Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મ્યુનિ.ની બજેટ બેઠકમાં અભૂતપૂર્વ ધાંધલ-ધમાલ, સૂત્રોચ્ચારો અને તોડફોડ

-વડાપ્રધાન વગર નિમંત્રણે બિરિયાની ખાવા પાકિસ્તાન પહોંચી જાય છે, તે શબ્દો સાથે

-મેયરે કોંગ્રેસના કોર્પોરેટરને એક દિવસ માટે સસ્પેન્ડ કરી બહાર મૂકી આવવા ફાયર-જવાનોને બોલાવ્યા

અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત બોર્ડની બજેટ બેઠકમાં ચાલતી ચર્ચા દરમ્યાન 'પાકિસ્તાન'નો ઉલ્લેખ થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી જતાં ભારે ધાંધલ-ધમાલ અને હંગામો થયો હતો. સામસામે મુડદાબાદના અને હાય.. હાય..ના સૂત્રોચ્ચારો વચ્ચે મેયરના ડાયસ પર ઘુસી ગયેલાં કોંગ્રેસના સભ્યોએ માઇક વગેરેની તોડફોડ કરી હતી અને ટેબલ પર રાખેલા ફુલો ફગાવી દીધાં હતાં. કયાં કોણ શું બોલે છે, તે જ સમજાતું ના હતુ. ધક્કા મુક્કીના વાતાવરણ વચ્ચે મેયરે બહુમતિથી કોર્પોરેશન અને સંલગ્ન સંસ્થાઓના બજેટ મંજુર કરવામાં આવે છે, એમ કહી બોર્ડ આટોપી લીધું હતું. અને તુરત જ હોદ્દેદારો બોર્ડ છોડીને નીકળી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે કોંગ્રેસના કોર્પોરેટરોની રજૂઆતો વધારે ઉગ્ર હતી. જેના કારણે આજે ભાજપના સભ્યોને પણ મક્કમતાથી સામનો કરવા સૂચના અપાઇ હતી. બપોરના ગાળામાં જમાલપુર-રાયખડના કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝ શેખે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે લઘુમતિ વિસ્તારોમાં નહિવત કામો જ થાય છે. આ રજૂઆત વખતે પણ ભાજપના કોર્પોરેટરો ઉભા થઇ ગયા હતા. બીજી તરફ કોંગ્રેસના સભ્યો પણ ઉભા થઇ ગયા હતાં. થોડીવાર માટે ચાલેલી રકઝક બાદ મેયરે અધ્યક્ષ સ્થાનેથી વિનંતી કરી સૌને બેસાડી ફરી બોર્ડ ચાલુ કરાવ્યું હતું.

સાંજના સમયે પૂર્વ મેયર અમીત શાહે આંકડાકિય માહિતી સાથે થઇ રહેલાં વિકાસ કામોનું ચિત્ર રજૂ કર્યું હતું. જેમાં એકાદ-બે લઘુમતિ વિસ્તારોનું નામ આવ્યું અને પછી કોંગ્રેસના સભ્યો સામે જોયને કટાક્ષ કર્યો કે આ નાણાં પાકિસ્તાનથી નથી આવતા. અમદાવાદની જનતાએ પરસેવાના નાણાંમાંથી ભરેલા ટેક્સના નાણાં છે, સમજ્યા ?


આ સાથે જ શાહનવાઝ ઉભા થઈ ગયા અને તેમણે કહ્યું કે તમારા વડાપ્રધાન વગર નિમંત્રણે પાકિસ્તાન પહોંચી જઈને બિરિયાની ખાય આવે છે, એની વાત કરોને.

આ શબ્દો સાથે જ ભાજપના કોર્પોરેટરો ઉભા થઈ ગયા હતા. આ તબક્કે અમિતભાઇએ ઉગ્રતા સાથે કહ્યું હતું કે તમારા ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીની પ્રતિમા ઉખાડી ફેંકીશું. આ તબક્કે કોંગ્રેસના સભ્યો પણ ઉભા થઈ ગયા હતા. આ તબક્કે સ્ટેન્ડિંગ ચેરમેને શાહનવાઝને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી હતી. જે સ્વીકારી મેયરે શાહનવાઝને સસ્પેન્ડ કર્યા હતા. પણ તેઓ બહાર નહીં જતાં ફાયર બ્રિગેડના જવાનોને બોલાવ્યા હતા. આમ છતાં તેઓ તેમને બહાર કાઢી શકયા ના હતાં. કોંગ્રેસના સભ્યો નીચે બેસી ગયા હતાં.


