Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મીડિયાની સ્વતંત્રતા જળવાઈ રહે એ લોકોની જવાબદારી છે ઃ રવીશ કુમાર

-'દરૃ એવોર્ડ' સ્વીકારવારવા અમદાવાદ આવેલા જાણીતા પત્રકાર રવીશ કુમારની નિખાલસ વાતો

-ભાજપ-આરએસએની છાપ દાયકાઓ સુધી મહેનત કર્યા પછી સત્તામાં આવનારા સંગઠન તરીકેની છે, એ સંજોગોમાં કોંગ્રેસ

(વિશેષ પ્રતિનિધિ દ્વારા)     અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

'ચંદ્રકાંત દરૃ મેમોરિયલ ટ્રસ્ટ' દ્વારા અપાતો 'દરૃ એવોર્ડ' આ વર્ષે જાણીતા પત્રકાર અને ન્યૂઝ ચેનલ એનડીટીવીના એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારને એનાયત થયો હતો. અમદાવાદ ખાતે એવોર્ડ સ્વીકારવા માટે આવેલા રવીશ કુમારે પત્રકારત્વ, રાજકારણના વર્તમાન પ્રવાહો, બદલાતું સમાજ જીવન વગેરે વિશે વાતો કરી હતી. એમની સાથેની મુલાકાત..

તમારી છાપ મોદી સરકાર વિરોધી પત્રકાર તરીકેની છે?

હા, પણ ૨૦૧૪ પહેલા યુપીએ સરકાર વિરોધી તરીકેની હતી. પત્રકાર તરીકે મારું કામ સરકારની ક્ષતિઓ રજૂ કરવાનું, એ અંગે ધ્યાન દોરવાનું, લોકો સમક્ષ રજૂ કરવાનું છે. એમ કરવાથી હું કોઈ વિરોધી થઈ જતો હોઉં તો મને વાંધો નથી. પણ અત્યારે લોકો મને એમ કહે છે, કે હું માત્ર એક જ પક્ષનો વિરોધ કરું છું, તેમણે મારા કાર્યક્રમના જૂના વિડિયો જોવા જોઈએ. કેમ કે દરેક સરકાર વખતે મેં તેમની ખોટી નીતિઓનો વિરોધ કર્યો જ છે, એ કરતો રહીશ.

સોશિયલ મીડિયામાં તમારી ટીકા થાય, તમારો વિરોધ કરતી પોસ્ટ ફરતી રહે છે

રોજની બે લાખ ગાળો ખાવાની આદત પડી ગઈ છે. પણ તેનાથી કામ કરવાનું વલણ બદલી શકાતું નથી. બીજી વાત એ છે કે સોશિયલ મીડિયામાં જે લોકો મારા વિરૃદ્ધ પ્રચાર કરે છે એ લોકો મારા સૌથી સારા દર્શકો છે. કેમ કે મારા શૉનો વિરોધ કરવા માટે ધ્યાનપૂર્વક જોવો પડે. માટે મારે તો એમનો આભાર માનવો પડે. હા, કેટલાક લોકો મે કહ્યું જ ન હોય એવી વાતોનો મારા નામે પ્રચાર કરે એ ખોટું છે. દેશમાં હજુ ઘણા દર્શકો એવા છે, જેમને હું કરું છું, એ પ્રકારના પત્રકારત્વમાં રસ છે. માટે શૉ ચાલ્યા કરે છે. બાકી તો અત્યારે સરકારના વખાણ કરે એ પ્રકારનું જ મીડિયા (સમાચાર માધ્યમો) સરકારને જોઈએ છે. એ સંજોગોમાં દેશના અનેક પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ જાય છે.
મારો વિરોધ કરવા માટે કરોડો જીબી ઈન્ટરનેટ ડેટા વાપરવામાં આવે તો એ વાતને મારી સિદ્ધિ ગણાવવી જોઈએ. કેમ કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિનો વિરોધ કરવા માટે આટલી બધી મશિનરીનો ઉપયોગ શા માટે કરવો પડે? મને અને મારી જેમ કામ કરતા ઘણા પત્રકારોને એમ લાગે કે અમે સામાજિક અને રાજકીય બહિષ્કારની જીંદગી જીવીએ છીએ. કેમ કે કોઈની વાતનો વિરોધ કરીએ તો દુશ્મન માની લેવામાં આવે છે.

મિડિયાની સ્વતંત્રતા વિશે તમારુ શું કહેવુ છે?

