Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

'વચન' પે જો ફિદા હોગા, 'ગમાર' વો નૌજવાં હોગા

નેતા એક વચન અને નેતાઓ બહુવચન. વ્યાકરણના પાઠ શીખ્યા છતાં મને હજી સુધી સમજાતું નથી કે નેતાઓ બહુ વચન આપે એની ઉપર લોકો શું કામ વિશ્વાસ મૂક્તા હશે?

વતનપરસ્તીને ભૂલી નેતાઓની બેફામ વચન-પરસ્તીનો વિચાર કરવાના ચકરાવે  ચડયો હતો ત્યાં જ બરાબર આપણાં પબ્લિક કાકા ઉર્ફે  પથુકાકા  કોઈ વતન-પરસ્તીનું ફિલ્મી ગાણું ગાતાં ગાતાં  આવ્યા: 'વચન' પે જો ફિદા હોગા 'ગમાર' વો નૌજવાં હોગા...' મેં એમને ટપાર્યા કે કાકા આ શું ગાવા માંડયા છો? ગીતના મૂળ શબ્દ આમ છે: વચન પે જો ફિદા હોગા અમર વો નૌજવાં હોગા...' કાકા લુચ્ચું હસીને બોલ્યા કે 'હું તો વતન ઊપર નહીં પણ નેતાઓના વચન પર ફિદા થઈ જનારાઓને ગમાર ગણીને  આ ગાણું ગાઉેં છું, સમજાયું?'

મેં પૂછયું કાકા આ ગીત ફેરવીને ગાવાનું શું કારણ?'કાકાએ જવાબ આપ્યો કે 'આપણાં દિલ્હી દરબારમાં સિંહાસને બેઠેલા નેતાઓ સત્તા પર આવવા માટે અને સત્તા મેળવ્યા પછી કેવાં કેવાં   વચનોની લ્હાણી કરવા માંડયા હતા ખબર છેને?  અચ્છે દિન આયેંગે... જીએસટી આવતા કરવેરાની  કડાકૂટમાંથી છુટકારો થશે... મોંઘવારી ઘટશે...  ગરીબી હટશે... અચ્છે દિન આયેંગે... એનો અર્થ હવે સમજાવો. અચ્છે દિન એટલે સારા દિવસો  આવશે એમ નહીં પણ અચ્છે દીન એટલે સારા દીન-દુ:ખીઆ આવશે. દીનજનો વધવા જ માંડયા છે કે નહીં?'

મે ંહકારમાં માથું ધુણાવતા કહ્યું કે 'પથુકાકા તમારી વાત સો ટકા સાચી, પેટ્રોલ-ડિઝલ જેવા અ ઈંધણના ભાવ કેવાં રોજબરોજ વધે છે? ઈંધણના ભાવ વધે એટલે બાકીની બધી ચીજોના ભાવ વધે કે નહીં?'

પથુકાકા અંગ્રેજીના જ્ઞાાનનું એક્ઝિબિશન કરતા બોલ્યા કાશ્મીર સરહદે સેનાના આટલા પેટ્રોલિંગ છતાં સીમા ભડકે બળ ેજ છેને? ત્યાંય ભાજપ સત્તામાં ભાગીદાર છે છતાં બધુ ભડકે બળે જ છેને? મે ંકાકાને શાંત પાડતા કહ્યું કે 'સેનાનું પેટ્રોલિંગ એટલે આપણી સેનાવાળા કાંઈ પેટ્રોલ છીડકી ભડકાં નથી કરતા. પેટ્રોલિંગ એટલે પહેરો દેવો, પડી સમજ?'

પથુકાકા માથું ખંજવાળીને બોલ્યા ઓ...હો...હો એમ વાત છે? બાકી પેટ્રોલ અને ડીઝલના ભાવ તો કેવાં વધતા જાય છે એ તો આપણે જોઈએ જ છીએને? પણ એટલું સારૃં થયું કે  પેટ્રોલ છાંટી બળી મરવાના કિસ્સા ઘટી ગયા છે.  મોંઘું પેટ્રોલ ખરીદી  જીવવાનું જ જ્યાં અઘરૃં બની ગયું છે ત્યાં મરવાનું કોને પોષાય?'

