Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

સિંહ પાસેથી પ્રેરણા મેળવીને સંસદસભ્ય ગેંડાભાઈ ગુમાનીએ પળોજણોની ઉજવણી આદરી!

ગેંડાભાઈ ગુમાની સંસદસભ્ય તરીકે ચૂંટાયા તે પછી મત વિસ્તારમાં તો બહુ દેખાતા નહીં. કોઈ કોઈ વારે તેમના કંઈક સમાચારો જંગલની ટીવી ચેનલમાં કે અખબારમાં આવી જતા ત્યારે મતદારોને પોતાના લોકલાડિલા નેતા વિશે જાણ થતી. કોઈ વખતે વળી જંગલમાં મોટો સરકારી ઉત્સવ હોય અને ન છૂટકે હાજર રહેવું પડે એમ હોય ત્યારે સંસદસભ્ય ગેંડાભાઈના દર્શન થતા. એમ તો ઉદ્ધાટનોના કાર્યક્રમોમાં ય ક્યારેક ક્યારેક જોવા મળી જતા. તે સિવાય ગેંડાભાઈ ગુમાની ગુમ રહેતા.

ગેંડાભાઈએ મત વિસ્તારમાં ઓફિસ શરૃ કરી હતી, પરંતુ એમાં તો ગેંડાભાઈના ખાસ કાર્યકરો સિવાય કોઈ મળતું નહીં. ઘણાં મતદારો કંઈક કામથી તેમની પાસે જતા ત્યારે એક જ જવાબ મળતો કે ગેંડાભાઈ ગુમાની 'કામથી બહાર ગયા' છે. જંગલવાસીઓને એમ કે આપણાં વિસ્તારના વિકાસના કામો માટે ગેંડાભાઈ બહાર રહેતા હશે, પણ એવા કોઈ કામ ખાસ થતા નહીં તો ય ધીરજથી મતદારો ગેંડાભાઈ ગુમાની મત વિસ્તારમાં હાજર થાય એની રાહ જોતા હતા.

ઘણા વિરોધીઓ ગેંડાભાઈની રજૂઆતો કરતા, પરંતુ ગેંડાભાઈ એમ કંઈ કોઈને ગાંઠે એવા નહોતા. જાડી ચામડી તો એને વારસામાં મળી હતી અને રાજકારણમાં આવ્યા પછી એ ચામડી ઉપર વધુ એક જાડું પડ ચડી ગયું હતું. એમાંય વળી તેના નામમાં 'ગુમાની'ના ગુણ હતા. બધું મળીને ગેંડાભાઈ ગુમાનીમાં એક ઉમદા-આળસુ સંસદસભ્યને છાજે એવા તમામ ગુણો હતા.

એવા આ સંસદસભ્ય ગેંડાભાઈ ગુમાનીએ ટીવી ઉપર મહારાજા સિંહનું ભાષણ સાંભળ્યું પછી તેના દિમાગમાં ચમકારો થયો હતો. વારંવાર પળોજણોની ઉજવણી કરતા મહારાજા સિંહ પાસેથી પ્રેરણા લઈને પોતાના મત વિસ્તારમાં ય એવા કાર્યક્રમો કરવાનો વિચાર તેમને આવ્યો. આ વિચારને અમલમાં મૂકવા ગેંડાભાઈ ગુમાની પહેલી વખત સંસદસભ્ય બન્યા પછી સક્રિય થયા...

*
'આવ આવ મંકી મંદમતિ!' ગેંડાભાઈ ગુમાનીએ પોતાના રાજકીય સલાહકાર મંકી મંદમતિને આવકાર આપીને ઉમેર્યું ઃ 'તું પણ આજકાલ મારી જેમ નિષ્ક્રિય થઈ ગયો છે કે શું?'
'અરે હોતું હશે ગેંડાભાઈ? તમે કેટલા વ્યસ્ત રહો છો એ સમજાવવામાં જ હું પણ વ્યસ્ત રહું છું' મંકી મંદમતિએ અદબ જાળવીને ગેંડાભાઈ ગુમાનીના પગ પાસે જગ્યા લીધી.

'તારે એવું કેમ સમજાવવું પડે છે કે હું વ્યસ્ત છું?' ગેંડાભાઈને પૂછવા ખાતર પૂછ્યું. 'મતદારો વારંવાર પૂછતા ફરે છે કે ગેંડાભાઈ ગુમાની આજકાલ દેખાતા કેમ નથી? જવાબમાં હું એવું કહું છું કે તમે આપણા મત વિસ્તારનો વિકાસ કરવા માટે બહુ બિઝી રહો છો અને સતત પરિશ્રમ કરીને પરસેવો પાડો છો' મંકીના નામમાં ભલે 'મંદમતિ' હતું, પરંતુ આમ એ થોડોક બુદ્ધિશાળી હતો. નેતાઓના રાજકીય સલાહકારમાં ખુશામતના જે ગુણો હોવા જોઈએ એ બધા જ મંકી મંદમતિએ આત્મસાત કર્યા હતા. એ કળાનો ઉપયોગ કરીને મંકીએ ગેંડાભાઈની ખુશામત કરી.

