Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

બોલિવૂડની ગંદકીમાં રહીનેય એ ભાવિના ભેદ કલ્પી અને વર્ણવી શક્યા હતા..

કાસ્ટિંગ કાઉચ, કપૂર, ચોપરા, સાગર, રોશન, ખાન કેમ્પ, જેવાં જૂથો, એકમેકને પછાડવાના કાળાં કરતૂતો, એવોર્ડોના નામે ચાલતી ગોબાચારી, કથાની કે ગીતની ઊઠાંતરી.... આ અને આવાં અનેક અનિષ્ટોથી મુંબઇનો મનોરંજન ઉદ્યોગ ખરડાયેલો છે. કલાકારોનો ખાલીપો કે પ્રિયપાત્રની દગાબાજી આત્મહત્યા કરવા પ્રેરે એવી કરુણકથા, મહેનતાણાંની બાબતમાં પક્ષપાત અને ગોટાળા... આવી અસંખ્ય કથાઓ ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે.

એવા ગલીચ અને ગંદડા વાતાવરણમાં રહીનેય કોઇ વ્યક્તિ સાવ નવા દર્પણ (મિરર ધેટ ઇઝ) જેવી રહી શકે એ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગનો વિરલ કિસ્સો ગણાય. નિર્મળ અંતઃકરણ ધરાવતી વ્યક્તિ આવા વાતાવરણમાં પણ કાદવમાં ખીલતા કમળની પેઠે અલિપ્ત રહેતી હોય છે. અને પરિણામે, એને ક્યારેક પોતાના અંતરમાંથી અવાજ આવતો હોય છે, જેને આપણે ભવિષ્યવાણી કહી શકીએે. આમ તો એ ફિલ્મ ગીતકાર હતા. એમનું સાચું નામ સુદ્ધાં આજની પેઢીનાં બાળકોને કદાચ ખબર નહીં હોય.

યસ, આ વાત રામચંદ્ર નારાયણજી દ્વિવેદીની છે. પરિચયની ઘંટડી વાગી ? ન વાગી હોય તો કહું, વાત કવિ પ્રદીપજીની છે. મધ્ય પ્રદેશના પવિત્ર યાત્રાધામ ઉજ્જૈન નજીકથી મુંબઇ આવેલા પ્રદીપજી આ લખનારને તાજેતરમાં બાબા રામ રહીમની ધરપકડ થઇ ત્યારે ફરી યાદ આવી ગયા.

આ લેખકડો નમ્ર પણ મક્કમપણે માને છે કે કવિ પ્રદીપજીના મનના તાર પરમ તત્ત્વ સાથે સતત જોડાયેલા રહેતા હશે. એટલે જ એમણે લખેલાં કેટલાંક કાવ્યો સચોટ ભવિષ્યવાણી જેવાં સાબિત થયાં. આગલી પેઢીના કવિઓને થતા આવા અનુભવો વિરલ છે.  કવિ પ્રદીપે છેક ૧૯૫૦ના દાયકામાં રચેલાં ગીતોમાં આપણા દેશ અને સમાજ વિશે કેટલીક સચોટ ભવિષ્યવાણી પ્રગટી હતી. એવાં બે ત્રણ ગીતો તો અનેક સિનિયર સિટિઝનોને મોઢે હશે.

તાજેતરની બાબા રામ રહીમની ધરપકડ અને ત્યારબાદની હિંસાના સંદર્ભમાં પ્રદીપજીનું ફિલ્મ નાસ્તિક (૧૯૫૪)નું ગીત યાદ આવે. 'દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન...' આ ગીતના એક અંતરામાં પ્રદીપજીએે લખ્યું, 'રામ કે ભક્ત રહીમ કે બંદે, રચતે આજ ફરેબ કે ફંદે, કિતને યે મક્કાર યે અંધે, દેખ લિયે ઇન કે ભી ધંધે, ઇન કી કાલી કરતૂતોં સે બના યહ દેશ મસાન, કિતના બદલ ગયા ઇન્સાન...' આ ગીત રચાયું ૧૯૫૪માં અને બાબા રામ રહીમની ધરપકડ થઇ ૨૦૧૭માં.

એમની પહેલાં આશારામની ધરપકડ થઇ હતી જેમને હજુ જામીન મળી નથી. આપણા સમાજમાં ધર્મના નામે આવા ગોરખધંધા થશે એવી કલ્પના પ્રદીપજીને કેટલી બધી વહેલી આવી ગયેલી !  આ ગીત ગાયું પણ કવિ પ્રદીપજીએ પોતે. આચાર્ય મમ્મટે દોઢ બે હજાર વરસ પહેલાં રચેલા કાવ્ય પ્રકાશ નામના સંસ્કૃત ગ્રંથમાં કવિને એક અર્થમાં ભવિષ્યવેત્તા કહ્યો છે. એ કદાચ આવા સંદર્ભમાં જ હશે.

કવિ પ્રદીપે આપણને વીનવણી કરતાં હોય એવા શબ્દોમાં ઔર એક ગીત રચ્યું હતું. લગભગ, દેખ તેરે સંસાર કી હાલત રચાયું એ જ સમયગાળામાં કવિએ સત્યેન બોઝની એક યાદગાર બાળ ફિલ્મ જાગૃતિ માટે રચેલા આ ગીતના શબ્દો જુઓ- 'હમ લાયે હૈં તુફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે...' આ ગીતના એક અંતરામાં પણ કવિએ આડકતરી રીતે ભવિષ્યવાણી કરી છે- 'એટમ બમોં કે જોર પે એંઠી હૈ યહ દુનિયા, બારુદ કે ઇક ઢેર પે બૈઠી હૈ યહ દુનિયા, તુમ હર કદમ ઊઠાના જરા દેખ ભાલ કે.. ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે..' ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે થઇ રહેલો સંઘર્ષ આ પંક્તિ દ્વારા કલ્પની શકાય છે.

આ લખનાર તો આ આખા ગીતને ભવિષ્યવાણી જેવું જ માને છે.
તમારો મત જુદો હોઇ શકે. અને હા, જમ્મુ કશ્મીરની આજની પરિસ્થિતિમાં જડબેસલાખ ફિટ બેસે એવું આ ગીત. ૧૯૫૭-૫૮માં રજૂ થયેલી ફિલ્મ તલાક માટે કવિએ આ ગીત રચ્યું હતું. શરૃઆતમાં ચારેક પંકિત સાખીરૃપે આવે છે. પછી ગીત શરૃ થાય છે.

મન્ના ડેના કંઠે રજૂ થયેલા આ ગીતના મુખડામાંજ ચેતવણી કહો કે ભવિષ્યવાણી કહો એ આવી જાય છે- 'કહની હૈ ઇક બાત હમેં ઇસ દેશ કે પહરેદારોં સે, સમ્હલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે...' જમ્મુ કશ્મીરના ભાગલાવાદી નેતાઓ પાકિસ્તાનમાંથી પૈસા મેળવીને પોતાની જ માતૃભૂમિ કશ્મીરમાં પથ્થરમારો કરાવી રહ્યા છે એ સંદર્ભ યાદ કરીને પછી આ ગીતનું મુખડું ગણગણો. કવિએ કરેલી ભવિષ્યવાણી તમને પણ સમજાઇ જશે. આ ગીત પણ આખું ટાંકવા જેવું છે પણ સ્થળસંકોચને કારણે ટાંકી શકતો નથી. સમય મળ્યે યુ ટયુબ પર જરૃર સાંભળજો.

 

Keywords to,the,point,12,september,2017,

Post Comments