મેં કહ્યું 'કાકા આ ઠાલા વચનોની ધણધણાટી વચ્ચે ઈંધણના ભાવ ભટકે બળે છે એની દિલ્હી દરબારવાળાને કેમ ફિકર નહીં હોય?' મારો સવાલ સાંભળી કાકા તો નવરાત્રિમાં સાંભળેલું ગીત ઝૂમતાં  ઝૂમતાં ગઈ'તી મોરી સૈયર... ઈંધણા વીણવા ગઈ'તી રે...'

મેં કાકાને પૂછયું 'આ ગીત કેમ યાદ આવ્યું?' ત્યારે કાકાએ જવાબ આપ્યો કે આ ધરતી પરથી ઈંધણ તળિયાઝાટક થવા માંડયું છ.ે એટલે ભવિષ્યમાં   ગેસના ચુલાને બદલે  દેશી ચુલા  ઉપર આંધણ મૂકવા માટે જંગલમાં ઈંધણા વીણવા જવું પડશે જોજો તો ખરા? વિકાસને નામે કેવો રકાસ થાય છે એ તું જોતો નથી? હું તો દિલ જલતા હૈ તો જલને દે... ગીત ફેરવીને ગાતો રહું છું કે ડી-ઝ-લ જલતા હૈ તો જલને દે... આંસુ ના બહા ફરિયાદ ન કર....

મેં કાકાને કહ્યું કે હનુમાનજીને ભાવથી તેલ ચડાવતા ભક્તો પણ તેલના વધતાં 'ભાવથી' ભડકી ગયા છે. પથુકાકા બોલ્યા 'તે સારૃં યાદ આવ્યું, હમણાં જ વિદર્ભના અકોલા ગામે ગયો હતો. ત્યાં કાળા મારૃતિ એટલે કે કાળા હનુમાનનું પ્રાચીન મંદિર છે. શનિવારે બજરંગબલીના ભક્તોની તેલ ચડાવવા માટે ભીડ જામે હો?  એક શનિવારે બજારમાં નીકળ્યો ત્યાં સામે એક ઓળખીતાનો કોન્વેન્ટમાં ભણીને મોટો થયેલો બેટો  મળ્યો. 

હાથમાં તેલની ટબુડી હતી. મેં પૂછયું 'ક્યા જાય છે?' એણે કહ્યું અંકલ આજ સેટરડે  છેને? એટલે કાળા મારૃતિ ટેમ્પલમાં ઓઈલિંગ માટે જાઉં છું.' હે ભગવાન... હનુમાનદાદાને તેલ ચડાવવા જાઉં છું એમ કહેતા શું જોર પડતું હશે? એક તરફ ભક્તો ભાવથી હનુમાનજીને તેલ ચડાવે છે તો બીજી બાજુ સરકાર તેલના 'ભાવ' ચડાવે છે.

વધતા ભાવની વાત સાંભળીને કોણ જાણે  પથુકાકાને એક ઊખાણું સૂઝ્યું. કાકા બોલ્યા 'ચાલ વધતી કિંમતને નજર સામે રાખી જવાબ આપજે. કિંમતને ગુજરાતીમાં અને હિન્દીમાં જે  કહેવાય એ આપણાં ગુજરાતના ક્યા બે ગામમાં વણાઈ ગયું છે?' મેં માથું ધુણાવી ના પાડતા કાકાએ મને તાલી દઈને પોતે જ બોલી ઊઠયા 'અરે એટલીય નથી ખબર પડતી? ભાવ-નગર અને દામ-નગર, બરાબરને?'

