Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

ગુલામદાસ ગધેડાની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ની ગ્રાહકો માટે 'કેશબેક' ઓફર

ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડના ફેસબુક પેજ ઉપર પોસ્ટ અપડેટ થઈ : 'અમે અમારા ગ્રાહકો માટે વિશેષ ઓફર શરૃ કરી છે. અમારે ત્યાંથી ખરીદી કરનારને આકર્ષક કેશબેક આપવામાં આવશે. સામાનની ફેરબદલી કરવી હોય તો એમાં પણ ડિસ્કાઉન્ટ અપાશે. અમારી કંપનીની તમામ ચીજવસ્તુ અને સર્વિસ ઉપર આકર્ષક ઓફરનો લાભ લેવા આજે જ મુલાકાત લો - 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' વતી આપનો વિશ્વાસુ ગુલામદાસ ગધેડો'.

'સાંભળ્યું?', 'ગુલામદાસ ગધેડાની કંપનીએ ગ્રાહકો માટે આકર્ષક ઓફરની જાહેરાત કરી!', 'હું તો આજે જ મુલાકાત લઈશ', 'મારે ય ટાઈમ કાઢીને જવું તો પડશે', 'તો એમ કરો, સાંજે આપણે સાથે જઈશું...' ગુલામદાસ ગધેડાની ફેસબુક પોસ્ટ વાંચીને જંગલવાસીઓ વચ્ચે આવી વાતચીત થવા લાગી હતી. 'ઓફર' શબ્દથી જંગલવાસીઓના આખા 'ખરીદતંત્ર'માં નવો ઉત્સાહ આવ્યો હતો. જંગલવાસીઓની બેઠકમાં ય આ મુદ્દો ચર્ચાયો.

'મને તો આ ગુલામદાસ ગધેડા ઉપર સહેજ બી ભરોસો નથી હોં' મંગળા માછલીએ ફેસબુક પોસ્ટ વાંચી સંભળાવ્યા પછી તરત અભિપ્રાય આપ્યો.

'ગુલામદાસ તો ગ્રાહકોને છેતરવામાં માહેર છે. યાદ છેને ગ્રાહક સુરક્ષા દિવસે શું થયું'તું?' જ્ઞાાની ગાયબેને મંગળા માછલીની વાતમાં સૂર પુરાવ્યો

'યાદ છે. બરાબર યાદ છે... ગુલામદાસે પહેલાં એવી જાહેરાત કરી હતી કે ગ્રાહક સુરક્ષાના સેમિનારમાં ગ્રાહકો માટે ભોજનની વ્યવસ્થા રાખી છે અને પછી પેલા પકોડાવાળા પપ્પુ પોપટ સાથે મળીને જંગલવાસીઓને એવી રીતે છેતર્યા હતા કે નાસ્તાનો બધો ખર્ચ આપણાં બધાના બેંક અકાઉન્ટમાંથી વસૂલ્યો હતો'. બકુલાબેન બકરીએ રોષ સાથે ઉમેર્યું : 'અમે તો ગ્રાહક સુરક્ષા દિવસે ગુલામદાસ ગધેડાની કંપનીનું આખા વર્ષનું મેમ્બરશિપ ફોર્મ પણ ભર્યુ હતું'.

'આ પણ છેતરવાનો જ ધંધો હશે. ધ્યાન રાખજો' વડીલ હોવાના નાતે વયોવૃદ્ધ હીરજી હંસે સલાહ આપી.
'ગુલામદાસ ગધેડાએ ધ ડોન્કી ધસરડા પ્રાઈવેટ લિમિટેડ માટે બેંક લોન લીધી પછી તેનો ધંધો વધ્યો છે. લાગે છે કે હવે એ થોડો સુધર્યો છે' ચક્રધર ચકલાએ ગુલામદાસની તરફેણમાં મત આપ્યો તેને સમર્થન આપતા બકુલેશકુમાર બળદ બોલ્યો : 'ગુલામદાસ એમ કંઈ સાવ નાખી દીધા જેવો ગધેડો નથી હોં. આમ તો હોશિયાર વેપારી છે'

'હોશિયાર એટલે વાત જવા દો એટલો હોશિયાર! બેંકના પૈસે ધંધો કરે છે અને આપણા નેતા વાંદરાભાઈ વટપાડુને સાચવે છે એટલે બધાય સેટિંગ થઈ જાય છે!' મંગળા માછલીએ એક જ વાક્યમાંગુલામદાસની કૂંડળી કહી.

