Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

બળદો-પાડાઓ-ઘેટાઓ બંધનું એલાન ન કરે તો પણ જંગલ આમેય બંધ જ રહે છે!

બળદસમાજના પ્રમુખ બળુકેશ બળદે ટ્વીટ કર્યું : 'ઘેટાઓએ જંગલબંધનું એલાન આપ્યું હતું, તેના વિરોધમાં બળદસમાજ પણ જંગલબંધનું એલાન કરે છે. બળદસમાજ જંગલમાં હયાત હોય અને ઘેટાઓ હિંસા કરીને જંગલબંધને સફળ બનાવી જાય તે કેમ ચાલે? તેથી જંગલબંધના એલાનમાં જોડાઈને હિંસા કરવાનું સમાજપ્રેમી બળદિયાઓને હું પ્રેમભર્યું આમંત્રણ પાઠવું છું'.

થોડીવાર પછી પાડાસમાજના પ્રમુખ પ્યાસાજી પાડાએ પણ બળુકેશ બળદને સમર્થન કરતી ટ્વીટમાં લખ્યું : 'ઘેટાઓના ટોળાએ હાહાકાર મચાવ્યો હતો તેના વિરોધમાં હું ય પાડાસમાજ વતી જંગલબંધનું એલાન કરું છું. બળદસમાજની સાથે રહીને આખોય પાડાસમાજ પણ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરશે'

બીજી એક ટ્વીટમાં પ્યાસાજી પાડાએ જંગલબંધના સંદર્ભમાં વિશેષ નોંધ લખી : 'હિંસાથી કે જંગલની પોલીસના લાઠીચાર્જથી ડરનારા ડરપોક પાડાઓએ પ્રદર્શનમાં આવવાને બદલે પાડીઓ સાથે ઘરમાં બેસીને ટીવીમાં સમાચારો જોઈ લેવા. મોટાં શિંગડાંવાળા માથાભારે પાડાઓ જ જંગલબંધમાં જોડાય તેવી મારી 'નમ્ર' અપીલ છે'.

બળદ અને પાડાસમાજના પ્રમુખોની ટ્વીટ્સ આખા ય જંગલમાં વાયરલ થઈ ગઈ. ટ્વીટના સ્ક્રીનશોટ વોટ્સએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયાં. એ ટ્વીટ્સ જોઈને બળદસમાજ અને પાડાસમાજમાં 'જંગલબંધ'ને સફળ બનાવવાની કવાયત શરૃ થઈ. 'ડરપોક પાડાઓ પાડીઓની બાજુમાં બેસીને ટીવીમાં નિરાંતે સમાચારો જુએ' એવા મતલબના પ્રમુખ પ્યાસાજી પાડાના નિવેદન પછી એકેય પાડો ઘરે બેસવા તૈયાર નહોતો.

દરેક પાડાને રસ્તાઓ ઉપર ઊતરીને પરાક્રમ બતાવવાનું શૂરાતન ઊપડયું હતું. જંગલબંધ પછી વળી કોઈ એમ કહી જાય કે 'તમે તો એ દિવસે બહાર નહોતા નીકળ્યા કાં? 'ઘરે બેસીને પાડીભાભી સાથે ટીવી જોતા'તા?' તો પરાક્રમી ઈતિહાસ ધરાવતા પાડાઓને ખાબોચિયામાં પડીને મરવા જેવું થાય! એટલે આખાય જંગલના પાડાઓમાં બંધને 'હિંસક' અને 'સફળ' બનાવવાનો નશો ચડયો હતો.

'શું કરવાનું છે એ ખબર છે ને?' જંગલબંધના એલાનના આગલા દિવસે પાડાસમાજના પ્રમુખ પ્યાસાજી પાડાએ સમાજના કાર્યકરોને સંબોધતી વખતે પૂછ્યું.

'હા. ઘેટાઓએ જે રીતે બધું બંધ કરાવ્યું હતું તે જ રીતે બંધ કરાવવા માટે રસ્તાઓ ઉપર ઊતરી જવાનું છે. ધાક-ધમકીથી કે જરૃર પડે તો એકાદ-બે થપ્પડ લગાવીને ય બંધ પળાવવાની તમામ જંગલવાસીઓને ફરજ પડાવવાની છે' પૂછડે સમાજનો ધ્વજ ચોંટાડીને આવેલા બે-ત્રણ યુવા પાડા કાર્યકરોએ ઉત્સાહમાં પ્રમુખશ્રીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.

