Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 માર્ચ : 'ભદ્રં ભદ્ર'ના સર્જકનો આજે 150મો જન્મદિવસ

- રમણભાઈ નીલકંઠ સમગ્ર હિન્દના પ્રથમ હાસ્યકાર હતા

- હાસ્યકાર, તંત્રી, કવિ, જજ, સમાજ સુધારક, અમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ સહિતના અનેક રોલ તેમણે ભજવ્યા હતા

અમદાવાદ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

વાંચવાનો શોખ ન હોય એ લોકોને પણ એટલી ખબર હોય કે ગુજરાતી ભાષામાં 'ભદ્રં ભદ્ર' નામની એક કૃતિ છે. એ કૃતિના સર્જક એટલે રમણભાઈ મહિપતરામ નીલકંઠ. ૧૮૬૮ની ૧૩મી માર્ચે અમદાવાદમાં જન્મેલા રમણભાઈનો આજે ૧૫૦મો જન્મદિવસ છે.

આજે માત્ર ગુજરાતી જ નહીં, ભારતના સાહિત્યિક ઈતિહાસમાં રમણભાઈનું નામ આદરપૂર્વક લેવાય છે, જ્યારે તેમની ઓળખ સમગ્ર હિન્દના પ્રથમ કટાક્ષકાર (હાસ્યકાર) તરીકે અપાય છે.

ભદ્રં ભદ્રએ સમાજ પર થયેલા કટાક્ષની જ કથા છે. ભદ્રં ભદ્રમાં પ્રયોજાયેલી વિશિષ્ટ ભાષાને કારણે 'ભદ્રં ભદ્રીય ગુજરાતી' એવો શબ્દપ્રયોગ પણ પ્રચલિત થયો છે.

બ્રિટિશ તાબા હેઠળના ભારતમાં હાસ્ય કે કટાક્ષની પરંપરા જ ન હતી. એ વખતે રમણભાઈએ પશ્ચિમી સાહિત્ય વાંચીને હાસ્ય-કટાક્ષ લેખનની શરૃઆત કરી હતી.

વળી ભદ્રં ભદ્ર પહેલી હાસ્ય નવલકથા હતી. એટલે તેમને યોગ્ય રીતે જ આખા દેશના પ્રથમ કટાક્ષકાર ગણાવાયા હતા. ભદ્રં ભદ્ર એ કથાનું મુખ્ય પાત્ર છે. તેમના વિશે પછી જ્યોતિન્દ્ર દવેએ કહ્યું હતુ કે 'ભદ્રં ભદ્રને પદભ્રષ્ટ કરે એવો મહાનુભાવ હાસ્યસૃષ્ટિમાં જન્મવો બાકી જ છે.' આજે પણ બાકી જ છે.

રમણભાઈના પિતા મહિપતરામ એ સમયના સમાજ સુધારક હતા. એ વારસો રમણભાઈએ જાળવ્યો હતો અને સુધારાની શરૃઆત પોતાના લેખન દ્વારા કરતી હતી. મુંબઈમાં તેઓ કોલેજ ભણ્યા હતા અને ત્યાં શિક્ષક બન્યા હતા. એ પછી અમદાવાદમાં પણ શિક્ષક તરીકે નોકરી કરી હતી. તેમણે જજ પદેથી રાજીનામુ આપી વકીલાત શરૃ કરી હતી. વકીલ તરીકે એ સમયના સમકાલીનો કરતા બહુ ઓછી ફી લેતા હતા.

'પ્રાર્થના સમાજ' અને 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'માં તેઓ સક્રિય સભ્ય હતા. એ વખતે ગુજરાત કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ રોબર્ટસને કહ્યું હતું કે અમદાવાદમાં સંપૂર્ણ જેન્ટલમેન કોણ છે એમ કોઈ મને પૂછે તો હું રમણભાઈ નીલકંઠનું જ નામ આપું.

