Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દવાની કિંમત પરના નિયંત્રણના કારણે વિદેશી કંપનીઓ ભારતમાં આવતી નથી

-વાઇબ્રન્ટ સમિટમાં આવેલા બાયોટેક્નોલોજી ઇનોવેશનના CEO જેમ્સ ગ્રીનવૂડની ટકોર

-૯૦% સંશોધનમાં નિષ્ફળતા મળશે તે નિશ્ચિત હોવા છતાં બાયોટેક કંપનીઓ કરોડો રૃપિયાનું રોકાણ કરે છે

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન અને મૂડીની ઉપયોગિતા આ બંને એવા મોટા પડકાર છે જેના લીધે બાયોટેકની અદ્યતન વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ કરતા હાલ ખચકાટ અનુભવી રહી છે તેમ બાયોેટેક્નોલોજી ઇનોવેશન ઓર્ગેનાઇઝેશનના સીઇઓ જેમ્સ ગ્રીનવૂડે જણાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે આજે 'જીન્સ, જીન એડિટિંગ એન્ડ ધ ન્યુ બાયોટેક્નોલોજી'  વિષય પર સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં જેમ્સ ગ્રીનવૂડ ઉપરાંત નોબેલ લોરિએટ્સ ડો. હારોલ્ડ વાર્મોસ, ડો. રેન્ડી શેકમેન અને ઝાયડસ કેડિલાના સીએમડી પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બાયોટેક ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન એ બાયોટેક કંપનીનું પ્રતિનિધિત્વ કરતું વિશ્વનું સૌથી મોટું ટ્રેડ એસોસિયેશન છે. જેમ્સ ગ્રીનવૂડે જણાવ્યું હતું કે 'સરકાર તરફથી તમારી પ્રોડક્ટને પૂરેપુરું રક્ષણ આપવાની બાહેંધરી મળે નહીં ત્યાં સુધી બાયોમેડિકલ ઇનોવેશન પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. સરકાર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના નિયમોમાં બાંધછોડ કરવા તૈયાર ના હોય તો કોઇ પણ બાયોટેક કંપની પોતાના અબજો રૃપિયાનું રોકાણ કરવા તૈયાર થાય નહીં તે સ્વાભાવિક વાત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરજિયાત લાયસન્સિંગનો આગ્રહ નહીં રાખવા અને અમેરિકાના વેપારના પ્રતિનિધિ મંડળ સાથે આઇપી ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય આવકારદાયક છે. જોકે, નવી પ્રોડક્ટના પેટન્ટ અને કંપનીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અંગેની દિશામાં હજુ ઘણું કામ કરવાનું છે.
કાયદાની કલમ ૩(ડી)ને કારણે અદ્યતન, સુધારેલી દવાઓ ભારતમાં આવતી નથી. ભારત સરકાર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગેના વૈશ્વિક સમુદાયમાં જોડાશે તો બાયોટેક ક્ષેત્રમાં ભારત હરણફાળ ભરશે.

ભારત સરકારે બાયોટેક્નોલોજીમાં રોકાણ માટે આકર્ષણક વાતાવરણ બનાવવું પડશે. જેનાથી સંશોધકોને તેમના સંશોધન અને તેમની પ્રોડક્ટના પ્રચાર માટે પૂરતી મૂડી પણ મળી રહે. સરકારના સમર્થન વિના કોઇ પણ બાયોટેક્ કંપની ટકી શકે નહીં. બાયોટેક કંપનીઓ વર્ષે કરોડો રૃપિયા ખર્ચી સંશોધન કરે છે અને તેમાંથી ૯૦ ટકા સંશોધનો નિષ્ફળ જતા હોય છે. જેના કારણે રોકાણકારો અને સરકાર ધીરજ રાખે તે પણ જરૃરી છે.  સરકાર દવાઓની કિંમત પર નિયંત્રણ રાખવા માગે તો તેનાથી બાયોટેક કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે. બાયોટેક માટે સરળ કાયદાઓને લીધે આજે અમેરિકા આ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ભારતમાં ગરીબો વધારે છે, દવાની કિંમત ઓછી જ રહેવી જોઇએ

