Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

નોબેલ સર'પ્રાઇઝ': પારિતોષિક અને પરિતોષ

'જો તમે જેન ઑસ્ટીન અને ફ્રેન્ઝ કાફકાનું મિશ્રણ તૈયાર કરશો તો ઇશીગુરોનું એક સંક્ષિપ્ત રૃપ મળશે'

જ્યારે તમે કંઈ નવું કરો ત્યારે તમારા પર પ્રશંસા કરતા ટીકાનો મારો વધારે થતો હોય છે. તમે કશુંક ચોક્ઠાં બહારનું આપો એ વેળાએ તેને સ્વીકારનારો વર્ગ ઓછો અને ફટકારનારો ઝાઝો હોય છે.

લાંબો સમય લાગી જાય છે સ્વીકૃતિ મળવામાં. એ સંઘર્ષ, એ ઉત્સાહ, એ નવું કરવાની ખેવના અને તેનાથી મળતા પરિણામોને બિરદાવવા માટે પારિતોષિકો જરૃરી છે.

જે પરિતોષ(સંતોષ) આપે તે પારિતોષિક. હજારો ઉદાસી વચ્ચે તે એક ચિરંજીવ સ્મિત આપી જાય છે. તેમાંય લાયક પ્રતિભા પોંખાય ત્યારે વિશેષ આનંદ થતો હોય છે. નોબેલ પ્રાઇઝ કમિટીએ આ વખતે વિશ્વને વિશેષ આનંદ લેવાના મજબૂત કારણો આપ્યા છે.

જ્યાં અણું બોમ્બ ફુટયો હતો એ જ નાગાસાકીમાં કાઝુઓ ઇશીગુરો નામનું ફૂલ ઊગ્યું એ બાબત દર્શાવે છે કે ધરતી ક્યારેય વાંઝણી બનતી નથી.  અણું બોમ્બ ફૂટયા પછી પણ નહીં. ૧૯૫૪માં જન્મેલા કાઝુઓએ પ્રથમ નવલકથા ૧૯૮૨માં રચી હતી: અ પેલ વ્યૂ ઑફ હીલ્સ. તેઓ પુસ્તક લખવાનું મશીન નથી.

તેમણે આપણા મૂર્ધન્ય સાહિત્યકારોની જેમ સો-દોઢસો પુસ્તકો લખી પોતાની જાતને ઊંચી બતાવવાનો પ્રયત્ન કર્યો નથી. કેવળ આઠ પુસ્તકો સર્જ્યા છે. નાની વયે જ જાપાનથી બ્રિટન સ્થાયી થયેલા આ લેખકના ઉપન્યાસ 'રીમેન્સ ઑફ ધ ડે' અને 'નેવર લેટમી ગો' પરથી ફિલ્મ પણ બની ચૂકી છે. 'રીમેન્સ ઑફ ધ ડે' માટે બુકર પ્રાઇઝથી તેમના ઓવારણા લેવામાં આવ્યા હતા.

સમિતિના વડા સારા ડેનિયસે તેમની પ્રશાંસાના લીલા તોરણ આ શબ્દોમાં બાંધ્યાં: 'જો તમે જેન ઑસ્ટીન અને ફ્રેન્ઝ કાફકાનું મિશ્રણ તૈયાર કરશો તો ઇશીગુરોનું એક સંક્ષિપ્ત રૃપ મળશે. તેમાં થોડો-ઘણો માર્શલ પ્રુસ્ટ ઉમેરી ચમચા વડે ધીમે ધીમે હલાવો. પછી તમને જે મળશે તે ઇશિગુરોનું લેખન હશે.'

બે વર્ષ પહેલા બેલારુસના પત્રકાર સ્વેતલાના એલેક્સાવિચને જર્નલિસ્ટિક લેખન માટે અને ગત વર્ષે અમેરિકાના લોકકવિ-ગાયક બોબ ડીલનને પુરસ્કૃત કરીને આમ જુઓ તો નોબેલ કમિટીએ આંચકો આપ્યો હતો અને આમ જુઓ તો સાહિત્યની વ્યાખ્યા વિસ્તારી હતી. જાપાની મૂળના બ્રિટિશ લેખકનું નામ નીકળ્યું તેમાં એટલું મોટું અચરજ થયું નથી જેટલું ગત બે ઘોષણાઓમાં સર્જાયેલું. ખુશી તેનાથી વધારે થઈ છે.

