Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા રાજ્યમાં ભણવાલાયક બાળકને શાળાએ ન મોકલાય તો મા-બાપને દંડ થતો !

જાણો કેવી રીતે મહારાજા સયાજીરાવે યોજનાને અમલમાં મુકી....

આજે શિક્ષણનો અધિકાર (RTE) કાયદાના સુચારુ અમલ સામે અનેકવિધ અવરોધો આવી રહ્યા છે. લેભાગુઓએ કાયદાનો ગેરલાભ ઉઠાવી ગરીબ બાળકોના હક્કને ઝૂંટવી લેવાનો ભરપુર પ્રયાસ કર્યાના સેંકડો દાખલાઓ સામે આવી રહ્યા છે. શિક્ષણ તંત્ર કથળ્યું હોવાની ફરિયાદો ઊઠી રહી છે. આવી કાગારોળ વચ્ચે આપણને ભાગ્યે જ જાળવા મળે કે આજથી સવાસો વર્ષ પહેલાં વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડે મફત ફરજિયાત પ્રાથમિક કેળવણીનો કાયદો અમલી બનાવ્યો હતો અને તેનો પહેલો અમલ અમરેલી વિસ્તારમાં થયો હતો.

૧૮૯૨માં લાગુ કરાયેલો આ કાયદો એવો સખ્ત હતો કે ભણવાલાયક સંતાનોને શાળાએ ન મોકલનારા મા-બાપને દંડ કરવામાં આવતો હતો. અત્યારે એ જાણીને નવાઈ લાગશે કે ગાયકવાડ કાયદો કરીને જ બેસી રહી નહોતી પરંતુ એ માટે જરૃરી શાળાઓ ઊભી કરવી, શિક્ષકો ઉપલબ્ધ કરાવવા અને થયેલા અમલનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું કામ પણ સરકારે કર્યું હતું. વળી પછાત વર્ગો માટે વિશેષ કાળજી પણ લેવાતી હતી.


