Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

ડ્રેગન અને હાથી વચ્ચેની લડાઈમાં ફાવી જતો વાંદરો

ચીન નેપાળને દર વર્ષે બેથી ચાર કરોડ ડોલરની સખાવત કરે છે: નેપાળમાં થયેલા કુલ વિદેશી રોકાણમાંથી ૯૦ ટકા ચીનનું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિ એટલી સારી છે કે દરેક પડોશી જોડે આપણા સંબંધ વણસતા જાય છે. પાકિસ્તાન શત્રુ ને ચીન પ્રતિસ્પર્ધી છે એ તો સમજ્યા, પણ નેપાળ, માલદીવ, શ્રીલંકા, બાંગલાદેશ એ બધા દેશો કે જેમની સાથે આપણે સારા વ્યવહાર હતા તેમની સાથે પણ બગડી ગયું છે. નેપાળ અને માલદીવ તો આપણા બિલકુલ ખાસમખાસ હતા. આપણું માન જાળવતા, કિન્તુ આપણા પીઢ નેતાઓના છોકરમતને કારણે આ બંને દેશ પણ ચીનના ખોળામાં ભરાઈ પડયા છે.

બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી જાય એ વાર્તા તો બધાએ સાંભળી છે. નેપાળે ડ્રેગન અને હાથી વચ્ચેના ઝઘડામાં વાંદરાના ફાવી જવાની કહાની ઘડી છે. નેપાળી વડા પ્રધાન કે પી ઓલી તાજેતરમાં ચીન યાત્રા પર ગયા હતા. નેપાળમાં નવચૂંટાયેલા વડા પ્રધાન સૌથી પહેલા ભારતની યાત્રા પર આવતા હોય છે. આ વખતે એ શિરસ્તો ધરાશાયી થયો છે.

તેઓ સૌપ્રથમ ચીન ગયા. ત્યાં તેમણે ચીન સાથે ૧૫ એમઓયુ કર્યા. સૌથી મહત્ત્વની સમજૂતિ રેલવે લાઇનની રહી.  તિબેટના ગ્યોરોંગ પોર્ટથી નેપાળના કાઠમાંડુ સુધી રેલવે લાઇન નાખવામાં આવશે. ઊર્જા, પર્યટન, જળવિદ્યુત, સિમેન્ટ ફેક્ટરી, વ્યાપાર, કૃષિ, ઊડ્ડયન, સાંસ્કૃતિક-ઐતિહાસિક ધરોહરો અને શાળાઓનું પુન:નિર્માણ વગેરે ક્ષેત્રે કરાર કર્યા છે. આ બધા ક્ષેત્રોમાં પહેલા ભારતીય કંપનીઓનો દબદબો હતો. હવે તેમાં ચાઇનીઝ કંપનીઓ ઝંપલાવશે.

નેપાળમાં નાણાકીય વર્ષ જુલાઈમાં શરૃ થાય છે. તેની રાષ્ટ્રીય બેંકે જારી કરેલા આંકડા મુજબ ગત જુલાઈથી ડિસેંબર સુધીમાં ચીને ત્યાં આઠ કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ કર્યું હતું. ભારતે માત્ર સાડા ત્રણ કરોડ ડોલર. જાન્યુઆરીથી એપ્રિલમાં નેપાળમાં ચીને એટલું બધું રોકાણ કર્યું કે નેપાળમાં કુલ વિદેશી રોકાણમાં ચીનનો હિસ્સો ૯૦ ટકા થઈ ગયો.  ચીન દર વર્ષે નેપાળને બેથી ચાર અબજ ડોલરની આર્થિક સહાય કરે છે. ભારત નેપાળને સખાવત કરવામાં છેક સાતમા સ્થાને સરકી ગયું છે.