'તને રાજકીય સલાહકાર બનાવીને મેં કોઈ જ ભૂલ નથી કરી. આખા મત વિસ્તારમાં તું એક જ એવો છે, જે મને બરાબર સમજે છે' ખુશ થયેલા ગેંડાભાઈ ગુમાની થોડીવાર મનોમન હરખાયા. થોડીવાર પછી મૂળ મુદ્દા ઉપર આવીને ઉમેર્યું ઃ 'હું વિચારું છું કે આપણે ય મહારાજા સિંહની જેમ ઉજવણીઓ શરૃ કરીએ. હવે ચૂંટણીઓ નજીક આવશે એમ મતદારોના દિમાગનો કબજો લેવો પડશે!'

'ઉજવણી તો કેવી રીતે થશે?' મંકી મંદમતિએ મુંઝવણ વ્યક્ત કરીને ખૂબ જ નરમ અવાજમાં ઉમેર્યું ઃ 'માફ કરશો ગેંડાભાઈ! પણ આપણે એવું કશું કામ જ કર્યું નથી કે ઉજવણી કરી શકીએ'. ગેંડાભાઈને ખોટું ન લાગે એટલે મંકીએ જાણી જોઈને 'આપણે' શબ્દ ઉપર ભાર મૂક્યો.

'હાહાહાહા....' ભાગ્યે જ હસતા ગંભીર રાજકારણી ગેંડાભાઈ ગુમાની ખડખડાટ હસી પડયાં. કેટલીય વાર સુધી હસતા રહ્યા પછી જાણે રાજકીય સલાહકાર મંકી મંદમતિની અક્કલ ઉપર તરસ ખાતા હોય એવા અંદાજમાં ઉમેર્યું: 'મંદમતિ! કામ નથી કર્યું એટલે જ સ્તો મહારાજા સિંહની જેમ ઉજવણી કરવાની છે!' અને પછી ગેંડાભાઈ ગુમાનીએ મહારાજા સિંહની જેમ મુશ્કેલીઓની ઉજવણી કરવાનો આઈડિયા સલાહકાર મંકી મંદમતિને કહી સંભળાવ્યો.

સંસદસભ્ય તરીકેના કાર્યકાળમાં કેવી કેવી મુશ્કેલીઓ પોતાના મત વિસ્તારમાં આવી એ વિશે ગેંડાભાઈને બહુ જાણ ન હતી એટલે મંકી મંદમતિએ થોડી કલાકોની મહેનત પછી યાદી બનાવી આપી. બંનેએ મળીને એ જ દિવસે મત વિસ્તારમાં મુશ્કેલીઓની યાદી બનાવી લીધી. મતદારોના કમનસીબે એ યાદી મુશ્કેલીઓ ઓછી કરવા માટે નહોતી, પણ ઉજવણી કરવા માટેની હતી. બંનેએ મળીને ઉજવણીની રૃપરેખાને અંજામ આપી દીધો.
*
'આપણાં મત વિસ્તારમાં ભયાનક પૂર આવ્યું એને એક વર્ષ થયું. હું જાણું છું કે આ એક વર્ષમાં તમને બધાને ઘણી મુશ્કેલી પડી, પરંતુ એ મુશ્કેલીઓ લાંબાંગાળે ફાયદો કરાવશે'. રૃપરેખા પ્રમાણે મત વિસ્તારમાં પૂર ત્રાટક્યું તેને એક વર્ષ થયું હતું. પૂર પ્રકોપની એક વર્ષની ઉજવણીમાં ગેંડાભાઈ ગુમાની ભાષણ આપી રહ્યા હતા. તેનું ભાષણ આગળ ચાલ્યું ઃ 'પૂરના કારણે તમને ચારા-પાણીનું નુકસાન થયું અને એ નુકસાન ભરપાઈ કરવા તમે બધા મતદારો વધુ પરિશ્રમી બન્યા છો. આ પૂરમાંથી આપણે બધા ઉગરી ગયા એ જ મોટી વાત છે અને એટલે જ આપણે તેની ભવ્ય ઉજવણી શરૃ કરી છે'.

ઘણાં મતદારોને સમજાયું નહીં કે પૂર ત્રાટકે એની તે વળી ઉજવણી કઈ રીતે હોઈ શકે? પરંતુ એવા મતદારોની સંખ્યા બહુ ઓછી હતી. જે મતદારો ગેંડાભાઈ ગુમાનીના સમર્થકો હતા તેમને માટે તો ગેંડાભાઈની ઉજવણીની જાહેરાત જ બહુ હતી. એ સિવાયના કોઈ કારણોની એ મતદારોને જરૃર નહોતી.