ભારતમાં દવાની કિંમત ઓછી રાખવાનું નિયંત્રણ દૂર કરવા અને પેટન્ટના નિયમો-બાયોટેક કંપનીઓ માટે કાયદાના ફેરફાર કરવાના જેમ્સ ગ્રીનવૂડના સૂચનને ઝાયડસ કેડિલાના સીએમડી પંકજ પટેલે ફગાવી દીધું હતું. પંકજ પટેલે જણાવ્યું હતું કે 'ભારતમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પ્રમાણ ખૂબ જ વધારે છે. જેના કારણે દવાની કિંમત ઓછી રહે તે જ યોગ્ય છે. ભારતમાં દવાના પેટન્ટ અંગેના કાયદામાં પણ કોઇ જ ફેરફાર કરવાની જરૃર નથી તેવો મારો સરકારને અનુરોધ છે. અમે અન્ય દેશના પેટન્ટના કાયદાને સન્માન આપીએ છીએ.

ભારત ભ્રમણમાં 'ભ્રમ' દૂર થયો ઃ ગ્રીનવૂડનો કટાક્ષ

જેમ્સ ગ્રીનવૂડે જણાવ્યું કે 'હું અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના મંત્રીમંડળમાં સામેલ હતો ત્યારે તેમની સાથે મને સૌપ્રથમ વખત ભારત આવવાની તક સાંપડી હતી. તે સમયે અમે જ્યાં પણ જતા ત્યાંથી ટ્રાફિક દૂર કરી દેવામાં આવતો, અમે તાજમહાલ ગયા તો ત્યાં પણ અમારી મુલાકાતને લીધે જાહેર જનતાને પ્રવેશ અપાયો નહોતા. ઝૂંપડપટ્ટીને પણ પડદા પાછળ ઢાંકી દેવામાં આવી હતી.  ભારતમાં આટલા ઓછા લોકો જોઇને હું ખૂબ જ ખુશ થઇ ગયો હતો. પરંતુ સરકારી મહેમાન હતો તેની આ ઝાકમઝાળ હતી. મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ બીજી વખત હું ભારત આવ્યો ત્યારે ભારતમાં બધું આયોજનબદ્ધ હોવાનો મારો ભ્રમ ભાંગી ગયો હતો. મેં મારી ૨૫મી લગ્નતિથિ કેરળના હાઉસબોટમાં ઉજવી હતી. '

સંશોધન પત્રો સરળતાથી મળે તેવી વ્યવસ્થા વિકસાવાય

નોબેલ લોરિએટ્સ ડો. હારોલ્ડ વાર્મોસ, ડો. રેન્ડી શેકમેને જીન્સ, જીન એડિટિંગ અંગે પોતાના અનુભવ-અભિપ્રાય વહેંચ્યા હતા. હારોલ્ડ વાર્મોસ અને રેન્ડી શેકમેને જણાવ્યું હતું કે 'યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન પત્રો (રિસર્ચ પેપર્સ) સરળતા-સહજતાથી લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ વિકસાવવી જોઇએ. વિકસીત દેશોમાં અભ્યાસ કરતા છાત્રોને તેમની કે અન્ય યુનિવર્સિટીઓના સંશોધનો ટેક્નોલોજીના માધ્યમથી સરળતાથી મળી રહે છે તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય છે. જેથી તેમનું જ્ઞાાન વધારે સમૃદ્ધ બનેે છે. આ ઉપરાંત સંશોધન પત્રો જર્નલમાં ઝડપથી પબ્લિશ કરવાનું લક્ષ્યાંક હોવું જોઇએ નહીં. જર્નલમાં તમારા કેટલા વધારે સંશોધન પત્રો આવે છે તેનું નહીં પણ તેમાં ગુણવત્તા કેટલી છે તેનું મહત્વ છે. સર્જનાત્મક્તા સાથે જવાબદારી પણ આવે છે તે ભૂલવું જોઇએ નહીં.
 

Post Comments