Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

બકુલાબેન બકરીએ પતિદેવ બાબાલાલ બકરા સામે ૧૦ લાખ કરોડનું 'ઘરબજેટ' રજૂ કર્યું!

બકુલાબેન બકરીએ જંગલના નાણામંત્રી ચિત્તાભાઈના વાર્ષિક બજેટમાંથી પ્રેરણા લઈને આખું વર્ષ ઘર ચલાવવા માટેનું બજેટ બનાવ્યું. બકુલાબેને એવું તો જોરદાર બજેટ બનાવ્યું કે પહેલી નજરે પતિદેવ બાબાલાલ બકરા તો ખુશખુશાલ થઈ ગયા, પણ બકુલાબેનના બજેટની ખરી હકીકત કંઈક બીજી જ હતી...

બકુલાબેન બકરીના પતિ બાબાલાલ બકરા થાક્યા-પાક્યા ઘરે આવ્યા. આખો દિવસ કામ કર્યા પછી તેને નિરાંતે ખાઈ-પીને સૂઈ જવું હતું, પણ ઘરમાં આવીને જૂએ છે તો બકુલાબેનની આસપાસ કાગળિયા વિખેરાયેલા પડયા હતાં.

બકુલાબેન બકરી ઝીણવટથી કંઈક નોંધ ટપકાવીને એક ફાઈલમાં બધા કાગળિયા ગોઠવતા હતાં. આ બધું જોઈને બાબાલાલ બકરાને પહેલાં તો તાડૂકવાની ઈચ્છા થઈ, પરંતુ બકુલાબેન બકરી સાથેના લાંબાં લગ્નજીવનના અનુભવથી તેને એ વાત બરાબર ખબર હતી કે તાડૂક્યા પછી શું પરિણામ આવશે!?

એટલે બાબાલાલ બકરાએ ગુસ્સાને કાબુમાં રાખીને ટાઠકથી પૂછ્યું : 'ડીયર બકુલી! આજે તો તેં બહુ કામ કર્યું લાગે છે. તારા મોઢા પરથી લાગે છે કે...' ખોટું બોલતા બાબાલાલ બકરાનો જીવ ચાલતો ન હતો છતાં તેણે મક્કમ મન બનાવીને ઉમેર્યું : '..તું બહુ થાકી ગઈ છો. જમી લઈએ એટલે આજે વહેલી આરામ કરજે હોં!' બાબાલાલ લાડથી બકુલાબેનને બકુલી કહેતા. એ નામ બકુલાબેનને ય બહુ ગમતું.

'ના. આજે મારે તો શું તમારે ય આરામ કરવાનો નથી. હું બજેટ રજૂ કરવાની છું' બકુલાબેન બકરીએ ફાઈલ તૈયાર કરી.

'બબજ્જ્જેટટટ?' જંગલના નાણામંત્રી ચિત્તાભાઈના બજેટની કળ વળી ન હતી ત્યાં બકુલાબેન બકરીના બજેટના નામથી બાબાલાલ બકરાના હોશ ઉડી ગયાં.

'હા. બજેટ' બકુલાબેન બકરીએ બધા જ કાગળિયા કચરા ટોપલીમાં નાખ્યા. એક જ ફાઈલ હાથમાં રાખ્યા પછી હસીને ઉમેર્યું : 'તમે ખુશ થઈ જશો એવું બજેટ મેં બનાવ્યું છે!'

'તું બજેટ રજૂ નહીં કર તો હું વધુ ખુશ થઈશ' બાબાલાલ બકરાએ અકળામણથી કહ્યું : 'આ ચિત્તાભાઈનું બજેટ ઓછું હતું કે હવે તું ય બજેટ બનાવવા માંડી છો?'

'ચિત્તાભાઈનું બજેટ તો આખા જંગલ માટે હતું. આ બજેટ તો માત્ર આપણાં માટે છે' બકુલાબેન બકરીએ આપણાં શબ્દ ઉપર એવો ભાર મૂકીને લહેકો કર્યો કે બાબાલાલ બકરા પીગળી ગયા.