દામ-નગરનું નામ સાંભળી મેં ટાપશી પૂરી કે 'વધતા દામના ડામ બહુ દઝાડે છે હો?' કાકાએ છણકો કરી વ્યંગબાણ છોડતા કહ્યું કે 'ભાઈ... આને જ કહેવાય દેશ-દાઝ વધતા દામના ડામ આખા દેશને દઝાડે એનું જ નામ દેશ-દાઝ.'

મેં કહ્યું 'કાકા આ જીએસટી સામે  વેપારીઓ  ઊભરો ઠાલવે છે એ વિશે તમે કેમ કાંઈ બોલતા નથી? પથુકાકા ખરેખર ખોંખરો ખાઈને બોલ્યા 'હું તો આ જીએસટીને ગુજરાત એસટી સાથે સરખાવું છું. ગુજરાત એસટીની રાહ જોઈને તાતડિયે તડકે ઊભા હોઈએ અને એમાં દૂરથી એસટી નજીક આવતી દેખાય ત્યારે મનમાં હરખ ન માય.

પણ ખડખડ પાંચમ જેવી એસટી બસ ભાગ્યમાં લખાય  હોય અને એમાં એકવાર ચડયા પછી ઢીંઢા ભાંગી જાય ત્યારે બસની આ બે-બસ  દશા અસહ્ય બની જાય ત્યારે મોઢામાંથી નીકળી જાય કે ઔર નહીં 'બસ' ઔર નહીં... વેપારીઓની આવી જ દશા થઈ છે.

જીએસટી આવતા બધા કરવેરાની ઝંઝટ જશે એવા મીઠા શમણામાં રાચતા હતા. પણ જી.એસ.ટી. આવી ચડયા પછી જે પળોજણો શરૃ થઈ છે એનાથી  ત્રાસેલા વેપારીઓ કહે છે આ તો ઉલમાંથી પડયાં ચૂલમાં... ક્યાં મત આપી બેઠાં ભૂલમાં ને ભૂલમાં...

હું ઝાલાવાડના ખોબા જેવાં ગામમાં મોટો થયો. એ વખતે ગામમાં એક ઉત્સાહી મોંઘીબેન હતા. દૂર નવરાત્રિમાં  પોતાને ખર્ચે ઘરના ફળિયામાં   બહેનોના આ ગરબા  એવાં જાણીતા  થઈ ગયા કે મોંઘીબેનના ગરબાનો  ડંકો વાગવા માંડયો.  

પચાસ વર્ષ પહેલાંના  એ દિવસો યાદ કરૃં છું ત્યારે મનમાં  વિચાર આવે છે કે આજે આખા દેશને 'મોંઘીબેન'ના  ગરબે  ધૂમવાની તક આ સરકારે આપી છે.  જોકે વિપક્ષો ગમે એટલી ટીકાની ઝડી વરસાવે, પણ ફરેન્દ્રજીને  ક્યાં અસર થાય છે? વધતી મોંઘવારીમાં મોંઘીબેનના આવાં ગરબા કાને પેડ છે:

વરસે ભલે વાદળીને
વાયુ ભલે વાય
'મોદી' તારો જીવડો
તોયે ના મુંઝાય.

હમણાં ગાંધી જયંતી ગઈ ત્યારે દેશભરમાં જ્યાં જુઓ ત્યાં સ્વચ્છતા ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. મોટા નેતાઓ પણ મોટા ઝાડુ લઈ લઈને નીકળી પડયા હતા. મુંબઈના અમુક વિસ્તારમાં  તો નેતાઓ સફાઈ કરવામાં આવવાના હોવાથી  આગલી રાતે ખાસ તો સૂકો કચરો પાથરવામાં આવ્યો હતો.  કારણ કે નેતાઓ ખાલી ઝાડુ ફેરવે  એ ફોટામાં સારૃં ન લાગે ને? રાજકારણના જાદુગર  થોડા વખત માટે ઝાડુગર બની ગયા.