'ગ્રાહકની ઈચ્છા વિરૃદ્ધ કોઈ વેપારી છેતરી ન શકે. ગુલામદાસ ગધેડાની નવી સ્કીમમાં ગરબડ જણાય તો ખરીદી ન કરતા. એ કંઈ તમારા ખિસ્સામાંથી પરાણે થોડો પૈસા લઈ જશે?' હીરજી હંસે વાત પૂરી કરવાના ઈરાદે કહ્યું.

'દાદાની એ વાત સાચી છે. હું તો નથી જવાની. તમારે જેને જવું હોય એ જઈ શકો છો' મંગળા માછલીએ પણ ગુલામદાસનો ટોપિક પૂરો કર્યો.

ત્યાં જ કબૂતર કાનાફૂસિયો કંઈક નવી માહિતી લઈને આવી પહોંચ્યો : 'ગુલામદાસની આ વખતની ઓફરમાં કંઈક દમ લાગે છે હોં. તેને ત્યાં ભારે ભીડ હતી. બળદ-પાડા-ઘેટા-ઘોડા-હાથી-મોર-ચકલા-માછલી જેવા સમાજના જંગલવાસીઓ ઓફરનો લાભ લેવા ઉમટી પડયા છે. ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડની દરેક ચીજ-વસ્તુ ઉપર મોટા અક્ષરે 'આકર્ષક કેશબેક'ના સ્ટીકર્સ ચોંટાડવામાં આવ્યા છે'.
'એમ? તો તો ઓફરમાં કંઈ દમ હશે હોં' બકુલેશકુમાર બળદ ધીમે અવાજે બબડયો.

'ઓફરમાં શું છે એ ન જાણ્યું?' જ્ઞાાની ગાયબેને કબૂતર કાનાફૂસિયાને પૂછ્યું.

'ફેસબુક પોસ્ટ વાંચીને જંગલવાસીઓ આવી પહોંચ્યા હતા, પરંતુ હજુ ગુલામદાસ ગધેડાએ વેંચાણ શરૃ કર્યું ન હતું એટલે ઓફરમાં શું છે એ કોઈને ખબર નથી' કબૂતર કાનાફૂસિયાએ થોડીવાર શાંત રહ્યા પછી ઉમેર્યું : 'પણ લાગે છે ધમાકેદાર'.

'તો તો જવું પડશે', 'હા હા જવું તો પડશે હોં ભઈ', 'સારી સ્કીમ જતી રહે એ પહેલાં જ આંટો મારવો પડશે'... જંગલવાસીઓ અંદરો અંદર ગુલામદાસ ગધેડાની ગ્રાહકો માટેની વિશેષ ઓફરની વાતો કરતા કરતા છૂટા પડયાં.

*

આખો દિવસ ગુલામદાસ ગધેડાની વિશેષ ઓફરનો બરાબર પ્રચાર થયો. સાંજ સુધીમાં તો ખરીદીપ્રેમી જંગલવાસીઓ ઉમટી પડયા. ગુલામદાસે છેક સાંજે ગ્રાહકોને રાહ જોવડાવ્યા પછી વેંચાણ શરૃ કર્યું. ગ્રાહકો પોતાને જોઈતી ચીજવસ્તુઓ ખરીદીને કાઉન્ટર સુધી પહોંચે પછી તેમને ઓફરનો લાભ અપાશે એવી જાહેરાત થઈ. જંગલવાસીઓ જરૃરી-બિનજરૃરી ચીજવસ્તુઓ ખરીદીને ઓફરની આશાએ કાઉન્ટરની લાંબી લાઈનમાં ઉભા રહી ગયા હતા. એમાં સૌથી આગળ હતા વરૃભાઈ વાંકાં.

'સર તમારું બિલ રૃ. ૧૨૨૭ થયું છે' કાઉન્ટર ઉપર ગુલામદાસે બેસાડેલી ગધેડીએ વરુભાઈ વાંકાં સામે સ્મિત વેરીને કહ્યું.

