાં ફેર ત્યારે શંકા જગાવે અફેર, ને પછી એમાંથી જ માથાઝીક થાય ઘેર ઘેર....

મેં કાકાને  કહ્યું કે આજે આઝાદ ભારતમાં કાળા રંગ સામે લોકોને અણગમો છે. પણ આવો અણગમો 'ગોરા' સામે દેખાડયા હોત ને તો 'કાળાઓએ' બસો-બસો વરસ સુધી ધોળિયાઓની  ગુલામી ન કરવી પડત.
પથુકાકા બોલ્યા 'કાળા-ગોરા એવી રંગભેદની નીતિ સામે ગાંધીજીએ અવાજ ઊઠાવીને ધોળિયાઓને કેવાં અહીંથી હકાલ્યા? સત્યાગ્રહ કેવો રંગ લાવ્યો જોયુંને? '

મે ંકાકાને કહ્યું કે 'સત્યાગ્રહ  ખરેખર રંગ લાવ્યો અને ભારત-છોડોની બાપુની હાકલ  થતા ગોરાઓએ  તતડાવીને  ભાગવું પડયું.' આ સાંભળી  કાકા બોલ્યા ગાંધીબાપુએ  સત્યાગ્રહ કર્યો અને દેશ આઝાદ થયા પછી પોચી પોચી ગાદીએ આવેલા નેતાઓ ગાંધીબાપુને નામે સત્યાગ્રહ (સત્તાનો આગ્રહ) રાખવા માંડયા એમાં જ ધનોતપનોત કાઢી નાખ્યુંને આ દેશનું? બાપુએ કાળા-ધોળાનો ભેદ મીટાવ્યો અને ત્યાર પછી  ગાદીએ આવવાવાળા કેટલાય નેતાઓ  કાળા-ધોળા કરવા માંડયા બોલો?'

કાકા કહે 'તને એક મઝેદાર વાત કહું, ગાંધીજીએ કાળા અને ગોરા જેવાં રંગભેદને  મીટાવવા  દક્ષિણ આફ્રિકાથી સત્યાગ્રહની લડત ચલાવી અને પછી ભારત આવીને સત્યાગ્રહનો સફળ પ્રયોગ હિન્દુસ્તાનમાં પણ અજમાવ્યો બરાબરને? ગોરા-કાળાના ભેદભાવ મીટાવવા ગાંધીએ આખી જિંદગી ખર્ચી નાખી, પણ ભૂલતો ન હોઉં તો મેં વર્ષો પહેલાં મુંબઈમાં ક્યાંક  બે નજીક નજીક આવેલા  દવાખાનાના બોર્ડ વાંચ્યા હતા, એક ઊપર લખ્યું હતું 'ગોરા-ગાંધી'નું  દવાખાનું  અને બીજા ઉપર લખેલું હતું 'કાળા-ગાંધી'નું દવાખાનું.'

મેં કાકાને કહ્યું કે 'કાળું તન નહીં કાળું મન અને કાળુ ધન નુકસાનકારક છે.' પથુકાકાએ હકારમાં માથું ધુણાવી કહ્યું કે 'વાત તારી સાચી કૃષ્ણ પણ કાળા જ હતા ને? પણ મન કેવું ઝગમગતું ઉજળું હતું? આખી દુનિયાને  ઊજાળી દીધી કે નહીં? કાળા કાળા કાન ને ગોરી ગોરી ગોપીઓ... રાસલીલાનો કોન્ટ્રેકટ તમને સોંપીઓ...
મને તો નવાઈ લાગે છે કે કાળું તન છુપાવવા માટે કોસ્મેટીક્સ પાછળ કરોડો રૃપિયાનોે  ધુમાડો થાય છે અને બીજી બાજુ કરોડોનું કાળુ ધન સ્વીસ બેન્કોમાં  છુપાવવામાં આવે છે.

મારી વાત સાંભળી કાકાએ ટાપશી પૂરી કે બેટમજી એક વાત સાંભળી લે કે કાળુ ધન હજી છુપાવાય, પણ કાળુ તન ન છુપાવાય. એમાં શું  છુપાવવાનુ? કાળો રંગ તો કુદરતી છે, એમાં પાઉડરના થથેડા કરવાના ન હોય.  હમણાં છાપામાં કિસ્સો વાંચ્યોને? એક મહિલાને બાળક જન્મ્યું  એ શ્યામ રંગનું હતું.  માતાને   એક જ ધૂન ચડી કે એને નવરાવી નવરાવીને  કેમ ઝટ ઉજળો કરી નાખું? એ તો મંડી પડી બે વર્ષના બાળકને સાબુ અને ઠીકરાથી ઘસી ઘસીને નવરાવવા. બાળક ચીસાચીસ કરી મૂકે તોય એને ઘસ્યા જ કરે ઘસ્યા જ કરે.

આડોશી પાડોશીને  થયું  કે બાળક દિવસમાં ચાર-પાંચ  વાર આવી કાળી ચીસો કેમ પાડે છે? એક વાર બે-ત્રણ બહેનોએ છાનામાના જઈને જોયું તો મા દીકરાને બેરહેમીથી ઘસી ઘસીને નવરાવતી હતી. વારવાનો પ્રયાસ કર્યો પણ ન માની એટલે મામલો પોલીસમાં પહોંચ્યો.  પોલીસ આવી અને માને પકડીને લઈ ગઈ થાણામાં  અને બાળકને દાખલ કર્યું હોસ્પિટલમાં, ડૉકટરોએ બાળકના આખા શરીરે ઉઝરડા પડેલા જોઈને  કહ્યું કે બાળકની તો કુમળી ચામડી જ ઉતરડી નાખવામાં આવી છે. બોલ આવી અજડાઈ કરાય? હસે એનું ઘર વસે એમ ઘસે એનું ભેજું ખસે. દરેક મા પોતાના બાળકોના ઉછેર માટે  જાતને ઘસે છે, પણ ધોળો બનાવવા બાળકને જ ઘસે ત્યારે દુનિયા હસે.

અંત-વાણી
નામ પાછળ લટકમટક ચાલતી અટક સાંભળીને મજા આવતી હોય છે. આવી મજેદાર અટકના અટકચાળાઃ
કોઈ 'ગોરે' છે
તો કોઈ 'કાળે' છે
સહુ અપની અપની
મસ્તીમાં ચાલે છે.
કોઈ ખરે છે
તો કોઈ ખોટે છે
આજકાલ ખોટે જ વધુ ચાલે છે.
**  **  **
જૂનું હિન્દી ફિલ્મનું ગીત બહુ ચગ્યું હતું ઃ હમ કાલે હૈ તો ક્યા હુવા દિલવાલે હૈ... પણ આજે સોદાબાજીનો જમાનો છે. સત્તા અને સંપત્તિ મેળવવા જાતજાતના સોદા (ડિલ) થાય છે. એટલે હમ કાલે હૈ તો ક્યા હુઆ 'ડિલવાલે' હૈ....
**  **  **
ઉજળા રંગની આગ્રહની
મૂકો પકડ ઢીલી
નહીંતર કાળા રંગની રંગદિલી
ઊભી કરશે તંગદિલી

Keywords Boj,vinani,moj,10,July,2018,

Post Comments