ઇશુગુરો બાળપણમાં શેરલોક હોમ્સની વાર્તાઓના ચાહક હતા. યુવાનીમાં તેમના મગજ પર ગાયક અને ગીતકાર બનવાની ધૂન સવાર થઈ હતી. જિંદગી પણ કેવા-કેવા વળાંકો લેતી હોય છે! દેસી ક્લબોમાં જઈને ગાતા રહ્યા, પણ કંઈ જમાવટ ન થઈ.

અલબત્ત તેમના શોખે તેમના ગદ્યને પ્રભાવિત કર્યું. તેમના લેખનમાં એક અદ્ભૂત લય અને પ્રવાહીતાનું ઉમેરણ થયું. ૬૨ વર્ષના આ કલમવીર કહે છે કે 'લેખકે અનેક અર્થ સપાટીની નીચે છોડી દેવાના હોય છે.' કદાચ એ છોડી દીધેલા અર્થો જ સંચિત થઈને નોબેલ પ્રાઇઝ રૃપે તેમની સમક્ષ પ્રગટ  થયા છે.

કેનેડાના વાર્તાકાર માઇકલ ઓન્ડેડ્ઝ ઇશુગુરોના પ્રશંસક છે. તેઓ કહે છે કે 'ઇશુગુરોનું દરેક પુસ્તક ચકિત કરી દે છે.' 'ધ અનકન્સોલ્ડ' મેજિકલ રિયલિઝમથી લથબથ નવલકથા છે તો 'વેન વી વેર ઓર્ફેન્સ' જાસૂસી કથા છે. 

'નેવર લેટ મી ગો' સાયન્સ ફિક્શનની દિશામાં શૈલીગત છલાંગ છે. 'ધ બરીડ જાયન્ટ' એક ફેન્ટસી છે, તેમાં એક વૃદ્ધ દંપતીની વાર્તા કહેવામાં આવી છે. એ યુગલ તેમના લાપતા પુત્રની શોધમાં ગામ છોડીને જતું રહે છે. રસ્તામાં તેમની મુલાકાત એક જૂના સામંત સાથે થાય છે. કથામાં રાક્ષસ અને ડ્રેગન પણ આવે છે. આ વખતે નોબેલ પ્રાઇઝ કમિટીએ વૈવિધ્યનાં દુ:ખણા લીધા છે.

હવે વાત મેડિસિન પ્રાઇઝની. શરીરની અંદર પણ એલાર્મ વાગે છે જે આપણને કહે છે ઊઠો... આપણી અંદર પણ કૂકડો બોલે છે જે કહે છે, 'પ્યારે મોહન જાગો.' જેમ દીવાલ ઘડિયાળના કાટાઓ ફરતા જાય અને એક પછી એક કામ યોજનાબદ્ધ રીતે આટોપાતા જાય એવું જ શરીરનું છે. બોડી ક્લોક પ્રમાણે એક પછી એક કાર્ય થતા હોય છે.

જેફરી હોલ, માઇકલ રોઝબાશ અને માઇકલ યંગને બોડી ક્લોક પર કામ કરી માનવજાતની ઉત્તમ સેવા કરવા બદલ નોબેલથી પોંખવામાં આવ્યા તે રાજી થવા જેવી ઘટના છે. જેફરી હોલ અને માઇકલ રોઝબાશે ડીએનએના એક ભાગને અલગ કરી બોડી ક્લોકમાં લગાવ્યો હતો. તે ભાગ એટલે 'પીરીયડ જીન'. તેનું કામ પીઇઆર નામના પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે.

પ્રોટીનનું સ્તર વધી જાય છે ત્યારે પીરીયડ જનીન પોતાનું કારખાનું બંધ કરી દે છે. પીઇઆર રાતે વધી જાય છે અને દિવસે ઘટી જાય છે. માઇકલ યંગે આ કામગીરીમાં સંડોવાયેલા બે પ્રકારના જમીનની ઓળખ કરી છે. એકને ટાઇમલેસ કહે છે અને બીજાને ડબલ ટાઇમ. આવડી આ જનીન બેલડી પીઇઆરની સ્થિરતાને પ્રભાવિત કરવાનું કામ કરે છે.

પીઇઆર વધુ સ્થિર હોય તો બોડી ક્લોક મંદ ગતિએ ચાલે છે, પીઇઆર ઓછો સ્થિર હોય તો શરીર ઘડિયાળ ઝડપથી ટીક-ટીક કરે છે. પીઇઆરની સ્થિરતાના અલગ અલગ લેવલને કારણે જ કેટલાક લોકો વહેલી સવારે ઊઠવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક મોડી રાત સુધી જાગવાનું.