'શાબાશ! પણ તમે લોકોએ ઘેટાઓના વીડિયોઝ જોઈ લીધા છેને? આપણે પણ એ પ્રમાણે જ હિંસા કરવાની છે' પ્યાસાજી પાડાએ મેસેજ ચેક કરતાં કરતાં પૂછ્યું અને મેસેજ જોઈને પછી ગૌરવના ભાવ સાથે ઉમેર્યું : 'મારા મિત્ર બળુકેશ બળદ પણ અત્યારે તેમના કાર્યકરોને સમજાવી રહ્યા છે. તેમને પણ મેં ઘેટાઓના હિંસક પ્રદર્શનનો વીડિયો જોવાની સલાહ આપી છે'

'તમારી પાસે તો નવા વિચારોનો ખજાનો છે! તમે ન હોત તો જંગલમાં પાડાસમાજનો કોઈ ભાવ ન પૂછતું હોત!' બધા સમાજમાં હોય એવા જ ચાંપલુશિયા કાર્યકરોમાંથી એક-બે કાર્યકરે પ્યાસાજી પાડાની ખુશામત કરી.

'મેં તો મારું જીવન જ પાડાસમાજના હિતમાં ખર્ચી નાખ્યું છે' ખુશામતની ધારી અસર થઈ હોય એમ પ્યાસાજી પાડાએ શિંગડાં ઊંચાં કરીને અભિમાન દર્શાવ્યું.

આગલા દિવસે જંગલબંધને સફળ બનાવવાના નિર્ધાર સાથે બધા જ પાડાઓ વિખેરાયા.

*

'આપણે ઘેટાઓને બતાવવાનું છે કે બળદસમાજની હિંસા સામે એની હિંસા તો ગણતરીમાં જ નથી' બળદસમાજના પ્રમુખ બળુકેશ બળદે પણ પ્યાસાજી પાડાની જેમ સમાજના કાર્યકરોની બેઠક બોલાવીને જરૃરી સૂચના આપવાની સાથે સાથે ઉત્સાહ વધારતું ભાષણ આપ્યું : 'આપણા પૂર્વજ નંદી મહારાજ ભગવાન શંકરના સાથીદાર હતા. આપણે એ પરંપરામાંથી આવીએ છીએ.

ઘેટાઓ હિંસા કરી જાય અને આપણે ઊણા ઊતરીએ તો તો આપણી પરંપરાને કલંક લાગે. જંગલબંધને સફળ કરવાની તમારી જવાબદારી છે. નંદી મહારાજની ભવ્ય પરંપરાને સફળ બનાવવાની જવાબદારી આજે તમારા બધા ઉપર આવી પડી છે...'

'નંદી મહારાજે પણ ભૂતકાળમાં જંગલબંધને સફળ બનાવ્યું હતું? જોરદાર કહેવાય!' પહેલી હરોળમાં જ ઊભેલા એક ભોળા બળદે તેના જેવા જ બીજા બળદ કાર્યકરને પૂછ્યું. બીજા કાર્યકરને પણ એ વિશે બહુ જાણકારી નહોતી એટલે એણે જાતે જ આવડે એવી વાર્તા બનાવીને જવાબ આપી દીધો : 'અરે નંદી મહારાજે તો ત્રણેય લોકમાં બંધનું એલાન સફળ કર્યું હતું!'

'તો તો આપણે છૂટકો નથી હોં!', 'આપણે ય જંગલબંધને સફળ કરવું જ જોઈએ', 'આપણે એ મહાન નંદીના વંશજો છીએ' બળદસમાજના કાર્યકરોએ અંદરોઅંદર આવી વાતો કરી લીધી. 'પણ મેં તો સાંભળ્યું છે કે નંદી મહારાજ તો ભગવાન શંકરના શિષ્ય હતા. એ તો અહિંસક હતા' પૌરાણિક પુસ્તકોનો થોડોક અભ્યાસ કરનારા એક કાર્યકરે બીજા બધાની વાતો સાંભળીને જરાક શંકા વ્યક્ત કરી ત્યાં તો કાર્યકરો તેના ઉપર તૂટી પડયા 'આ તમારા જેવા છે એટલે જ આપણી ભવ્ય પરંપરા ભુલાઈ ગઈ છે',

'તમારા જેવાઓએ તો ઘરે જ રહેવું જોઈએ!' શંકા વ્યક્ત કરનારા બળદને એ ન સમજાયું કે એણે એવું તે શું કહી દીધું કે સમાજના કાર્યકરો આટલા બધા નારાજ થઈ ગયા.. નંદી મહારાજની વાત સાંભળીને એકાદ કાર્યકરે વળી જોડકણું બનાવી કાઢ્યું. બળુકેશ બળદના ભાષણમાં જરાક વિરામ આવ્યો કે તરત પેલાએ નારો ઉપાડયો 'જય નંદી!' અને એ પછી તો આખી ય સભા 'જય નંદી'ના જયજયકારથી ગુંજી ઊઠી.

