Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગૌસેવા ટ્રસ્ટની ૨૦૦ કરોડની જમીન પર હોસ્પિટલ બાંધવાનું કૌભાંડ

- વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો આક્ષેપ

- સરકારના વિવિધ વિભાગોએ મંજૂરી કઈ રીતે આપી ? તપાસ કરવાની માગ છતાં સરકારે કોઈ જવાબ ન આપ્યો

અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

શહેરી વિકાસ પરની બજેટની માગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં સભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં સરકારની નીતિ રીતિઓની આકરી ટીકાઓ કરી હતી. જેમાં કોંગ્રેસનાં સિનિયર બલદેવજી ઠાકોરે ભાજપ પર જબરજસ્ત આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે, ૨૦૦ કરોડથી વધુની કિંમતની શ્રી હરીહર ગૌ સેવા ટ્રસ્ટની જમીન પર હોસ્પિટલ બાંધી દેવાઈ છે. જેના માટે સરકારના વિવિધ વિભાગની મંજૂરી કઈ રીતે મળી ?

તેઓએ કહ્યું કે એસજી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ પાસે હરીહર ગૌ સેવા ટ્રસ્ટને વર્ષો પહેલા સરકારે જમીન ફાળવી હતી. જેમાં એક ભાગ પર મંદિર છે જ્યારે બાજુમાં ૨૦ હજાર વારનાં બીજા ફાઈનલ પ્લોટ પર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. જે હેતુથી ટ્રસ્ટને જમીન ફાળવાઈ હતી તે શરતોનો ભંગ થયો છે. ઉપરાંત ટ્રસ્ટ પાસે કરોડો રૃપિયા હોસ્પિટલ બાંધવા ક્યાંથી આવ્યા ?

બલદેવજી ઠાકોરે આ અંગે કહે છે કે, આ હોસ્પિટલ પણ અન્ય ખાનગી હોસ્પિટલોની માફક દર્દીઓ પાસેથી લૂંટફાટ ચલાવશે. સરકારમાં હિંમત હોય તો તપાસ કરે. આ હોસ્પિટલમાં ક્યાં ક્યાં મોટા માથાઓ સંડોવાયેલા છે તેના નામો મારી પાસે છે. સરકારને તે નામ જોઈએ તો આપું. હોસ્પિટલ માટેની તમામ મંજૂરીઓ સાવ ખોટી રીતે મેળવી લીધી છે. સરકાર ગૃહમાં આ કૌભાંડમાં સંદર્ભમાં કોઈ જવાબ આપી શકી નહોતી.

તેઓએ કહ્યું કે, કલોલમાં વ્હાઈટ હાઉસની ૫૦૦ મકાનોની જે સ્કીમ બનેલી છે તેની નીચેથી ૨૨ જેટલી પાઈપલાઈનો નીકળે છે. ઘણી વખત સળગવાની ઘટના બની છે. ગમે તે ક્ષણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હું બે વર્ષથી આની સામે લડી રહ્યો છું. ONGC ના ખોટા નકસા, ખોટા સર્ટીફીકેટો અપાયા છે. આમ છતાં કોઈ અધિકારીની જવાબદારી ફિક્સ થતી નથી. તેમજ સરકારમાં ફરીયાદ કરવા છતાં કોઈની સામે પગલાં લેવાતા નથી.

અમદાવાદમાં કેટલાક બિલ્ડરો FJI વેચવાનો ધંધો કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ગરીબોને મકાનો આપવાની વાત કરી હતી પણ મકાનો અપાયા નથી. જ્યારે કોંગ્રેસના હિંમતસિંહ પટેલે કહ્યું કે, ટીપી સ્કીમો સમયસર બનતી ન હોવાથી શહેરોનો વિકાસ થઈ શકતો નથી. ટીપી બનાવતા વર્ષો નીકળી જાય છે. તે જ્યારે મંજૂર થાય છે ત્યારે જે તે વિસ્તારની સ્થિતિ આખી બદલાઈ ગઈ હોય છે. મોટો ભ્રષ્ટાચાર થાય છે.

આજ રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મેયર ઈન કાઉન્સિલનો કાયદો લાવ્યા હતા. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને, મેયરને સતા અપાઈ છે. આમ છતાં ગુજરાતમાં આ કાયદાનો અમલ કરાતો નથી. ગુજરાતની કુલ વસતીની ૪૨.૫૮ ટકા વસતી શહેરોમાં રહે છે. આમ છતાં રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈનની યોગ્ય વ્યવસ્થા, આરોગ્યની સુવિધા વગેરે જેવી પાયાની સગવડો માટે નાગરીકોને હેરાન થવું પડે છે. સરકાર નિષ્ફળ ગઈ છે. રોડ-રસ્તાનાં કામોમાં મોટો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલે છે.

Post Comments