'ઠીક છે. તો પહેલાં જમવાનું આપે છે કે બજેટ?' બાબાલાલે સ્મિત લાવીને પૂછ્યું.

'બજેટ' બકુલાબેને ટૂંકો જવાબ આપીને ફાઈલ ખોલી. ખોંખારો ખાધો, ત્રાંસી નજરે પતિદેવ બાબાલાલ બકરાની હરકત નોંધી ને અદ્લ ચિત્તાભાઈની અદાથી બોલવા માંડયું...

*

'હું વર્ષ ૨૦૧૭-૧૮નું પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઈ રહી છું. મારું બજેટ ત્રણ ભાગમાં વહેંચાયેલું રહેશે. તેનો અમલ...' બકુલાબેન બકરીએ ફાઈલમાં લખેલું વકતવ્ય વાંચવા માંડયું.

'ડીયર બકુલી! તું આમ ભારેખમ શબ્દો ન બોલ. સમજાય એવું બોલજે બાકી મને ઊંઘ આવતા વાર નહીં લાગે. બહુ થાક લાગ્યો છે આજે' બાબાલાલ બકરાએ બગાસુ ખાધું.

'ઓકે... બજેટને મેં ત્રણ ભાગમાં વહેચ્યું છે. પ્રથમ વર્ગમાં હું આવું છું' બકુલાબેન બકરીએ જરા અભિમાનથી માથું ઊંચું કર્યું : 'બીજા ભાગમાં તમે આવો છો અને ત્રીજા ભાગમાં આપણાં બચ્ચાઓ...'

'પણ આમ ત્રણ ભાગ પાડવાની શું જરૃર છે? ઘરનું બજેટ છે તો આપણા બધાના સરખા ભાગે...' બાબાલાલ બકરાને બોલતા અટકાવીને બકુલાબેને કહ્યું : 'જંગલના નાણામંત્રી ચિત્તાભાઈએ અમીર, મધ્યવર્ગ અને ગરીબ - એમ ત્રણ વર્ગ પ્રમાણે બજેટ રજૂ કર્યું હતું. હું પણ એવું જ કરીશ'

'સારું. હવે બજેટને આગળ વધાર ફટાફટ!' બાબાલાલ બકરાએ વિનંતીના સૂરમાં બકુલાબેન સામે જોયું.

'૧૦ લાખ કરોડના બજેટમાંથી હું મારા માટે...' બકુલાબેન બકરી આગળ કંઈ બોલે એ પહેલાં આંકડો સાંભળીને બાબાલાલ બકરા ભડક્યા. તેણે હાથનો ઈશારો કરીને બકુલાબેનને અટકાવીને પૂછ્યું : '૧૦ લાખ કરોડનું બજેટ એટલે શું? આવડી મોટી તો મારી કમાણી પણ નથી!'

'હાહાહા.... તમે સમજ્યા નહીં! આંકડો મોટો લાગે તો હું મારી બહેનપણીઓને કહી શકું કે મારા ઘરનું બજેટ ૧૦ લાખ કરોડનું છે! પાછળ જે 'કરોડ' લાગે છે તે સાચો આંકડો નથી. તમે ખાલી ૧૦ લાખ યાદ રાખો.

'પરંતુ મારી વાર્ષિક આવક તો ૧૦ લાખ પણ નથી!' બાબાલાલ બકરા બરાબર મૂંઝાયા. બકુલાબેને તરત જ ખુલાસો કર્યો : 'તમે ચિંતા ન કરો. ચિત્તાભાઈએ પણ ક્યાં દેશની આવકને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યું હતું? તમે ખાલી મારી કરામત જોતા રહો બસ!'

'ઠીક છે. હવે તું બોલવા માંડ' બાબાલાલ બકરા કંટાળ્યા.

'૧૦ લાખ કરોડના બજેટમાંથી હું મારા માટે વર્ષે ૯૦ હજાર કરોડની ફાળવણી કરું છું. એમાં મારું શોપિંગ, મારું ટ્રાવેલિંગ અને મારો હાથખર્ચીનો પણ સમાવેશ થઈ જાય છે' બકુલાબેન બકરીએ બાબાલાલ બકરાની હરકત નોંધી લીધી.