ઉત્સાહમાં આવેલા પ્રમુખ બળુકેશ બળદે પણ સમાજના કાર્યકરોની લાગણીને પારખીને નારાને સમર્થન આપીને ભાષણની વચ્ચે જ કહ્યું : 'જય નંદી!' થોડીવાર વીતી ગઈ પછી ભાષણ પૂરું કરતાં પહેલાં પ્રમુખ બળુકેશ બળદે સમાજના કાર્યકરોની ઉશ્કેરણી કરતું છેલ્લું વાક્ય ઉચ્ચાર્યું : 'જે બળદિયાઓ નંદી મહારાજના સાચા વંશજો હશે તે કાલે ઘરમાં પુરાઈને નહીં રહે!'

તે સાથે જ સભા પૂરી થઈ ગઈ. બધા જ બળદોએ પોતાને ભગવાન શિવના ગણ એવા મહાન નંદી મહારાજના વંશજ સાબિત કરવાનો મનોમન નિર્ધાર કર્યો. જંગલબંધને સફળ અને હિંસક બનાવવાના ઈરાદા સાથે બળદોના ટોળાએ ઘર તરફ પ્રયાસ કર્યું.

*

બીજા દિવસે સૂર્યનારાયણ તપે તે પહેલાં તો બળદસમાજ અને પાડાસમાજના કાર્યકરો તપી ગયા હતા! પાડાસમાજના બધા જ પાડાઓ પૂંછડે સમાજનો ધ્વજ ચોંટાડીને આવ્યા હતા. બળદસમાજના બળદોએ શિંગડાં ઉપર 'જય નંદી'નું સૂત્ર લખ્યું હતું. જંગલબંધના એલાનને સફળ બનાવવા માટે બળદો ને પાડાઓએ શિંગડે શિંગડાં મિલાવીને પરિશ્રમ કર્યો.

બંને સમાજના કાર્યકરોએ ભેગા મળીને જંગલને બંધ કરાવવા માંડયું. નાના-મોટા ઝાડના છાંયડે ધંધો કરી રહેલાં જંગલના હરણા-સસલા-કૂતરા-બિલાડા-નોળિયા-બકરા-ચકલા-કાગડા-ગીધડા જેવા વિવિધ સમાજના ધંધાર્થીઓ તો બળદ-પાડા સમાજના કાર્યકરોને દૂરથી જોઈને જ બધું બંધ કરી દેતા હતા. પોતાનો આટલો ખૌફ છે તે જોઈને વળી બંને સમાજના કાર્યકરો બમણા ઉત્સાહથી કામ કરતા હતા.

'જોયું? આપણે મેદાનમાં આવીએ એટલે કોઈને છોડીએ?', 'આ જંગલબંધનું એલાન તો વર્ષો સુધી યાદ રહેશે', 'ઘેટાઓ કરતાં આપણો ડર તો જુઓ!', 'જંગલમાં આપણાથી શક્તિશાળી કોઈ નથી એ સાબિત થઈ ગયું' બળદ અને પાડા સમાજના કાર્યકરો આવાં પ્રશંસાનાં નિવેદનો વચ્ચે જંગલબંધના એલાનને સફળ બનાવવા જરૃર પડે તો બીજાં પ્રાણીઓનો જીવ પણ રેડી દેતા હતા!

જેમ કે, એક નાનકડી દુકાન કરીને દૂધ વેંચતા બિલાડાએ દલીલો કરીને દુકાન બંધ કરવાની ના પાડી દીધી તો જંગલબંધને સફળ બનાવવા જીવ ઉપર આવી ગયેલા બળદોના ટોળાએ બિલાડાના પેટમાં સીધું શિંગડું જ ખોંસી દીધું. બિલાડા જેવાં તો કેટલાંય પ્રાણી-પંખીઓ આ રીતે શિંગડાનો શિકાર બન્યાં હતાં. કેટલાક બહુ આડા ફાટયા એને બળદ-પાડા સમાજના કાર્યકરોએ પગની નીચે ય કચડી નાખ્યા હતા.