૧૯૦૦ની સાલમાં લખાયેલી ભદ્રં ભદ્રમાં તેમણે ગુજરાતી સાથે દેવભાષા સંસ્કૃતનો પણ બખુબી પ્રયોગ કર્યો હતો. એ વખતે ભદ્રં ભદ્રની બહુ ટીકા થઈ હતી, કેમ કે રમણભાઈએ પોતાની રીતે અનેક શબ્દ પ્રયોગો કર્યા હતા અને ભાષાને વિસ્તારી હતી.

આજે પણ કોઈ લેખક નવા શબ્દ પ્રયોગો કરે ત્યાં કેટલાક ભાષાશાસ્ત્રી અને પ્રૂફ રીડર્સ 'આવા શબ્દો તો આપણી ભાષામાં છે જ નહીં' એમ લખીને સોશિયલ મીડિયા પર ટીકાનો વરસાદ અને એ બહાને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છેે. રમણભાઈના વખતે પણ એવુ થતું હતુ એટલે તેમની ટીકા થઈ હતી.

ભદ્રં ભદ્ર ઉપરાંત તેમણે 'રાઈનો પર્વત' નામે નાટક લખ્યું હતુ, જે પણ એટલું જ લોકપ્રિય નીવડયું છે. રાઈનો પર્વત એ શિર્ષક વળી રમણભાઈએ પોતાના પિતાએ સંપાદિત કરેલા ભવાઈ સંગ્રહની એક પંક્તિ (રાઈકો પરબત કરે, પરબત બાગેજ માંહી) 'શોધમા' નામે બીજી એક હાસ્યકથા લખવાની શરૃઆત કરી હતી, પરંતુ પૂરી થાય એ પહેલા તેમનું અવસાન થયુ હતુ. માટે એ કથા પછી બિપિન ઝવેરીએ પૂર્ણ કરી હતી.

'જ્ઞાાન સુધા' સામયિકના તેઓ તંત્રી બન્યા અને આજીવન રહ્યા હતા.  ભદ્રં ભદ્ર કથા આ સાયમકિમાં જ હપ્તાવાર પ્રગટ થઈ હતી. તેમણે વિવેચનનું કામ પણ થોડા અંશે કર્યુ હતુ, તો વળી 'હાસ્યમંદિર'માં તેમના નિબંધોનો સંગ્રહ થયો છે.

પ્રથમ પત્ની હસવદનનું અકાળે અવસાન થતા રમણભાઈએ 'તું ગઈ' નામે કવિતા લખી હતી. તેમના નામે ૩૪ જેટલી કવિતા નોંધાયેલી છે. રમણભાઈ પાસે લોકો હસ્તાક્ષર જોવડાવવા પણ આવતા હતા કેમ કે તેઓ તેના નિષ્ણાત હતા.

૬૦ વર્ષનું આયુષ્ય ભોગવી ૧૯૨૮માં અવસાન પામેલા રમણભાઈના નામે આજે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ હાસ્ય પુરસ્કાર 'રમણભાઈ નીલકંઠ પારિતોષિક' અપાય છે.

કોર્પોરેશનની વેબમાં રમણભાઈ ક્યાંય નથી!
અમદાવાદ મહાનગર પાલિકાના ચૂંટાયેલા કે સરકાર દ્વારા નિમાયેલા સભ્યોને રમણભાઈ નીલકંઠ અને તેમના પ્રદાન વિશે જાણકારી ન હોય એ સ્વાભાવિક છે. અલબત્ત કોર્પોરેશનની વેબસાઈટ પર પણ ક્યાંય રમણભાઈ નીલકંઠનો ઉલ્લેખ કે નામ શુદ્ધાં નથી. વેબસાઈટ પર ઈતિહાસ વિભાગમાં અમદાવાદનો ઈતિહાસ અપાયો છે, કોર્પોેરેશનનો ઈતિહાસ છે પણ એમાં ક્યાંય રમણભાઈ નથી.