નેપાળના સંવિધાનમાં મધેસીઓને ઉચિત સ્થાન મળે એ હેતુથી ત્યાં ૨૦૧૫માં આંદોલન શરૃ થયું હતું. ભારતે મધેસીઓની તરફેણ કરતા સંબંધો ખરાબ થવાનો આરંભ થયો. નેપાળનું નાક દબાવવા કાજે ભારતે મહિનાઓ લગી ઇકોનોમિક બ્લોકેજ ઊભો કરી દીધો. મતલબ ભારતની સરહદેથી નેપાળ જતો માલસામાન અટકાવી દીધો.  પરિણામ એ આવ્યું કે નેપાળ ડ્રેગન તરફ ખસવા લાગ્યું. ડ્રેગને પણ મોકાનો બરાબર લાભ ઉઠાવ્યો. ભરપૂર મદદ કરી. આજે સ્થિતિ એ છે કે ત્યાં ભારત કરતા ચીનનું વજન વધી ગયું છે.

નેપાળમાં ભારતની અઢળક પરિયોજનાઓ વર્ષોથી ચાલુ છે અને બધી જ અધૂરી છે. તે પૂરી કરવામાં ભારત સરકાર જરા પણ રસ દાખવી રહી નથી. નવી-નવી એનાઉન્સમેન્ટ કરી નાખે છે, પણ એકેય કામ પૂરું કરતી નથી. આ પણ એક કારણ છે કે નેપાળ ચીન તરફ ઢળી ગયું.  એક સમય હતો જ્યારે નેપાળને ઇમોશનલ બ્લેકમેલ કરી શકાતું હતું. રોટી-બેટીની વાતોથી રીઝવી શકાતું હતું, કિન્તુ હવે એવું રહ્યું નથી. હવે ત્યાં સત્તા સ્થાને આવનારા નેતાઓ દુનિયાભરની રાજકીય સ્થિતિથી સારીરીતે વાકેફ રહે છે. તેમને બિલકુલ ખ્યાલ છે કે ભારત અને ચીન વચ્ચે ચડસા-ચડસી ચાલે છે. તો આનો લાભ શામાટે ન લેવો?

આ વખતે ચૂંટણી થઈ ત્યારે વામપંથી નેતા કે. પી. ઓલીને ચીનના ઉમેદવાર માનવામાં આવતા હતા અને નેપાળી કૉંગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને ભારતના. ઓલી જીતી ગયા પછી ભારતે તેની સાથે સંબંધો વિકસાવવાના પ્રયાસો વગવંતા બનાવી દીધા. ફેબુ્રઆરીમાં સુષમા સ્વરાજ નેપાળ ગયા,  એ પછી કે પી ઓલી ભારત આવ્યા અને હમણા મોદી ત્યાં જઈ આવ્યા. નેપાળે કહ્યું કે તે ભારતના હિતો સામે ખતરો ઊભો થવા દેશે નહીં.

આ માત્ર રાજી કરવાની વાત છે. તેનો ખાલી ભૌગોલિક ઢોળાવ ભારત બાજુ છે. બાકીના તમામ ઢોળાવ ચીન તરફ છે. એ જ નર્યું સત્ય છે. ચીન જેટલા પૈસા નેપાળમાં વાપરે છે તેટલા ભારત વાપરી શકે નહીં, કેમ કે ચીન આપણા કરતા પાંચ ગણું વધુ ધનાઢ્ય છે. નેપાળ એ પણ સમજી ગયું છે કે ક્યારેય કોઈ એક દેશ પર મદાર રખાય નહીં. એટલે તે હવે ક્યારેય સોએ સો ટકા ભારત તરફ ઝૂકશે નહીં એ પણ પાકી વાત છે.

ભારત નેપાળ સાથે સંબંધો બહેતર બનાવવા ઇચ્છતું હોય તો તેણે બિગ પ્રધર પોલિસી ડસ્ટબિનમાં ફેંકી દેવી જોઈએ. નેપાળ સાથે મિત્રાચારી કેળવવી જોઈએ. તેને બરાબરનાં માન-સન્માન આપવા જોઈએ. નેપાળમાં કોઈ રાજકીય ચળવળ જામે તો ભારતે તેને તે દેશની આંતરિક બાબત ગણીને તેમાં સ્ટેન્ડ લેવાનું ટાળવું જોઈએ. માલદીવમાં પણ સ્ટેન્ડ લેવાનું ભારતને મોંઘું પડયું તે આપણે બધા જાણીએ છીએ.

