Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતનાં ૧૮૧ ધારાસભ્યોએ મતદાન કર્યું

-પ્રથમ બે કલાકમાં જ મોટાભાગનું મતદાન થઈ ગયું

-અમિત શાહે દિલ્હીમાં, બાકીના તમામે ગાંધીનગરમાં મતદાન કર્યું: JDUના છોટુ વસાવાએ બહિષ્કાર કર્યો

અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર

દેશના ૧૪માં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીનું મતદાન સોમવારે યોજાયું હતું. ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરાના ધારાસભ્ય અમિત શાહે નવી દિલ્હીમાંથી મતદાન કર્યું હતું. એ સિવાયનાં ૧૮૧ પૈકીમાંથી ૧૮૦ ઉમેદવારોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૨ના સાપુતારા સમિતિ ખંડમાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું. JDUનાં એકમાત્ર ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને મત આપવા આપ્યા જ નહોતા.

ભાજપ-NDAના ઉમેદવાર રામનાથ કોવિંદની સામે કોંગ્રેસે પણ દલિત નેતા અને લોકસભાના માજી સ્પીકર મીરાકુમારને મેદાનમાં ઉતારતાં ચૂંટણી રસપ્રદ બની હતી. બન્ને નેતાઓ દેશભરમાં ફર્યા હતા. આમ છતાં પ્રથમથી જ રામનાથજીની જીત માટેનું પલડુ ભારે દેખાતું હતું.

સોમવારે સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરવાનું હતું. પરંતુ મોટાભાગના સભ્યો પ્રથમ બે કલાકમાં જ મતદાન કરવા આવી ગયા હતા. ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતી અમૃતીયાએ સૌથી પ્રથમ મતદાન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં મોટાભાગના મંત્રીઓએ પણ સવારે ૧૧ વાગ્યા સુધીમાં પોતાનો મત આપી દીધો હતો. મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સૌપ્રથમ વખત જ મતદાન કર્યું છે.

ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનનાં ધારાસભ્ય અશોક ગેહલોતે અગાઉથી મંજૂરી લઈને ગાંધીનગરમાં હાજર રહી મતદાન કર્યું હતું. આ જ રીતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ સહિતનાં કોંગ્રેસનાં તમામ ૫૭ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાંથી કેટલાકે ક્રોસ વોટીંગ કર્યાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગરમાં આ અંગેની ચર્ચા પણ ચાલી હતી.

બે મંત્રીઓ બીમાર હોવા છતાં વ્હીલચેરમાં મતદાન કરવા આવ્યા

ભાજપ સરકારનાં બે મંત્રીઓ બીમાર હોવાં છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી લાંબા સમયથી નાદુરસ્ત છે. સચિવાલય કે વિધાનસભામાં પણ આવતા નથી. પરંતુ આજે તેઓ ખાસ આવ્યા હતા. આ જ રીતે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી ઈશ્વર પટેલને હૃદયની બીમારી હોવાથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના પર બાયપાસ કરવાની છે. આમ છતાં હોસ્પિટલમાંથી થોડો સમય માટે તેઓ ગાંધીનગર આવી મતદાન કરીને પાછા હોસ્પિટલમાં જતા રહ્યા હતા.

વિધાનસભામાં કાયમ ગેરહાજર રહેતા વસાવાએ નવુ બ્હાનું કાઢ્યું

દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા છોટુ વસાવા ક્યારેય ગાંધીનગરમાં કે વિધાનસભામાં હાજર હોતા નથી. બજેટ સત્રમાં પણ કોઈએ તેમને જોયા નથી. સૂત્રો જણાવે છે કે છેલ્લા પાંચ-દસ વર્ષમાં ભાગ્યે જ કોઈક વખત તેઓ વિધાનસભામાં હાજર રહ્યા હશે. રાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરતા તેઓએ ટીવી ચેનલો સમક્ષ એવું બ્હાનું કાઢ્યું હતું કે ભાજપ-કોંગ્રેસમાંથી કોઈ પણ આદિવાસી સમાજ માટે કામ કરતો નથી માટે મેં ચૂંટણીમાં મતદાન નથી કર્યું. વાસ્તવિકતા એ છે કે ગૃહની અંદર પ્રજાના પ્રશ્નોને વાચા અપાતી હોય છે. આમ છતાં છોટુ વસાવા વિધાનસભામાં હાજર રહી આદિવાસીઓના પ્રશ્નોને ઉજાગર કરતા નથી.

EVMથી નહી પણ ગુલાબી મતપત્રકથી મતદાન થયું...

રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીનું મતદાન EVMથી નહી પણ દેશી પધ્ધતિથી, એટલે કે ગુલાબી રંગના મતપત્રકથી થયું હતું. મતદારોને આવી કાપલી અપાઈ હતી જેની અંદર મીરાકુમાર અને રામનાથ કોવિંદના નામ લખેલા હતા. મતદારોએ જે ઉમેદવારને મત આપવાનો હતો તેની સામે ગુજરાતીમાં '૧' લખવાનો હતો. બન્ને નામની સામે ચોકઠામાં કોઈ એક ચોકઠાની અંદર માત્ર '૧' લખવાનું હતું. મતદારોને પેન કે મોબાઈલ ફોન અંદર લઈ જવા દેવાયા નહોતા. ચૂંટણી અધિકારીએ આપેલી ખાસ પેનથી જ બધાએ '૧' લખ્યો હતો.

ભાજપના નલીન કોટડિયાએ ક્રોસ વોટીંગ કર્યાનું કબલ્યુ

ભાજપના જ ધારીના ધારાસભ્ય નલીન કોટડિયાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. એટલે કે તેમણે ભાજપ-NDAના ઉમેદવાર રામનાથ કોવિંદને નહી પરંતુ કોંગ્રેસ-UPAના ઉમેદવાર મીરાકુમારને મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોટડિયાએ જ કબુલ્યું હતું કે હા મેં મીરાકુમારને મત આપ્યો છે. બીજી બાજુ ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓ એવો બચાવ કરી રહ્યા છે કે નલીન કોટડીયા ભાજપમાં નથી. તેઓ ભૂતકાળમાં કેશુભાઈ પટેલની પાર્ટી GPPમાંથી ચૂંટાયા હતા. અમારે કોટડીયા સાથે કોઈ લેવાદેવા નથી...!! નોંધનીય છે કે પાટીદાર આંદોલનમાં પાટીદારોને ખુલ્લો ટેકો આપનારા કોટડીયાને ભાજપે પોતાનાથી દૂર કરી દીધા છે.

Post Comments