અત્યારે ગોદી મીડિયાનો એટલે કે સરકારના ખોળે બેઠેલા મીડિયાનો યુગ છે. પણ એ વચ્ચેય કેટલાક પત્રકારો, અખબારો જનહિતનું કામ કરે એ મોટી વાત છે. સરકાર મીડિયાને ધમકાવવા માટે સીબીઆઈના દરોડો પાડે કે બીજી કંઈ કામગીરી કરે, પણ વધુ દોષ જનતાનો છે, જે મીડિયાનું મહત્ત્વ સમજી શકતી નથી. મીડિયા ટકી રહે એ લોકોની જવાબદારી છે, મીડિયાની નહીં.
લોકોને પોતાનો નેતા પસંદ કરવાનો અધિકાર છે, એ રીતે મીડિયાને લોકો વતી સરકારને સવાલ પૂછવાનો અધિકાર છે. લોકોએ રાજી થવું જોઈએ અને ગૌરવ લેવું જોઈએ કે કોઈ તેમના વતી સરકારને સવાલ પૂછે છે. તો એ સવાલ પૂછનાર એટલે કે મીડિયાની સ્વતંત્રતા જળવાઈ રહે અને મીડિયા ટકી રહે એ લોકોએ જોવાનું છે. કેમ કે સ્વતંત્ર મીડિયા જ નહીં રહે તો સરકારને પૂછશે કોણ?
સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા કે ટ્રોલ કરનારા થોડા લોકો છે. સામે પક્ષે લાખો લોકો છે, જેમને રોટી-કપડાં-પાણી મળતું નથી. મીડિયામાં લોકોના પ્રશ્નો રજૂ થાય એ જો લોકોને જ રસ ન હોય તો મીડિયા તો બંધ કરી દેશે. પણ એક સારો પત્રકાર પોતાનું કામ બંધ કરે તો એ દેશના કરોડો લોકોનું નુકસાન છે. કરોડો લોકો પોતાનો અવાજ ગુમાવે છે, એ સમજવું જોઈએ. લોકો મીડિયાને સપોર્ટ કરે એ જ ખરું લોકતંત્ર છે. લોકોને એ વાત ખતમ કરવામાં રસ હોય તો મીડિયા શા માટે પરવા કરે?
હું કોઈ સ્થળે સ્ટોરી કરવા માટે જાઉં અને લોકો જ તેનો વિરોધ કરે તો હું એ સ્ટોરી પડતી મૂકી દઉં? લોકોને રસ ન હોય કે પોતાની સમસ્યા સામે આવે તો મારે શા માટે પરવા કરવી જોઈએ? હું મારાથી થાય એટલું કરું. પછી લોકોએ નક્કી કરવાનું છે.

તમે તો સમાચાર ચેનલનો પણ વિરોધ કરો છો..

સમાચાર માધ્યમ તરીકે ચેનલનું કામ લોકો સુધી સાચી વાત પહોંચાડવાનું છે. પણ તેના બદલે મોટા ભાગની ટીવી ચેનલો એ જ રજૂ કરે છે, જે સરકાર ઈચ્છે છે. એટલે એવું બને છે કે તમે સમાચાર ચેનલો બદલ્યા કરો, તો પણ એક જ સરખી વાત બધે આવતી હોય છે. દેશમાં બીજું ઘણું બને છે, જેની સાથે જનહિત, લોકશાહીનું હિત સંકળાયેલું છે. એ પ્રશ્નો કોઈ ચેનલમાં ઉઠાવતું નથી. કેટલાક લોકો નાના પાયે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે, પણ ઘણી ખરી રાષ્ટ્રીય ચેનલો અને અખબારો પણ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાને બદલે ખોટી, ભ્રામક કહી શકાય એવી વાતો પહોંચાડે છે.
એક વ્યક્તિ મહિને ૩૦૦-૪૦૦ રૃપિયા ચેનલના અને ૨૦૦ રૃપિયા અખબારના બિલ પાછળ ખર્ચીને ખોટી માહિતી મેળવો છે. તો લોકોને મારો સવાલ એ છે કે તમે ખોટી માહિતી જાણવા પૈસા ખર્ચો છો? તો પછી ચેનલોને તાળા મારી દેવા જોઈએ અને તેના પૈસા બચે એ લોકોએ પ્રધાનમંત્રી રાહતકોષમાં જમા કરાવી દેવા જોઈએ. આ રીતે તો સમાચાર ચેનલો લોકતંત્ર ખતમ કરી રહી છે.

ભારત આઝાદીના ૭૦ વર્ષ, હિન્દ છોડોના ૭૫ વર્ષ ઉજવી રહ્યું છે..

આ પ્રકારની ઊજવણીઓને આપણે હવે બેન્ડ-બાજા-બારાતમાં પરિવર્તિત કરી દીધી છે. મોટે પાયે ઊજવણી કરવાને બદલે ઐતિહાસિક તવારીખના દિવસે શાંતિ જાળવી, અગાઉના સ્મૃતિ ચિહ્નો જળવાઈ રહે એ માટે પ્રયાસ કરવો જોઈએ. પણ આપણે ભવ્ય ઊજવણી કરીને નવી સ્મૃતિ પેદા કરી દઈએ છીએ, જૂની ભૂંસી નાખીએ છીએ. ઈતિહાસ સાથે એ છેડછાડ છે.