સફાઈનો આ ખેલ જોઈને પથુકાકા દાઢમાંથી બોલ્યા કે 'ગાંધી જયંતિમાં એક દિવસ માટે આવાં દેખાડા કરવાની શું જરૃર છે? નવી સરકાર જ્યારથી  સત્તા પર આવી છે ત્યારથી આમેય પૂરજોશમાં સાફસફાઈ જ શરૃ કરી છેને?'

મેં આકળા થયેલા પથુકાકાને પૂછ્યું  કે 'નવી સરકારે સત્તા પર આવ્યા પછી શેની સાફસફાઈ શરૃ કરી છે એ જરા ફોડ પાડીને કહો તો ખરા?'  કાકાએ જવાબ આપ્યો 'સૌથી પહેલાં તો નવા ગાદીપતિએ ગાદી પર બેઠા પછી વિરોધ પક્ષને સાફ કરી નાખ્યો છે, આપણી જેવાં સામાન્ય નોકરિયાતોની રહીસહી બચત સાફ કરી નાખી છ ે અને વિકાસની કિંમત તો પ્રજાએ ચૂકવવી પડે એવાં નિવેદન કરીને આ સત્તાધીશોએ પોતાની નિયત સાફ કરી દીધી છે. એટલે આ સાફ-સફાઈ  ઝુંબેશ જ કહેવાયને?'

મેં ઊમેર્યું કે 'હવે ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે, એટલે જનતાના પૈસા પાણીની જેમ વાપરીને સત્તા ટકાવવાના દાવ અજમાવશે એ તમે કેમ ભૂલી ગયા કાકા?'

પથુકાકા બોલ્યા 'લોકશાહી પ્રથાની આ જ તો કમાલ છે ને?નેતાના ભાગ્યમાં ચૂંટાવાનું અને  પ્રજાના ભાગ્યમાં કૂટાવાનું જ લખ્યું હોય છે, હું તો એટલે જ કાયમ કહું છું ને કે:

ચૂંટાવા માટે થાય
બેફામ ખર્ચાવાળી
વિકાસના ડિંડકને નામે
જુએ નહીં પાછું વાળી
કરદાતા કરમાય, સત્તાધીશો ન શરમાય
લોકશાહીમાં કોના બાપની દિવાળી?

અંત-વાણી

આવે જ્યારે ચૂંટણી
કરદાતાના પૈસાની ચટણી
**  **  **
કોણે કહ્યું કે લીડર
ક્યાં વચન પાળે છે?
નકટા નેતાએ આલસેશિયન પાળી
નામ આપ્યું એને 'વચન'
હવે નેતાજી પ્રેમથી 'વચન' પાળે છે.
**  **  **
આકાશવાણી અને અડવાણીમાં શું સામ્ય છે જાણો છો? કોઈ સાંભળતું નથી.
**  **  **
સત્તાપક્ષ અને વિપક્ષ એકબીજા ઉપર દોષારોપણ કરવામાંથી જ ઊંચા નથી આવતા એમાં પ્રજાની  સામે કોણ જુએ? એટલે જ આ દો લાઈના કહેવી પડે છે:
માંડવાના મૂરત હોય
ભાંડવાના મૂરત ન હોય.
**  **  **
સંત પાસેથી વચન લે
એ તરી જાય
નેતા પાસેથી વચન લે
એ ઠરી જાય.
**  **  **
વકીલનો પાળેલો કૂતરો અંગ્રેજીમાં ભસી હાવ... હાવ... કરતો સવાલ જ કર્યા કરે અન ે શેરદલાલનો પાળેલો કૂતરો સતત ભાવ... ભાવ... જ કર્યા કરે.
**  **  **
આ બે આંખોમાં પાણી લાવે
એક પ્યાજ અને બીજું વ્યાજ.
 

Keywords Boj,Viana,ni,Moj,10,october,2017,

Post Comments