બકુલાબેન બકરીની શોપિંગ, ટ્રાવેલિંગ અને હાથખર્ચી વર્ષે ૯૦ હજારમાં પૂરી થઈ જશે એ સાંભળીને બાબાલાલ બકરા તો ઉત્સાહમાં આવી ગયા. ઝપાટાબંધ ઉભા થયા અને બકુલાબેનને ભેટી પડયા.

'જાઓ જાઓ! આઘા હટો કોઈ જોઈ જશે તો?' બકુલાબેન શરમના માર્યા નીચું જોઈ ગયાં. પછી બજેટને આગળ વધારતા આગળ ચલાવ્યું : 'તમારા શોપિંગ માટે ૩ લાખ કરોડ રૃપિયા ફાળવું છું, પણ એમાં તમારો ટ્રાવેલિંગનો ખર્ચ અને વર્ષની હાથખર્ચીનો ય સમાવેશ થઈ ગયો છે'

'ત્રણ લાખ કરોડ!' બાબાલાલ બકરાના મોઢામાંથી આનંદના ઉદ્ગારો નીકળ્યા. વર્ષે ત્રણ લાખ રૃપિયા જેવો બજેટનો મોટો હિસ્સો પોતાને મળશે એવા વિચારે ૩૦ સેકન્ડમાં તો બાબાલાલે ભાઈબંધો સાથે પાર્ટીઓના કેટલાય સપનાઓ જોઈ લીધાં!

'બચ્ચાઓનાં કપડાં અને શાળાની સામગ્રી માટે ગયા વર્ષે ૯૦ હજાર કરોડ ફાળવ્યા હતા. આ વર્ષે ૮૦ હજાર કરોડ ફાળવું છું. બચ્ચાઓની શાળાની ફી આ વર્ષે મોંઘી થઈ છે એટલે ગયા વર્ષના બજેટમાં વધારો કરીને ૯૦ હજાર કરોડ આપું છું' ફીના બજેટથી પતિ-પત્ની બંનેને થોડી ચિંતા થઈ. બકુલાબેન અટક્યા. થોડીવાર પછી બજેટ આગળ ચાલ્યું : 'મારા કપડાની ખરીદી માટે ૫૦ હજાર કરોડનું બજેટ મંજૂર થયું છે અને બ્યુટીપાર્લર માટે વર્ષે ૩૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે'

'હેં??!! તેં હમણાં તો કહ્યું કે ૯૦ હજારમાં શોપિંગ આવી ગઈ?' બાબાલાલ બકરાના મોઢા ઉપર છેતરાયાનો ભાવ આવ્યો.

'અચ્છા એ? એમાં હું કપડાની ખરીદીનું ક્યાં બોલી હતી? વારે-તહેવારે જે કપડાં ખરીદવાના થશે એના માટે ૫૦ હજાર આપ્યા છે' બકુલાબેને બચાવ કરીને બજેટ આગળ ચલાવ્યું : 'એમ તો તમારા કપડાંની ખરીદી માટે ય મેં ૧૦ હજાર કરોડ ફાળવ્યા છે. ખોરાક-પાણી માટે મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ૯૯ હજાર કરોડ ફાળવ્યાં છે. ૨૧ હજાર કરોડ સ્વાસ્થ્ય બજેટ માટે આપું છું'

'સ્વાસ્થ્ય બજેટ આટલું ઓછું? એના કરતા તો તેં મોજશોખનું બજેટ વધારે રાખ્યું છે!' બાબાલાલ બકરાએ આંખ ઝીણી કરીને સવાલો પૂછ્યાં.

'આપણાં જંગલના નાણામંત્રી ચિત્તાભાઈએ પણ આરોગ્યનું બજેટ ધારણા કરતા ઓછું જ રાખ્યું છે' બકુલાબેને પોતાના બજેટની સરખામણી ચિત્તાભાઈના બજેટ સાથે કરીને ઉમેર્યું : 'હજુ એક છેલ્લી મહત્વની જાહેરાત... ઘરના વિકાસ માટે, રંગરોગાન-સમારકામ માટે ૩ લાખ કરોડનું બજેટ ફાળવું છું.'