'એમાંથી કેટલું ડિસ્કાઉન્ટ બાદ થશે?' વરુભાઈએ પણ સામું સ્મિત વેરીને શક્ય એટલા નમ્ર અવાજે પૂછ્યું.
'સર અત્યારે તો તમારે બધી રકમ આપવી પડશે. બિલ બન્યા પછી ગુલામદાસ ગધેડાજી તમને ઓફરનો લાભ આપશે' કાઉન્ટર ઉપર બેસેલી ગધેડીએ અદ્લ મેનેજમેન્ટે પઢાવેલો પાઠ બોલી સંભળાવ્યો.
'પહેલાં ડિસ્કાઉન્ટ બાદ કરો પછી બિલ ભરીશ' વરુભાઈ નામ પ્રમાણે ગુણ બતાવીને વાંકાં ચાલ્યાં. વરુભાઈને ડિસ્કાઉન્ટ બાબતે કંઈક ગરબડ થઈ તે સાંભળીને લાઈનમાં ઉભેલા ગ્રાહકોમાં ય ગણગણાટ શરૃ થયો.

'સર પહેલાં...' મોઢા ઉપર બનાવટી સ્માઈલ બતાવીને ગધેડી હજુ કંઈક બોલવા જતી હતી ત્યાં વરુભાઈએ ત્રાડ નાખી : 'બોલાવ ગુલામદાસને! એક તો ક્યાંય લખ્યું નથી કે કેટલું કેશબેક છે અને ઉપરથી આખું બિલ ઉઘરાવો છો? શરમ નથી આવતી?'

'સોરી સર હું આમાં કંઈ જ કરી શકીશ નહીં. બે મિનિટ રાહ જુઓ, હું ગુલામદાસ ગધેડાજી સાથે વાત કરીને આપને જણાવું છું' વરુભાઈ વાંકાની ત્રાડથી ગભરાઈ ગયેલી ગધેડીએ તુરંત ગુલામદાસને ફોન જોડયો અને ગ્રાહક સાથે થયેલી માથાકૂટ વિશે જણાવ્યું. ગુલામદાસે ફોનમાં ગ્રાહકનું નામ પૂછ્યું એટલે ફોન ચાલુ રાખીને ગધેડીએ વરુભાઈને પૂછ્યું : 'સર આપનું નામ શું છે?'.

'વરુ વાંકાં' વરુભાઈએ જરા અભિમાનથી ઊંચા અવાજે નામ જણાવ્યું. નામ સાંભળતાની સાથે જ ગુલામદાસ ગધેડાને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. માથાભારે વરુભાઈ વાંકાં સામે ઝઘડો કરવાનું ગુલામદાસને યોગ્ય ન લાગ્યું. 'બે મિનિટમાં આવું છું' એમ કહીને ગુલામદાસે ફોન મૂક્યો.

તરત જ ગુલામદાસ કાઉન્ટર પાસે હાજર થયો. વરુભાઈ વાંકાંને સમજાવવાના ઈરાદે કહ્યું : 'વરુભાઈ આવોને આપણે કેબિનમાં બેસીએ'.

પણ વરુભાઈને આ ઓફરમાં કંઈક ગરબડ હોવાની ગંધ આવી ગઈ. તેણે ગુલામદાસને ઊંચા અવાજે કહ્યું : 'કેબિનમાં પછી બેસીએ, પહેલાં આ ખરીદી ઉપર શું ડિસ્કાઉન્ટ છે એ બોલ'

'વરુભાઈ તમે તો મારા જૂના ગ્રાહક છો. તમને હું સારું ડિસ્કાઉન્ટ કરી આપીશ'. ગ્રાહકોની લાંબી લાઈન સામે નજર નાખીને ગુલામદાસે ફરી વખત વરુભાઈને બનાવટી વિનમ્રતા બતાવી.

પરંતુ વરુભાઈ વાંકાં ગુલામદાસની એકેય વાતમાં ન આવ્યા. ડિસ્કાઉન્ટ વિશે ફોડ પાડવાની વરુભાઈની વાતમાં બીજા બધા ગ્રાહકોએ ય સૂર પૂરાવ્યો. અંતે ગુલામદાસ ગધેડાએ આકર્ષક કેશબેક અંગે ફોડ પાડયો :

'જૂના ગ્રાહકોને ૧૦૦ રૃપિયાની ખરીદી ઉપર ૨ પૈસા અને નવા ગ્રાહકોને ૧ પૈસાનું આકર્ષક કેશબેક અપાશે!'

'હેં?' કેશબેકની રકમ સાંભળીને હોંશેહોંશે ખરીદી કરવા આવેલા જંગલવાસીઓના મગજ બહેર મારી ગયા.