ચીનની છાપ ધીમે-ધીમે અહેસાનના ભાર તળે દબાવી દેવાની છે, પગપેસારો કરવાની અને માલિકીભાવ જતાવવાની છે. એટલે વિવિધ દેશો તેની સાથે સંબંધો વિસ્તારતા હોવા છતાં તેના પર પૂર્ણપણે વિશ્વાસ મૂકતા નથી. ભારતે પોતાની ઇમેજ પરિપક્વ બનાવી ચીનની આ નકારાત્મક છબિનો લાભ ઉઠાવવો જોઈએ. જો એવું થાય તો નીચલી સપાટીએ ગયેલા સંબંધોમાં ફરીથી નવી ઊંચાઈ જોવા મળી શકે છે. અલબત્ત રાતોરાત કોઈ ચમત્કાર થઈ શકે તેમ નથી.

વૈશ્વિક હાઇલાઇટ્સ...
- ઉત્તર કોરિયાના શાસક કિમ જોન્ગ ઉન અને અમેરિકી પ્રમુખ બરાક ઑબામા વચ્ચે ટૂંક સમયમાં ન્યૂયોર્કમાં બીજી મુલાકાત થશે. પ્રથમ બેઠકની સફળતાને પગલે બીજી બેઠક યોજાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વચમાં એવા સમાચાર આવેલા કે સિંગાપોરમાં ટ્રમ્પ-કિમ વચ્ચેની મુલાકાત પછી પણ ઉત્તર કોરિયાએ પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. ઘોડુ કઈ દિશામાં દોડી રહ્યું છે તથા અંદરખાને શું રંધાઈ રહ્યું છે એ તો બીજી મુલાકાત થઈ ગયા પછી જ ખબર પડશે.

- ભારત તથા ચીની સૈન્ય વચ્ચે પરસ્પર સહકાર વધે તે હેતુથી એક ચાઇનીઝ સેનાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું. દોકલામ મુદ્દે બંને દેશની સેના સામસામે આવી ગયા પછી આ પ્રથમ મુલાકાત છે. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લિયુ જીયોવૂએ કર્યું હતું. ભારત તરફથી તેમની સાથે લેફ્ટિનેન્ટ જનરલ પ્રદિપ એમ. બાલીએ વાતચીત કરી હતી.

- અમીરાત એરલાઇન્સે ઉડ્ડયન દરમિયાન હિંદુ ભોજન પીરસવાનું બંધ કરવાની જાહેરાત કર્યા બાદ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. મુસાફરો તરફથી મળેલા બહોળા પ્રતિભાવને પગલે તેમને પોતાનો નિર્ણય રદ કરવાની ફરજ પડી હતી. સંયુક્ત આરબ અમીરાતની આ વિમાની સેવામાં હવે પહેલાની જેમ જ હિંદુ મીલ પ્રાપ્ય બનશે. ઉલ્લેખવા જેવું છે કે તેમાં જૈન મીલ પણ પ્રાપ્ય છે.

- માલદીવ ભારતને એક પછી એક આંચકા આપી રહ્યું છે. પહેલા ચીન સાથે સંબંધો સુદૃઢ બનાવ્યા. પછી ભારતે ગિફ્ટમાં આપેલું ધુ્રવ હેલિકોપ્ટર પાછું આપી દીધું. ત્રીજું, ભારતીય કામદારોને માલદીવની વર્ક પરમીટ આપવાનો ઇનકાર કરી દીધો. ચોથું, માલદીવમાં ચાલતી ભારતીય યોજનાઓમાં સહકાર આપવાનું બંધ કરી દીધું. અને હવે પાકિસ્તાનની વીજળી કંપની સાથે કરાર કર્યો છે.

- પાકિસ્તાનની અદાલતે ભ્રષ્ટાચાર મામલે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની તથા તેની દીકરી મરિયમ નવાઝને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. નવાઝે કહ્યું કે દેશને સુધારવાના પ્રયત્નો કરવા જતા સજા ભોગવવાનો વારો આવ્યો છે. નવાઝને સજા કરીને ત્યાંની ચૂંટણી પ્રભાવિત કરવાની કોશિશ ચાલી રહી છે. પાકિસ્તાની ન્યાયતંત્ર સેનાના ઈશારે ચાલતું હોવાનું લાગી રહ્યું છે.

Post Comments