એ રીતે કમિશનર અને મેયરે પોતાના ફોટા સાથે પોતાના જ ગુણગાન રજૂ કરી દીધા છે. પરંતુ અમદાવાદને જેમણે ખરેખર સુધાર્યું એવા રમણભાઈનો ક્યાંય ઉલ્લેખ નથી! રમણભાઈએ ૧૮૯૭થી શરૃ કરીને ૧૯૨૪ સુધી અમદાવાદ સુધરાઈનું કામ કર્યુ હતુ. ૧૯૧૨માં સુધરાઈને સરકારે બરખાસ્ત કરી જે સભ્યોની નિમણૂંક કરી તેમાં રમણભાઈ હતા.

૧૩ માર્ચ : 'ભદ્રં ભદ્ર'ના સર્જકનો આજે ૧૫૦મો જન્મદિવસ
'ગુજરાતમાં વિદ્વાનો છે, નીડર યોદ્ધાઓ છે, મુત્સદ્દીઓ છે પણ ગુજરાતનો એકમાત્ર સજ્જન રમણભાઈ જ.' એવું જેમના માટે ગાંધીજીએ કહ્યું હતું. ગાંધી યુગ પૂર્વેના અમદાવાદ- ગુજરાતના રાજકીય, સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્રેસર એવા રમણભાઈ નીલકંઠે અમદાવાદ શહેરને ગૌરવ બક્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદના વિકાસમાં તેમનો ફાળો સવિશેષ છે.  ૧૯૧૫થી ૧૯૨૪ દરમિયાન તો મ્યુનિ. પ્રમુખપદે સેવાઓ આપી હતી. ૧૯૧૯માં ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મહાત્મા ગાંધીને (ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી અથવા મિ. ગાંધી) પરાજિત કરવામાં તેમની કામગીરી નોંધપાત્ર હતી.

તેઓ ગાંધીજીની અસહકારની વિચારધારા સાથે પણ અસહમત હતા. આમ છતાં કોઈ વ્યક્તિગત દ્વેષભાવ ક્યારેય વ્યક્ત કર્યો નહોતો એટલે તો આગળ કહ્યું તેમ ગાંધીજીએ તેમને એકમાત્ર સજ્જન ગણાવ્યા હતા. દ્વિતિય પત્ની વિદ્યાગૌરી ઉચ્ચ શિક્ષણ મેળવે, ગ્રેજ્યુએટ બની શકે તે માટે ગોધરામાંની જજની નોકરી ત્યજી દીધી હતી, અમદાવાદ આવી ગયા હતા. પરિણામતઃ વિદ્યાગૌરી ગુજરાતના પહેલા મહિલા ગ્રેજ્યુએટ બની શક્યા હતા.

ગાંધીજીની જેમ સરદાર સાહેબ જોડે પણ વૈચારિક મતભેદ ધરાવતા આ મહાનુભાવે અમદાવાદ મ્યુનિ. માટે વિનામૂલ્યે કાનુની સલાહ આપવાનું ઉમદા કામ કરેલું. કોઈ બીજા પ્રકારના ભથ્થા પણ તેઓ લેતા નહોતા. રમણભાઈને સરદારે સરદારે 'સંપૂર્ણ સદ્ગૃહસ્થ' તરીકે વર્ણવેલા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૨૮ના રોજ તેમનું અવસાન થયું પછી સરદારના જ હસ્તે મ્યુનિ. કંપાઉન્ડમાં ૧૬ જૂન, ૧૯૩૧ના રોજ તેમની પ્રતિમા મૂકાઈ હતી. આજે નગરસેવકો તરીકે ફરજ બજાવતા ભાજપ- કોંગ્રેસના લોકો રોજ આ પ્રતિમા જોતા હશે પણ લગીરેય ખ્યાલ નહીં હોય કે આ મહાનુભાવ કોણ છે? એમણે અમદાવાદ માટે શું કરેલું?

Post Comments