દરમ્યાનમાં સ્થિતિ ધક્કામુક્કી સુધી પહોંચી ગઈ હતી. ભાજપ હાય.. હાય.. અને સામે કોંગ્રેસ હાય.. હાયના સૂત્રોચ્ચારો પોકારાયા હતા. મેયરના ટેબલ સુધી પહોંચી જઈ તોડફોડ કરી હતી. દરમ્યાનમાં મેયરે મ્યુનિ. કોર્પોરેશન અને તમામ સંલગ્ન સંસ્થાઓના બજેટ બહુમતિથી મંજુર કરી દઈ, ઝડપથી નીકળી ગયા હતાં. રાતના ૧૨ સુધી ચાલનારું બોર્ડ ૬.૩૦ વાગ્યામાં ઉતાવળે સમેટાઇ ગયું હતું.

આમાંથી કેટલાંક તો 'સીમી'ના કાર્યકરો છે !

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે હો હા ચાલતી હતી ત્યારે ભાજપના એક સિનિયર સભ્ય માઇક પરથી બોલતા સંભળાયા હતા કે, આમાંથી કેટલાંક સીમીના કાર્યકરો છે.

૩૦૦ માણસોની રસોઇ પડી રહી

બોર્ડની બેઠક દરમ્યાન સાંજે ૧૯૨ કોર્પોરેટર, કર્મચારીઓ, ડ્રાયવરો, પ્યુન વગેરે મળીને ૩૦૦થી વધુ લોકોની રસોઇ તૈયાર થઇ ગઇ હતી. કાઉન્ટર પણ ગોઠવાઇ રહ્યા હતા. ધાંધલ-ધમાલ થતાં તમામ કોર્પોરેટરો જમ્યા વગર નીકળી જતાં તમામ રસોઇ પડી રહી હતી. ૩૦૦ લોકોની થાળી ૭૦૦ રૃપિયા લેખે ગણીએ તો ૨.૧૦ લાખનું ભોજન પડયું રહ્યું હતું. કેમકે કર્મચારીઓ પણ તુરત જ નીકળી જવા માંડયાં હતાં.

મેયર-કમિશનરની સમાપન સ્પીચ પડી રહી !

બજેટ બેઠક પૂર્ણ થવા આવે ત્યારે શહેરનો વિકાસ કઇ દિશામાં કરવાાં આવી રહ્યો છે, તેનો ચિતાર આપતી મેયર અને કમિશનરની મહત્વની સ્પીચ હોય છે. સ્ટેન્ડિંગ ચેરમેન પણ છેલ્લે બોલવાના હોય છે. આ ત્રણેય અગ્રણીઓના તૈયાર કરાયેલા માહિતીસભર વ્યાખ્યાનો કાગળ પર જ રહી ગયા હતાં. આ જ રીતે ભાજપના ૨૨ અને કોંગ્રેસના ૧૧ કોર્પોરેટરોએ બોલવા માટે નામો લખાવ્યા હતા, તેમની સ્પીચ પણ રહી ગઇ હતી.


મ્યુનિ. કચેરીએ પોલીસ કાફલો ઉતારાયો

અમદાવાદ મ્યુનિ. બોર્ડમાં થયેલી અભૂતપૂર્વ ધાંધલ-ધમાલના પગલે મ્યુનિ. કચેરી પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. એટલું જ નહીં તમામ બિલ્ડીંગના તમામ ખાતાઓની કચેરીનું કામકાજ બંધ કરી કર્મચારીઓને નીકળી જવાની સૂચના આપવાનું ચાલુ કરી દેવાયું હતું.

ખમાસા ખાતેની મ્યુનિ. કચેરીના પ્રાંગણમાં બહુ મોટી દુર્ઘટના સર્જાવાની હોય તેવું વાતાવરણ થઇ ગયું. પોલીસ એક ખાતામાંથી બીજા વિભાગમાં દોડી રહી હતી. કેન્ટીનને પણ બંધ કરીને તેના કર્મચારીઓને જતા રહેવા સૂચના અપાઇ હતી. નવા બિલ્ડીંગમાં જ્યાં મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન બેેેસે છે, તેના તમામ ગેટ બંધ કરી દઇ તાળાં મારી દેવાયા હતા. મુખ્ય દરવાજા પર ઊભેલા સિક્યોરીટી ગાર્ડને એવી સૂચના અપાઇ હતી કે અંદરના વાહનોને બહાર જવા દેજો, બહારથી કોઇ વાહનને અંદર આવવા ના દેશો. કોર્પોરેટરો તો ઠીક કર્મચારીઓ પણ ઝડપથી નીકળવા માંડયા હતાં.

આ અંગે પૂછતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, બહારથી કોઇએ ગુંડા બોલાવ્યા હોવાની જાણ થતાં પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવાયો છે. ભાજપે કોંગ્રેસ પર કોમવાદનો આક્ષેપ કર્યો હતો જ્યારે કોંગ્રેસે ભાજપના કાંડ-કૌભાંડો બે દિવસથી સપાટી પર આવી રહ્યાં હોવાથી જાણી જોઇને બોર્ડ ખોરવી નાખ્યાનો આક્ષેપ કર્યો હતો. 

Post Comments