અને જંગલની પોલીસે છૂટાછવાયા લાઠીચાર્જના પ્રયાસો કર્યા પણ એની બહુ અસર પાડાસમાજ કે બળદસમાજ ઉપર થઈ નહીં. આમેય જંગલની પોલીસે ખાસ એ વાતનું જ ધ્યાન રાખવાનું હતું કે કોઈ વીઆઈપી પ્રાણી-પંખીઓ કે નેતા બહાર નીકળે તો તેને કંઈ થવું ન જોઈએ. તે સિવાયનાં પ્રાણી-પંખીઓની ચિંતા કરવાનો હુકમ સરકારે આપ્યો ન હતો એટલે પોલીસને એ વાતે ય ઘણી શાંતિ હતી.

જંગલની પોલીસના હિસાબે જંગલબંધનું આંદોલન શાંતિપૂર્ણ રીતે થયું હતું. આમેય આવડા મોટા જંગલમાં આવડું મોટું આંદોલન થતું હોય તો પચાસ-પંચોતર પ્રાણી-પંખીઓનો જીવ જાય એ કંઈ બહુ મોટી વાત પણ ન કહેવાય! આટલાં પ્રાણી-પંખીઓના જીવના ભોગે પણ જો આંદોલન પૂરું થઈ જાય તો એ જંગલની સરકારી વ્યાખ્યા પ્રમાણે 'શાંતિપૂર્ણ'ની પરિભાષામાં જ આવતું હતું.

*

'વાહ! તમે બધાએ રંગ રાખી દીધો' પાડાસમાજના પ્રમુખ પ્યાસાજી અને બળદસમાજના પ્રમુખ બળુકેશ બળદે સંયુક્ત સભા સંબોધીને બંને સમાજના પરિશ્રમી કાર્યકરોની પ્રશંસા કરી.

'આજે તમે જંગલનાં બધાં સમાજોના પ્રાણી-પંખીઓને બતાવી દીધું છે કે આપણે કેટલી મહાન પરંપરાના વંશજો છીએ. જય નંદી!' બળુકેશ બળદે બળદસમાજના કાર્યકરોની નિષ્ઠાનું પ્રમાણપત્ર આપ્યું.

'અને તમામ પાડાસમાજના કાર્યકરોએ એ બતાવી દીધું છે કે પાડાઓ ડરપોક નથી હોતા. પાડીઓ સાથે બેસીને ટીવીમાં સમાચારો નથી જોતા, પરંતુ જરૃર પડયે રસ્તાઓ ઉપર ઊતરીને હિંસક આંદોલનો પણ કરી જાણે છે. સમસ્ત પાડાસમાજને મારાં વંદન'

બરાબર એ જ વખતે...

આ બધું ટીવીમાં જોઈ રહેલાં જંગલનાં સમજદાર પ્રાણી-પંખીઓને નિર્દોષોના જીવ જતા જોઈને અરેરાટી છૂટતી હતી. અલગ અલગ સમાજના બંધના એલાનથી જંગલમાં કેટલું નુકસાન થાય છે તેની ય ચર્ચા ઘણાં પ્રાણી-પંખીઓ કરતા હતા. જંગલની સભાના નિયમિત સભ્યોના વોટ્સએપ ગુ્રપમાં પણ આ બાબતે ચર્ચા થતી હતી.

એમાં બીજા સભ્યોના મેસેજ જોયા પછી વૃદ્ધ હીરજી હંસે કટાક્ષ કરીને લખ્યું : 'ઘેટા-બળદો-પાડાઓ જંગલબંધનું એલાન કરે ન કરે, પરંતુ ખરી રીતે  જુઓ તો જંગલ આમેય વર્ષભર બંધ જ હોય છે'

'દાદા! તમારો આ તર્ક મને બિલકુલ સમજાયો નહીં' હીરજી હંસની વાત ન સમજાતા મસ્તરામ મોરે ગુ્રપમાં વળતો મેસેજ કર્યો.

'જંગલમાં ૨૧ જાહેર રજાઓ, ૫૫ દિવસના બે વેકેશનો, ૫૨ રવિવારો અને એ સિવાયની ત્રીસેક રજાઓને ગણો તો ૩૬૫ દિવસમાંથી માંડ ૨૦૦ દિવસ કામ કરવાના બચે છે અને એમાંય આવાં જંગલબંધનાં વર્ષે ૧૫-૨૦ એલાનો ગણી લઈએ તો જંગલમાં વર્ષે માંડ ૧૮૦ દિવસ કામ થાય છે'

હીરજી હંસનો કટાક્ષ સમજીને કબૂતર કાનાફૂસિયાએ પણ વળતો કટાક્ષ કર્યો : '૧૨ મહિનામાં ૬ મહિના જ કામ કરતું વિશ્વનું એકમાત્ર જંગલ એટલે આપણું - હિન્દુસ્તાની જંગલ'
 

Post Comments