'એક મિનિટ..' બાબાલાલ બકરાએ મનોમન હિસાબ માંડયા પછી બજેટમાંથી ભૂલ શોધી કાઢી : 'તારું બજેટ ૧૦ લાખ કરોડનું હતું. આ તો એનાથી ય વધી ગયું'

'મને ખબર છે ૫૦-૭૦ હજાર કરોડ વધી ગયું હશે. એટલો ફરક તો ચિત્તાભાઈના બજેટમાં ય હતો. એવી નાની-નાની ભૂલો મોટા બજેટમાં ચાલી જતી હોય છે' બકુલાબેન બકરીએ સ્પષ્ટતા કરી.

'ઓકે. અને આ રંગરોગાન, સમારકામ, ઘરના વિકાસ માટે ત્રણ લાખ કરોડ?' બાબાલાલે માથું ખંજવાળ્યું.
'અચ્છા એ?? એ તો ખાલી આંકડો ૧૦ લાખ કરોડે પહોંચાડવા માટેની જાહેરાત હતી!' બકુલાબેને મૂળ વાત તરફ આવતા પૂછ્યું : 'તમારી વાર્ષિક આવક પાંચેક લાખ જેટલી છે. બરાબર?' બાબાલાલ બકરાએ ગરદન હલાવીને હા પાડી એટલે બકુલાબેન બકરી બોલ્યાં : 'મારા બજેટની મુખ્ય શરત તમને હમણાં કહીશ એટલે બધો મેળ બેસી જશે!'

'કઈ રીતે?' બાબાલાલ તો બાઘાની જેમ બકુલાબેન સામે જોઈ જ રહ્યા.

'જ્યાં મેં 'લાખ કરોડ' કહ્યું છે એ આંકડો ખરેખર 'હજાર' છે અને જે આંકડો મેં હજાર કરોડ કહ્યો છે આંકડો ખરેખર 'સાચો' છે!' બકુલાબેન બકરીના ધકાડા પછી હવે હિસાબ માંડવાનો વારો બાબાલાલનો હતો. તેણે ઉતાવળે કાગળ-પેન હાથમાં લીધા અને હિસાબ શરૃ કર્યો. હિસાબને અંતે ખબર પડી કે પાંચ લાખની વાર્ષિક આવકમાંથી બાબાલાલના ભાગે માત્ર ૧૩ હજાર રૃપિયા આવ્યા હતાં. બકુલાબેન બકરીએ પોતાના માટે સિફતપૂર્વક ત્રણેક લાખ જેવી માતબર રકમ રાખી લીધી હતી. બકરીબેને જેને છેલ્લાં વર્ગમાં ગણાવ્યા હતા એ બચ્ચાઓ માટે દોઢ-બે લાખનું ફંડ થતું હતું.

બાબાલાલને તરત જ બકુલાબેન બકરીએ બજેટ પહેલાં જે વાક્ય કહ્યું હતું એ યાદ આવ્યું કે ચિત્તાભાઈએ જેમ ત્રણ વર્ગમાં બજેટ વહેંચ્યું છે એમ બકુલાબેને પણ ત્રણ ભાગ પાડયા છે. હવે બાબાલાલને આખી 'રમત' સમજાઈ ગઈ! ચિત્તાભાઈના બજેટમાં ય મધ્યમ કહેવાય એવા વર્ગને કંઈ મળ્યું નહીં. આમાં પણ બકુલાબેન બકરીએ બાબાલાલને મધ્યમવર્ગમાં ગણાવીને બજેટમાં ભારે કાપ મૂક્યો હતો.

બાબાલાલ બકરાએ ખૂબ જ નરમ અવાજમાં બકુલાબેનને વિનંતી કરી : 'ડીયર બકુલી! બજેટમાં કંઈક ફેરવિચારણા કરને!'

બકુલાબેન બકરીએ પણ અદ્લ નાણામંત્રીને છાજે એવા લહેકાથી વાયદો કર્યો : 'સારું. આવતા વર્ષે વિચારીશ!'
 

Post Comments