ગુજરાતની રાજ્યસભા ચૂંટણી વિશે શું કહેશો?

પહેલી વાર એવુ લાગ્યું કે ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે! એવું લાગે છે કે ગુજરાતનું યુપીકરણ થઈ રહ્યું છે. એક સમયે ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ પ્રકારની ખરીદ-ફરોત થતી હતી. હવે ગુજરાતમાં એક જ બેઠક માટે ધારાસભ્યોની હેરાફેરી થાય એ શરમજનક સ્થિતિ છે. વધુ શરમજનક સ્થિતિ ભાજપ અને આરએસએસ માટે છે. કેમ કે ભાજપ અને આરએસએસની છાપ દાયકાઓ સુધી મહેનત કરનારા લોકોની છે. વર્ષો સુધી મહેનત કરે પછી ધારાસભ્ય-સંસદસભ્ય બને. પરંતુ હવે એવુ છે કે કોઈ કોંગ્રેસમાંથી આવે તેને ધારાસભા કે સંસદસભા સોંપી દેવામાં આવે છે. એટલે એવું થાય કે આરએસએસના કે ભાજપના વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા સભ્યો અને પાયાના કાર્યકરો નિરાશ થઈ જાય છે. વળી એ કાર્યકરોને એવો ખોટો સંદેશો મળે કે મહેનત કરનારાઓનું પાર્ટીમાં મહત્ત્વ નથી, પણ બીજા પક્ષ-પલટુઓનું છે.
ગુજરાત આઝાદીની લડતમાં વિશિષ્ટ રાજ્ય રહ્યું છે. અહિંસાની વ્યાખ્યા લોકો અહીંથી શિખ્યા છે. ગુજરાતના રાજકારણે તો તેની પ્રતિષ્ઠા જાળવવી જોઈએ. એ કામ ગુજરાતના લોકોનું છે.

અને દેશના વર્તમાન રાજકારણ વિશે...

લોકો મોદી-શાહના રાજકારણ માટે કોંગ્રેસીકરણ શબ્દ વાપરે છે, એ યોગ્ય નથી. કોંગ્રેસની રાજનીતિ અલગ પ્રકારની છે અને હવે દેશમાં તેનું ખાસ અસ્તિત્વ જણાતુ નથી. પ્રજાના પ્રશ્નો વિશે કોંગ્રેસ સાવ નિષ્ક્રિય છે. પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહે રાજનીતિની વ્યાખ્યા બદલી નાખી છે. અત્યારની ગુજરાતની રાજયસભા ચૂંટણીમાં કોંગ્રેસની એક બેઠક મળી એ કોંગ્રેસની સિદ્ધિ ન ગણવી જોઈએ. ઉલટાનું એમ માનવું જોઈએ કે મોદી-શાહે જરા ઉદારતા દાખવી એટલે કોંગ્રેસને એક બેઠક મળી. કેમ કે આ નાનકડી જીત પછી મોદી-શાહ કોંગ્રેસને ઘણી મોટી હાર આપશે, તેની કોંગ્રેસને ખબર નથી. હવેલી આપીને ગુજરાત લઈ લેવા જેવી વાત છે. માટે વર્તમાન રાજકારણને મોદી-કરણ કે શાહ-કરણ કહેવું જોઈએ. કેમ કે મોદી અને શાહ જે પ્રકારની રાજનીતિ શરૃ કરી છે, એ માટે તેમની રાજકારણી તરીકે તો કદર કરવી જોઈએ. એમને કોંગ્રેસીકરણ નામ ન આપવું જોઈએ.

તમને સાહિત્યમાં પણ રસ છે, બ્લોગ લખો છો..

હા, પત્રકારત્વમાંથી ઓછો સમય મળે છે, પણ સમય મળે ત્યારે સાહિત્ય વાંચતો રહું. મારા શૉ કરવા સિવાય હું કોઈ કામ કરતો જ નથી. પત્રકારત્વ છોડવું પડે એ સંજોગોમાં કોઈ ખૂણામાં જઈને વાંચવાનું અને યુનિવર્સિટીમાં જઈ વિદ્યાર્થીઓને ભણાવવાનું પસંદ કરું. બ્લોગ લખતા રહેવું ગમે છે.

રવીશકુમાર એટલે કોણ?

એનડીટીવી પર 'પ્રાઈમ ટાઈમ', 'રવીશ કી રીપોર્ટ' અને 'હમ લોગ' જેવા કાર્યક્રમો માટે રવિશ કુમાર જાણીતા છે. વીસેક વર્ષથી પત્રકારત્વમાં સક્રિય રવિશ કુમારને અગાઉ રામનાથ ગોએન્કા સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. કોઈના દબાણમાં આવ્યા વગર નિર્ભિક પત્રકારત્વ કરવા માટે તેઓ જાણીતા છે. તેઓ બિહારના ચંપારણ જિલ્લાના મોતિહારીના વતની છે.

Post Comments