એક બાજુ શિક્ષણ માટે વ્યવસ્થા કરવી અને બીજી તરફ ભણેલું ભૂલાય નહીં એ માટે આખા વડોદરા રાજ્યમાં ઠેર ઠેર પુસ્તકાલયો (લાઇબ્રેરી) ઉભા કરવા એવો સુધારાત્મક પ્રયાસ પણ ગાયકવાડ સરકારે કર્યો હતો. ગુજરાતમાં બે- પાંચ વર્ષથી 'વાંચે ગુજરાત' નામે સરકારી અભિયાન ચાલે છે પણ સરકારી તંત્ર એને એક કરવા ખાતર કરેલી યોજનાથી વિશેષ રીતે જોતું નથી.
ફરજિયાત કેળવણી
ઇતિહાસમાં નોંધાયું છે તેમ સયાજીરાવને ૧૮૮૧ની આખરમાં પૂર્ણ રાજ્યાધિકાર મળ્યો તે પછી તેમણે જે સુધારક પગલાં ભર્યા તેમાં મફત ફરજિયાત શિક્ષણની વાત અતિ મહત્ત્વની હતી. આ અંગેનો કાયદો ભલે ૧૯૦૬માં અમલી બન્યો પણ શિક્ષણના પ્રસારની કાર્યવાહી ૧૮૮૫થી શરૃ કરેલી. ૧૮૮૭માં વિલાયત ગયા ત્યારે બ્રિટીશ લોકશાસનને સફળ કરવા 'મતદારો રૃપી' 'માસ્ટર્સ'ને કેળવવા અમલમાં આવેલી ફરજિયાત કેળવણીની યોજનામાંથી તેમને પ્રેરણા મળી હતી. તેનો અમલ અમરેલી તાલુકાથી કર્યો હતો.
કેવી હતી એ જોગવાઈ ?
૧૮૯૨થી એ મફત ફરજિયાત પ્રાથમિક કેળવણીની યોજનામાં સ્પષ્ટ જોગવાઈ હતી. (૧) ૭થી ૧૨ વર્ષની ઉમ્મરના છોકરાઓને તથા (૨) પડદો ન પાળતા વર્ગોની ૭થી ૧૦ વર્ષની વય સુધીની છોકરીઓને ફરજિયાત મફત કેળવણી શાળાઓમાં દાખલ કરવી, (૩) એકસરખા (એટલે કે એક સાથે) ૧૦ દિવસ અથવા તો કોઈ પણ મહિનામાં ૧૫ દિવસ સુધી છોકરાં ગેરહાજર રહે તો તેમના વાલીઓને બે આના દંડ કરવાનું ધોરણ હતું. (૪) ફરજિયાત શિક્ષણ માટે દર્શાવેલી ઉમ્મર પછી જે બાળકો ભણવા માગે તેમણે એક આનો માસિક ફી આપવાની રહેશે. (૫) પછાત આદિવાસી, કોળી જેવી મૂળ રહેવાસી જ્ઞાાતિઓને રાજ્યના ખર્ચે ચોપડી તેમજ સ્લેટ- પેન મફત અપાતા.
કોને છૂટ અપાઈ હતી ?
મફત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાયું તેમાં પણ ગાયકવાડ સરકારે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિવાળા પરિવારોના બાળકો માટે છૂટછાટની પણ જોગવાઈ કરી હતી. જેમને છૂટ અપાઈ હતી તેમાં (૧) જેમણે ફરજિયાત ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય (૨) જેઓ શાળાથી એક માઇલ દૂર ગામે વસતા હોય, (૩) મંદવાડને લીધે શાળામાં આવવા અશક્ત હોય. (૪) પડદો પાળનારા વર્ગની છોકરીઓ માટે ખાસ વ્યવસ્થા ન કરી હોય. (૫) ગરીબ ખેડૂતનો અગર હરીફરી ન શકે તેવા ખેડૂતનો એકનો એક પુત્ર હોય (૬) જેને ધાવણાં છોકરાવાળી મા હોય.
૧૯૪૦માં વધુ સુધારા કરાયા
યોજનાના પરિણામો સારા આવતાં જુલાઈ ૧૯૦૪માં 'પ્રાથમિક કેળવણીનો નિબંધ' આજ્ઞાાપત્રિકામાં (સરકારી આદેશ પત્રિકા) પ્રસિદ્ધ કરાવ્યો એ મુજબ કેટલીક સુધારાત્મક જોગવાઈઓ થઈ તે જોઈએ તો (૧) ફરજિયાત શિક્ષણ માટેની ઉમ્મર છોકરા માટે ૬થી ૧૪ અને છોકરીઓ માટે ૬થી ૧૨ (૨) ચાર ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત, (૩) ફરજિયાત કેળવણીને પાત્ર બાળકોને શાળામાં ન મોકલનારા મા-બાપ વાલીઓને દર મહિને એક રૃપિયાનો દંડ, અમુક પ્રકારની ગેરહાજરી માટે પણ બાળકોના વાલીઓને દંડ.
જેમને માફી આપવામાં આવી તેમાં વાર્ષિક રૃા. ૧૫૦થી ઓછી કમાણીવાળાં પરિવારના બાળકો, અમુક આકારથી ઓછું જમીન મહેસુલ ભરનારા પરિવારોના તથા માંદા, શારીરિક ખોડખાંપણવાળા બાળકો, ઘરડા કે માંદા મા-બાપની પાસે જેમને ઘરે રહેવું જ પડે તેવા બાળકો, પડદો પાળતી છોકરીઓ વગેરેનો સમાવેશ થતો હતો.
૧૯૦૫-૦૬નો હુકમ ઃ આખા રાજ્ય માટે કાયદો