'ગધેડા! તેં ગ્રાહકોની મશ્કરી શરૃ કરી છે?' વરુભાઈ વાંકાંનો ગુસ્સો ફાટફાટ થતો હતો. ગુલામદાસને ધોઈ નાખવા વરુભાઈ દોડયા. બીજા પ્રાણી-પંખીઓએ વરુભાઈને પકડી રાખ્યા.

બહુ હોબાળો થયો પછી ગુલામદાસે પોતાના બચાવમાં કહ્યું : 'હું ડિસ્કાઉન્ટ નહોતો આપતો તોય મારો ધંધો ચાલતો જ હતો. મેં તો જંગલવાસીઓનું ભલુ વિચારીને આકર્ષક ડિસ્કાઉન્ટ આપ્યું એમાં મારો શું વાંક?'

'આ આકર્ષક ડિસ્કાઉન્ટ છે? આમાં ગ્રાહકોનું શું ભલુ છે? એક પૈસો અને બે પૈસો એ કંઈ કેશબેકની રકમ છે?' જંગલવાસીઓએ ઊંચા અવાજમાં કહ્યું.

'સાંભળો મારા વહાલા ગ્રાહકો. મેં આપણાં મહારાજા સિંહ પાસેથી પ્રેરણા લીધી છે. તમે બધો દોષ મને ન આપો!' ગુલામદાસે બચાવ કર્યો.

'મહારાજ સિંહને બદનામ કરવાનું બંધ કર. નહીંતર પાણી વગરનો ધોઈ નાખીશું' મહારાજા સિંહના સમર્થકો - ઘેટા, બળદો, પાડાના ટોળાએ ખુલ્લી ધમકી આપી.

'પહેલાં મારી વાત તો સાંભળો' ગુલામદાસે હાથ જોડીને આગળ ચલાવ્યું : 'હમણા આપણા મહારાજાએ પેટ્રોલ-ડિઝલમાં ૧ પૈસાથી લઈને ૬ પૈસા જેવો નોંધપાત્ર ઘટાડો કર્યો હતો ત્યારે તમે કોઈએ એનો વિરોધ કર્યો હતો?' મહારાજા સિંહના સમર્થકોના મોઢા ઉપર આવેલા ફેરફાર નોંધ્યા પછી ગુલામદાસ ગધેડાએ આત્મવિશ્વાસથી ઉમેર્યું : 'તમે મહારાજ સિંહના એ ઘટાડાને હોંશથી વધાવી લીધો હતો કે નહીં? એના પરથી પ્રેરણા લઈને મને ય થયું કે જંગલવાસીઓ માટે ૧ પૈસાથી લઈને ૧૦ પૈસાનું ડિસ્કાઉન્ટ નોંધપાત્ર ગણાય છે. એટલે તો મેં આ સ્કીમ શરૃ કરી'

'એ તો ભઈ તું વેપારી છો. તને પોસાય એટલું ડિસ્કાઉન્ટ તું આપ અને ગ્રાહકોને પોસાય એટલું ગ્રાહકો ખરીદે. બીજું શું!' બળદો-ઘેટા-પાડાઓના ટોળાનો સૂર થોડો બદલાયો. એમાં પછી તો બીજા ય જંગલવાસીઓ જોડાયા. ધીમે ધીમે ઝઘડો શાંત પડવા માંડયો. ગ્રાહકો પોતાને જરૃરી ચીજ-વસ્તુઓ ખરીદીને જવા લાગ્યા હતા.

'જંગલના મહારાજા સિંહ ખુદ એક પૈસા, બે પૈસાને જંગલવાસીઓ માટે મોટી રાહત ગણતા હોય ત્યારે ગુલામદાસ ગધેડો ય એક-બે પૈસાને આકર્ષક ઓફર ગણાવે એમાં એનો શું વાંક? રાજા જંગલવાસીઓનું ન વિચારે ત્યારે એક વેપારી પાસેથી કેટલી અપક્ષા રાખી શકાય' એવું બબડતા બબડતા સમજદાર પ્રાણી-પંખીઓ પણ ગુલામદાસ ગધેડા સાથે ઝઘડો કરવાને બદલે પોતાના રસ્તે પડયા...

 

Keywords AAPNA,TO,ADHAR,VANKA,14,JUNE,2018,

Post Comments