આ ઉજવણી સફળ થઈ પછી તો ગેંડાભાઈ ગુમાનીએ આ જ તર્જ ઉપર એક પછી એક મુશ્કેલીઓની ઉજવણીની હારમાળા સર્જી દીધી. ગેંડાભાઈ ગુમાની અને તેના રાજકીય સલાહકાર મંકી મંદમતિએ નક્કી કર્યા પ્રમાણે જંગલમાં નોંધપાત્ર ઉજવણીઓ થવા લાગી. મત વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો તેના બે વર્ષ થયા હતા. એની ઉજવણી થઈ. એમાં ય લગભગ આવું જ ભાષણ આપીને ગેંડાભાઈએ વાહવાહી લૂંટી. 'રોગચાળામાં બચી ગયા એ જ મોટી વાત છે' એવું કહીને ગેંડાભાઈ ગુમાનીએ મતદારોને ઉજવણી માટેનું મજબૂત કારણ આપ્યું.

ગેંડાભાઈ ગુમાની જે વર્ષે સંસદસભ્ય બન્યા હતા એ જ વર્ષે મત વિસ્તારમાં દુકાળ પડયો હતો. એ દુકાળના કંઈક પાંચેક વર્ષ થવાના હતા એની ય ધામધૂમથી ઉજવણી થઈ. દરેક મુશ્કેલીમાંથી ઉભરી જવા બદલ ગેંડાભાઈ ગુમાની મતદારોની ભારોભાર પ્રશંસા કરતા હતા. એ પ્રશંસા સાંભળીને મતદારોની છાતી ગજગજ ફૂલતી હતી. આવડો મોટો નેતા તેમને 'પરિશ્રમી', 'ખુમારીથી છલોછલ', 'બાહોશ', 'હોશિયાર' કહીને પ્રશંસા કરતો હતો એ વાત મતદારોને ય ગમતી હતી.

એમ ને એમ ગેંડાભાઈ ગુમાનીએ પોતાના મત વિસ્તારમાં પાણીની અછતથી લઈને ઘાસચારાની અછત સુધીની તમામ પ્રકારની સમસ્યાઓની ઉજવણી કરી નાખી. આ ઉજવણીથી ગેંડાભાઈ આખા ય મત વિસ્તારમાં છવાઈ ગયા. સંસદસભ્ય બન્યા તેના આટલા સમયગાળામાં જે કામ નહોતું થયું તે ગેંડાભાઈએ થોડા મહિનાઓમાં જ કરી નાખ્યું. આટલા પરિશ્રમ અને ભાષણો પછી ગેંડાભાઈને લગભગ એવી ધરપત બંધાઈ ગઈ હતી કે આગામી ચૂંટણીમાં આ ઉજવણીના જોરે જ તેમને જીત મળી જશે.

'જંગલની રાજનીતિમાં મહારાજા સિંહ એ રીતે ય ભવિષ્યમાં યાદ રહેશે કે તેમણે મુશ્કેલીઓની જ ઉજવણી કરીને મત મેળવતા શીખવ્યું. 'સમસ્યાઓ ઉભી કરો, તેની ઉજવણી કરો અને મત મેળવો' વાહ મહારાજા સિંહ વાહ! શું તમારી યોજના છે.. શું તમારી રાજનીતિ છે...' એમ બબડતા બબડતા ગેંડાભાઈ ગુમાનીએ મનોમન મહારાજા સિંહની નવી રાજનીતિની પ્રશંસા કરી અને પછી આ નવા પ્રકારની રાજનીતિ અંગે ચર્ચા કરવા મંકી મંદમતિને ય મળવા બોલાવ્યો...

જંગલમાં નવો કરવેરો લાગુ થયો તેની એક વર્ષની ઉજવણી ચાલી રહી હતી. મહારાજા સિંહનું ટીવી ઉપર લાઈવ ભાષણ આવી રહ્યું હતું:'મારા પ્રિય જંગલવાસીઓ! મેં નાણામંત્રી ચિત્તાભાઈ સાથે મળીને જંગલમાં તદ્ન નવા પ્રકારનો કરવેરો લાગુ કર્યો તેનું આજે એક વર્ષ થયું છે. હું જાણું છું, એક વર્ષમાં તમને બધાને બહુ મુશ્કેલી પડી છે, પરંતુ એ મુશ્કેલી લાંબાંગાળાના ફાયદા માટે છે. અત્યારે તમે મુશ્કેલી સહન કરી લો. એક દિવસ હું તમામ જંગલવાસીઓને ચોક્કસ સુવિધા આપીશ. તમે કરવેરો ભરવામાં પાછી પાની ન કરતા. હું જંગલના તમામ વિરોધીઓને વીણી વીણીને ખતમ કરવામાં કોઈ કસર નહીં છોડું!'

મહારાજા સિંહનું લાઈવ ભાષણ સાંભળીને સંસદસભ્ય ગેંડાભાઈ ગુમાનીના દિમાગમાં ચમકાર થયો. મહારાજા સિંહ જે રીતે મુશ્કેલીઓની ઉજવણી કરીને જંગલવાસીઓને ખુશ કરી દે છે, એ જ રીતે પોતાના વિસ્તારમાં ઉજવણીઓની હારમાળા સર્જીને મતદારોને ખુશ કરવાનું સંસદસભ્ય ગેંડાભાઈ ગુમાનીએ નક્કી કર્યું.

Keywords Aapna,to,adhar,vanka,5,july,2018,

Post Comments