૧૯૦૫-૦૬મા હુકમ કરીને સમગ્ર વડોદરા રાજ્યમાં કાયદો અમલી બન્યો તે પછી ૬૦૦ સરકારી અને ૬૦૦ પંચાયતોની શાળા ઉપરાંત દરેક ગામડે ૧-૮-૧૯૦૬થી સ્કૂલો શરુ કરવાનું જાહેર કરાયું. પહેલા ત્રણ ધોરણમાં શિક્ષણ મફત આપવાનું નક્કી થયું. ૧૯૦૬-૦૭માં સુધારા મુજબ ફરજિયાત વયમાં ફેરફાર કરાયો જેમાં છોકરાઓ માટેની વય ૭થી ૧૨ તથા છોકરીઓની ૭થી ૧૦ની રખાઈ અને ધોરણ ત્રણ ફરજિયાત રખાયા.
પ્રાપ્ત માહિતી મુજબ તદ્દન ગરીબ વર્ગના બાળકોને સ્લેટ તથા ચોપડીઓ મફત અપાતી, ખેડૂતોની મોસમી જરૃરિયાતોને અનુકૂળ આવે તેવા સમય શાળાઓના રખાતા તાલીમ પ્રાપ્ત શિક્ષકોની ઉપલબ્ધિ માટે ટ્રેનિંગ કોલેજોની પુનર્ગઠન પણ કરાયેલી.
કેળવણી કમિશન રચાયેલું
૧૯૦૭- ૦૮માં આખર સુધીમાં છોકરાઓ માટે ૪૨૬, છોકરીઓ માટે ૨૫૦ સ્કૂલો શરૃ કરી દેવાઈ હતી. આ ઝડપ જ દર્શાવે છે કે આ યોજના પાછળ સરકારનું મન કેવું, કેટલું હતું આ ૬૭૬ શાળાઓ સરકારી પંચાયતી શાળાઓ ઉપરાંતની હતી ! એ પછી એક કેળવણી કમિશન રચાયું હતું અને તેણે શિક્ષણ, વહીવટ બાબતે સર્વગ્રાહી રિપોર્ટ આપ્યો અને બીજા કેટલાક સુધારા પણ થયા.
૧૫ ડિસેમ્બર ૧૯૧૦ના રોજ ફરીવાર 'ફરજિયાત કેળવણીનો નિબંધ' નામે દસ્તાવેજ પ્રસિદ્ધ કરાયો હતો. જેમાં બાળકોની ફરજિયાત શિક્ષણ માટેની વય, ગેરહાજર રહેનારાઓ માટેની દંડની કડક જોગવાઈનો સમાવેશ થતો હતો. છેલ્લીવારનો આવો દસ્તાવેજ ૨૬-૮-૧૯૨૬ના રોજ પ્રસિદ્ધ કરાયો હતો. બાળકોના પરિવારની સ્થિતિ અનુસાર માફી- છૂટછાટ આપવા પર વિશેષ ધ્યાન અપાયું હતું. તેનો ઉત્તમ દાખલો આ રહ્યો (૧) કોઈ સ્થળે છોકરાની પૂરતી સંખ્યા ન હોવાના કારણે શાળા ન ઉઘડે અથવા જે છોકરીઓને બીજા સ્થળની શાળામાં જવું પડતું હોય ને તે સ્થળે ઉજ્જડ રસ્તેથી જવાનો પ્રસંગ હોય તો ફરજિયાત વયના છોકરા- છોકરીઓને માફી આપવી. (૨) વિધવાને મજૂરી કરવામાં મદદરૃપ થયા એકના એક સંતાનો, (૩) નાના ભાંડુઓની સંભાળ રાખવા ઘરે રહેવું પડે તેવા બાળકોને માફી !
યોજનાના પરિણામો અને આંકડાઓ શું કહે છે
૧૯૧૦-૧૧ના અહેવાલ મુજબ દેશી ભાષાની કેળવણી સંસ્થાઓ ૨૯૩૮ હતી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ ૧૭૮૫૭૧ હતાં. ૩૪૩ કન્યાશાળાઓ, ૨૮૮ અંત્યજ છોકરા- છોકરીઓની, ૮૦ ઉર્દૂ શાળાહતી. ૧૯૩૭- ૩૮માં ૨૮૧ હજાર છોકરા ભણતા હતાં. શાળામાં જવાલાયક બાળકો પૈકી ૮૬.૨ ટકા કેળવણી લેતા હતા. સરકારી શાળાઓ ૨૩૧૪ હતી અને તેમાં ૨૫૨ હજાર છોકરા ભણતા હતા. શાળાઓની સંખ્યાના ઘટાડા વિશે ખૂબ ચિંતન કરી પગલા લેવાયેલા અને ૧૩૨૫ ગામો એવા હતા જે નાના હતા તેથી શાળાઓ શરૃ થવા ન અંગે ચિંતા સેવાયેલી. વડોદરા રાજ્યે પછાત વર્ગો, દલિતો, મુસ્લિમોને કેળવવા માટે ખાસ કાળજી રાખેલી. કેટલાકને વિલાયત જવા સ્કોલરશિપ પણ મળેલી. રાનીપરજોને માટે પણ વિશેષ ચિંતા કરાતી. દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે છોકરીઓ માટે જૂદું વસતિગૃહ (છાત્રાલય જેવું) રખાયેલું. મફત પુસ્તકો અપાતા, શિક્ષકો અને અધિકારીઓ રાનીપરજ હોય તેવો પ્રયાસ થયેલો.
મન હોય તો માળવે જવાય
ટૂંકમાં, મહારાજા સયાજીરાવનું મન કેળવણીલક્ષી હતું એટલે પરિણામ હાંસલ કરી શકાયું આજે સ્થિતિ ઉલટી છે, કાયદાઓ બને છે પણ સરકારી તંત્રને ઉત્સાહ નથી હોતો. પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો વાસ્તવિક રીતે તો સરકારી કર્મકાંડ બની ગયા છે. એટલે તો શિક્ષણનો અધિકારનો કાયદો હોવા છતાં ય ધાર્યા પરિણામો આવતા નથી. કાયદો તુમારોમાં અટવાઈ ગયો છે. મહારાજની જેમ સરકારી તંત્રમાં ય 'મન' જેવી કોઈ ચીજ હોય તો માળવે પહોંચવું દૂર નથી.
 

Post Comments