Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે દેશ પાસે 300 ઝાંસીની રાણી છે: માધાપરની મહિલાઓ માટે ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું!

- કચ્છમાં બની રહેલું ગુજરાતનું સૌથી મોટું વન માધાપરની બહાદુર મહિલાઓને સમર્પિત થશે

- 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાને તોડી નાંખેલો રનવે માધાપુરની મહિલાઓએ ચાર દિવસમાં બનાવી આપ્યો હતો

અમદાવાદ, તા.14  જૂન 2018, ગુરુવાર

કચ્છના સમૃદ્ધ ગામ માધાપરમાં રાજ્યનું સૌથી મોટું વન બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ વનનું લોકાર્પણ મુખ્યમંત્રી કરવાના છે. આ વન માધાપરની બહાદુર મહિલાઓને સમર્પિત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. એ માટે વનનું નામ પણ 'શૌર્ય વન' રખાશે.

માધાપરની મહિલાઓએ ૧૯૭૧ના યુદ્ધ વખતે અસાધારણ સાહસ દાખવીને તૂટેલો રન-વે બહુ ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો હતો. મહિલાઓ દ્વારા થયેલા આવા પરાક્રમના કિસ્સા જગતના યુદ્ધ ઈતિહાસમાં બહુ ઓછા નોંધાયા છે. માટે માધાપરની મહિલાઓનું આ રીતે સન્માન થાય એ મહત્ત્વપૂર્ણ છે.

૧૯૭૧ના યુદ્ધ વખતે ભારતના પશ્ચિમ ભાગમાં વાયુસેનાને કામ આવી શકે એવું એકમાત્ર એરપોર્ટ ભુજ શહેરની ભાગોળે માધાપર ગામ પાસે હતું. પાકિસ્તાને બરાબર વ્યુહરચના અપનાવી રન-વે પર બોમ્બમારો કર્યો.

એ હુમલાને પાકિસ્તાને 'ઓપરેશન ચંગિઝ ખાન' નામ આપ્યું હતુ. એ પછી ભારત પાસે લડાકુ વિમાનો હોય તો પણ નકામા ઠર્યાં, કેમ કે રન-વે વગર ઉડી જ ન શકે. બીજી તરફ રાતોરાત તો રન-વે બની ન શકે! અલબત્ત, દુનિયાના બીજા કોઈ ભાગમાં આવી ઘટના બની હોય તો ન બની શેક, પરંતુ કચ્છની ખુમારી અલગ હતી.

શ્રમદાન મહિલાઓ આગળ આવી

તૂટેલો રન-વે તત્કાળ રીપેર થઈ શકે એ માટે મોટી સંખ્યામાં કામદારોની જરૃર હતી. પરંતુ લશ્કર પાસે એટલા માણસો હતા નહીં. જે હતા એ બધા યુદ્ધ લડતાં હતા. એ વખતે કચ્છના કલેક્ટર ગોપાલસ્વામી હતા.

તેમણે સર્વત્ર ફરીને શ્રમદાન માટે લોકોને અપીલ કરી હતી અને તેમાં માધાપરની મહિલાઓ સૌથી પહેલી આગળ આવી હતી. એ વખતી સ્થિતિ પ્રમાણે જામનગરથી રવ-વે તૈયાર કરનારી ટૂકડી આવે ત્યાં સુધીમાં ઘણો સમય જતો રહે એમ હતો.

પુરુષવર્ગ પોતાના કામોમાં રોકાયેલો હતો. એટલે સમય પારખીને રસોડામાં વેલણ ફેરવતી મહિલાઓએ આડકતરી રીતે યુદ્ધ મેદાનમાં ભાગ લેવા ઉતરી પડી હતી. એ વખતે બધી મહિલાઓ ૨૦થી ૩૦ વર્ષની વયની હતી.

કેટલી મહિલાઓએ કામ કર્યું તેનો આંકડો વિવિધ લખાણોમાં અલગ અલગ નોંધાયો છે. પરંતુ માધાપર ગ્રામ પંચાયતે સન્માન કરેલી મહિલાઓના લિસ્ટમાં ૬૫ નામ જોવા મળે છે. એ પૈકી બહુ ઓછી મહિલાઓ હવે ગામમાં હાજર છે. જે મહિલાઓ હાજર છે, તેમનું પણ વન લોકાર્પણ વખતે સન્માન કરવામાં આવશે. કેટલીક મહિલાઓ પરદેશમાં પરિવાર સાથે સ્થાયી થઈ છે, તો કેટલીક સ્વર્ગવાસી થઈ ચૂકી છે. અગાઉ જોકે મહિલાઓનું સન્માન થઈ ચૂક્યુ છે.

સાઈરન વાગે ત્યારે સંતાઈ જવાનું

યુદ્ધ સમયે સામાન્ય રીતે લોકો ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ એવા સમયે જીવની પરવા કર્યા વગર આ મહિલાઓએ રન-વેની કામગીરી અટકવા દીધી ન હતી. કામ ચાલતુ હતું એ વખતે જ પાકિસ્તાની વાયુસેનાના વિમાનો ગમે ત્યારે આકાશમાં આવી જઈ બોમ્બમારો કરી જતાં હતા. દુશ્મન વિમાન હુમલો કરવા આવે ત્યારે સાઈરન વાગતું હતું. એ વખતે સૌ કોઈએ કામ પડતું મુકીને આસપાસના ખાડા, આડશ, જાડી-ઝાંખરામાં સંતાઈ જવું પડતું હતું.

ખાધા-પીધા વગર કામ કર્યું

૧૯૭૧ની ૮મી ડિસેમ્બરે સવારમાં જ ઘરે બાળકોને રમતાં મુકીને આ મહિલાઓ એરપોર્ટ પર આવી પહોંચી હતી. તેમની સાથે થોડા પુરુષો પણ હતા. યુદ્ધની સ્થિતિમાં પહેલા દિવસે તો કામ કરતી મહિલાઓ માટે ભોજનની સગવડ કરવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. માટે સાંજના ૬ સુધી કામ કર્યા પછી મહિલાઓ ખાવા-પીવા ભેગી થઈ હતી. બીજે દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિરે મહિલાઓ માટે નાસ્તા-પાણીની સગવડ કરી આપી હતી. પહેલા દિવસે માધાપર ઉપરાંત આસપાસના કેટલાક ગામોની મહિલાઓ પણ હતી, પરંતુ બીજા દિવસે એ મહિલાઓ આવી ન હતી.

ઈન્દિરા ગાંધી પણ પ્રભાવિત થયા

૧૯૭૧ના યુદ્ધમાં ભારતે ૧૪મા દિવસે પાકિસ્તાનને હંફાવી દીધું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. વિજય થયા પછી ઈન્દિરા ગાંધી ભૂજ આવ્યા ત્યારે આ બધી વીરાંગનાઓને પણ મળ્યાં હતા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.  ઈન્દિરા ગાંધીએ કહ્યું હતુ કે 'પહેલા ભારત પાસે એક ઝાંસીની રાણી હતી, આજે ભારત પાસે એક નહીં ૩૦૦ ઝાંસીની રાણી છે'. સરકારે આ મહિલાઓનું સન્માન કરી ઈનામની રકમ આપી તો મહિલાઓ લેવાનો ઈન્કાર કરી દીધો હતો અને અંતે એ રકમ ગામની સમૃદ્ધિ માટે વપરાઈ હતી. એ માધાપરની ઓળખ આજે એશિયાના ધનવાન ગામ તરીકેની છે, તેમાં ત્યાંની મહિલાઓનો ફાળો ઓછો નથી.

Post Comments