થોડી વાત શાંતિ પુરસ્કારની અશાંતિ વિશે... શાંતિ પારિતોષિક આપવામાં નોબેલ પ્રાઇઝ કમિટીએ થાપ ખાધી છે. ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેશનલ કેમ્પેઇન અગેન્સ્ટ ન્યુક્લિઅર વેપન નામની સંસ્થા દુનિયાને પરમાણું મુક્ત બનાવવા માટે કેમ્પેઇન ચલાવે છે, પણ તેમના પ્રયાસો ફળદાયી રહ્યા નથી.

નોબેલ પ્રાઇઝ કમિટીએ એવું કહ્યું કે 'આ સંસ્થાના પ્રયાસોને કારણે યુએનના નેજા હેઠળ ૧૨૨ દેશો પરમાણું શસ્ત્રો પર રોક લગાવવા માટે એક્ઠા થયા છે.' સૌથી પરમાણું હથિયારોનો ભંડાર ધરાવતા દેશો આમાં નથી.

સંયુક્ત રાષ્ટ્રોએ પરમાણું અપ્રસાર સંધિ કર્યા પછી વિશ્વમાં પરમાણું શસ્ત્રોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. પરમાણું શસ્ત્રો ઘટાડવા માટે ખરા અર્થમાં એક પણ સફળ પ્રયત્ન થયો નથી. તો પછી નોબેલ પારિતોષિક શામાટે? બીબીસીમાં એક અદ્ભૂત કાર્ટૂન પ્રગટ થયું હતું: પરમાણું શસ્ત્રોના ઢગલા પર બેઠેલા દેશના નેતાઓ એક બીજાને કહી રહ્યા છે, પહેલે આપ-પહેલે આપ.

શાંતિ પુરસ્કાર માટે દર વર્ષે લાયક મૂરતિયો મળવો મુશ્કેલ છે. ચાર-પાંચ વર્ષે એકાદ જડી આવે. એ સિવાય ઓલ ઓવર જોઈએ તો આ વખતના નોબેલ ઇનામ સુખદ સમાચાર બની રહ્યા છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- નવાઝ શરીફની ફરી નવાઝિશ થઈ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(પીએમએલ-એન)ના પ્રમુખ તરીકે તેઓ પુન: ચૂંટાઈ આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠરાવ્યા પછી પણ પક્ષ પર તેમની પકડ મજબૂત રહી છે. પાકિસ્તાન માટે નવાઝ જેવા પ્રગતિશીલ નેતા જરૃરી છે.

- અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ટ્વિટ્ટર પર સૌથી વધુ ફોલોઅર્સ મેળવનારા નેતા બની ગયા છે. ૪ કરોડ કરતા વધુ લોકો તેમને ફોલો કરી રહ્યા છે. કેથલિક સંપ્રદાયના વડા પોપ ફ્રાન્સીઝ બીજા ક્રમ પર આવી ગયા છે. વર્તમાનમાં સત્તારૃઢ હોય તેવા નેતાઓની જ યાદી ટ્વિટ્ટરે જાહેર કરી છે. તેમાં ભૂતપૂર્વ નેતાઓને ધ્યાનમાં લીધા નથી. બાકી ઑબામાના ફોલોઅર્સની સંખ્યા સાડા નવ કરોડ છે.

- સાઉદી અરેબિયાના કિંગ સલમાને રશિયાની મુલાકાત લીધી હતી. પુતિનને મળીને તેમણે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. અત્યાર સુધી સાઉદી યુએસને પૂછ્યા વિના પાણી પણ પીતું નહોતું. શું હવે તે ધરી બદલાવી રહ્યું છે?

- વાવાઝોડા અમેરિકાનો કેડો મૂકતા નથી. હાર્વી, ઇરમા અને મારિયા પછી નેટ ચક્રવાતે ઉત્પાત મચાવ્યો હતો. એ પહેલા મેક્સિકોમાં બે ભૂકંપ આવી ગયા. આટ-આટલી કુદરતી આફતો આવતી હોવા છતાં ડોનલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે ક્લાઇમેટ ચેન્જ કપોળકલ્પિત છે!

- માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં સમગ્ર એશિયામાં વિકાસ ગાંડો થયો છે! વિશ્વબેન્કે તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે કે એશિયામાં ૨૫ કરોડ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ન તો તેમના ઠેકાણાનું કોઈ ઠેકાણું નથી, ન મૂળભૂત સુવિધાઓનું.
 

Post Comments