Last Update : 30-Mar-2011, Wednesday

વર્ક ઇઝ ડિઝીઝ, વેકેશન ઇઝ પિલ ટાઇમટુ ચિલ એન્ડ થ્રીલ!

 

અનાવૃત - જય વસાવડા

 

 

તા વાંચન-ફિલ્મ દર્શનના લાસ્ટ સન્ડે ચેકલિસ્ટ પછી ચક્ષુથી ચરણ સુધીનો વેકેશન વૈભવ આ રહ્યો ઃ
* વેકેશન વિહાર
(૧) કેરા કચ્છ ઃ કચ્છના આ ખાસ્સા સમૃદ્ધ ગામનું આમ તો ઐતિહાસિક મહત્ત્વ છે. ઇન્ટરનેશનલ બેન્કસના એટીએમ ધરાવતા આ ગામમાં પીર ગુલામઅલી શાહની દરગાહ અને સ્વામીનારાયણ મંદિર પણ છે. ભવ્ય હવેલીનુમા બંગલાઓ છે. પણ જે ખરેખર દર્શનીય છે, ત્યાં વ્યાખ્યાનો વચ્ચે ભટકતો આ લખવૈયો પહોંચ્યો ત્યારે ભરબપોરે એકાંતને ચીરતા કબૂતરની પાંખોના ફફડાટ સિવાય નર્યો સૂનકાર હતો ! આર્કિયોલોજીકલ સાઇટના 'રક્ષિત સ્મારક'ના દરવાજા ઉઘાડા ફટાક હતા. માનવયુગલોને ત્યાં આવવામાં રસ નહિ હોય એમ માનીને એક શ્વાનયુગલ એના નિર્જન પગથિયે ગેલ કરતું હતું !
એ છે કેરાનું છેક દસમી સદીમાં લાખો ફુલાણીએ પોતાના કિલ્લા (કપિલકોટ)ની સાથે બંધાવેલું ભવ્ય, પ્રાચીન શિવમંદિર ! ૧૮૧૯ના ભૂકંપ પછી ધ્વસ્ત થયેલું આ મંદિર 'ખંડહર બતા રહા હૈ, ઇમારત કીતની બુલંદ થી'ની પાષાણ સાબિતી છે ! 'પોએટ્રી ઇન સ્ટોન' શીર્ષક હેઠળ ત્યાં લગાવાયેલ સરકારી પાટિયું એવું સત્તાવાર રીતે ફરમાવે છે કે એ જ કાળમાં ક્યારેક હજારેક વરસ પહેલાના ખજૂરાહોના મંદિર સાથે કેરાનું શિવમંદિર સરખાવી શકાય તેમ છે ! મંદિરની અમુક દિવાલો ઘસાઈ ગઈ છે, મૂર્તિઓ ખંડિત થઈ છે. કેટલાક તૂટેલા આખેઆખી નયનરમ્ય મૂર્તિઓ ધરાવતા પથ્થરો લીલા ઘાસ પર આડા નધણિયાતા પડયા છે ! (એનું મૂલ્ય જ વારસાની વાતો કર્યા કરતી પ્રજાને સમજાય નહિ, ત્યાં એની કિંમત ચોરોને ખબર પડે નહિ- એટલી એ સલામત છે !) પણ કમનીય કાયાના વળાંકો અને કામકેલીની ક્રીડાઓનો શૃંગાર કાળા પડી ગયેલા પીળા પથ્થરોમાંથી છલકાઈ રહ્યો છે ! લાગણીદુભાઉ જંતુડાઓ સંસ્કૃતિના નામે ચિત્રોની તોડફોડ કરવા પહોંચી જાય છે, પણ ગુજરાતમાં જ આવેલા આવા ભવ્ય સ્થાપત્યોનું 'મદન દર્શન' કરવાની એમને ફૂરસદ નથી. કારણ કે, રસ નથી ખબર નથી. શ્રાવણમાં બિલિપત્રોના ડુંગરા મંદિરોમાં ખડકી દેતો સમાજ, શિવમંદિરની કળા જોવા ડુંગરા ખેડવા તૈયાર નથી !
(૨) જનરલ શર્મન ઃ અમેરિકાના કેલિફોર્નિયામાં જવું, રહેવું, ફરવું ગુજરાતીઓને બહુ ગમે. એક તો એ આપણા ગુજરાત જેવું જ હવામાન ધરાવતો (પણ વધુ વ્યવસ્થિત, રળિયામણો, સ્વચ્છ) સમૃદ્ધ પ્રદેશ. બીજું એમાં હોલીવુડનું ગ્લેમર. પણ ગુજરાતીઓના ન્યુ જર્સી પછી સેકન્ડ 'હોમ સ્ટેટ' બની રહેલા કેલિફોર્નિયાની કુદરતી 'સંપત્તિ'માં આપણા અથાણા પ્રેમી પ્રવાસીઓને ખાસ રસ પડતો નથી. જેમ કે, ત્યાં આવેલો સિકોઇયા નેશનલ પાર્ક અને ત્યાં આખેઆખી મોટરકાર જેના બાકોરામાંથી પસાર થઈ જાય એવા ભીમસેની થડીયા ધરાવતા મહાબલી વૃક્ષોનું એ વન છે. એની વચ્ચોવચ અડગ અડીખમ ઉભું છે જગતનું સૌથી મોટું વૃક્ષ- જનરલ શર્મન ! ૨૭૫ ફીટ જેટલું ઉંચુ અને ૧૦૩ ફીટ જેટલો ઘેરાવો ધરાવતું આ મહાકાય વૃક્ષ વિશાળતાના સઘળા વિશેષણોને ગળી જાયતેમ છે. આખું તો વાઇડ ઝૂમ ધરાવતા કેમેરામાં ય સમાતું નથી એટલે આંખોમાં ઓગાળીને દિમાગમાં સ્ટોર કરવું પડે તેમ છે.
શર્મનદાદાની ઉંમર ૨૫૦૦- ૨૭૦૦ વરસની હોવાનું નિષ્ણાતો માને છે મતલબ આ વૃક્ષદાદાએ ઇસુ ખ્રિસ્ત અને મોહમ્મદ પયગંબરને, ચાણક્ય અને હિટલરના જમાનાને સરકી જતો જોયો છે, અને ખુદ હજુ ટટ્ટાર ઉભા છે. અમેરિકન સિવિલ વૉર (જેના ય આ વર્ષે ૧૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે)ના હીરો જનરલ શર્મનના નામ પરનું આ રિયલ લાર્જર ધેન લાઇફ વૃક્ષ આજુબાજુ પણ એવો જ તોતિંગ ધુરંધરોના સંગાથમાં માનવજાતને એના વામણાપણાનો અહેસાસ આપે છે. શિકોઇયા પાર્કમાંઆ દાદાના ખોળે રમવા સૂરજ સાથે સંતાકૂકડી રમવા પહોંચો તો ત્યાં ક્રિસ્ટલ કેવ્ઝ પણ જોવા જેવી છે. 'મોરો રોક' પર ચઢાણ થઈ શકે અને શર્મન ટ્રેઇવ પર વોકિંગ ! ના જઈ શકો, તો ય અફસોસ ન કરતા- ગુજરાત સમાચારના સઘળા રીડર બિરાદરોને વ્હાલ દાદાજીએ પાઠવી જ દીધું હતું, મીઠું મલકતા- જ્યારે એમને ભેટવાનો લ્હાવો મળેલો ત્યારે !
(૩) ચોકોરી ઃ કદાચ ચાકેડી ? કે ચક્રી ? એની વે ઉત્તરાખંડના ફેમસ કુમાઉના પિથોરાગઢ જિલ્લાનું આ ટચુકડું હિલસ્ટેશન છે. હજુ ટુરિઝમના પેમ્ફલેટ્સમાં છપાઈને જાણીતું બન્યું નથી. નેપાળની સરહદ નિકટ આવેલા, અને તિબેટની સોડમાં લપાયેલા આ શબ્દશઃ આંખ ઠારે એવા સ્થળની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંથી હિમાલયનો પરફેક્ટ પેનોરોમિક વ્યૂ આવે છે. હિમાલયના તમામ સરટોચના વિશ્વવિખ્યાત શિખરોના ઠસ્સા અને લાલિત્યના દર્શન ત્યાં ચડયા વિના આ એક જ સ્થળેથી થઈ શકે છે.
એક વાર ચૌકોરી પહોંચ્યા, તો પછી એની બગલમાં આવેલ પાતાલ ભુવનેશ્વરીની ગુફા જોયા વિના પાછા ફરવાની ઉતાવળ ના કરવી. સ્કંદ પુરાણમાં 'શિવની ગુફા' તરીકે વર્ણવાયેલી ૧૬૦ મીટર લાંબી અને ૯૦ ફીટ ઉંડી ગુફામાં પાણીની મદદથી અદ્ભુત આકારની સ્વયંભૂ કળાકૃતિઓ સર્જાઈ છે. અહીં પાંડવોથી આદિ શંકરાચાર્ય સુધીના આવી ચૂક્યા છે. સ્ફટિકોથી રચાતા અદ્ભુત લોક જેવી આ ગુફાસૃષ્ટિનો પ્રવાસ 'જર્ની વિધિન'ની ચૈતસિક અનુભૂતિ કરાવી શકે તેમ છે. સમથિંગ ડિફરન્ટ, સમથિંગ ડિલાઇટફુલી ડિવાઇન.
* વેકેશન લિસન
(૧) અડધી રમતથી ઃ માતૃભાષાને વ્હાલ કરવાનો એક માર્ગ એની 'પ્રીચી પ્રીચી સ્પીચ' આપવાને બદલે એના માધુર્યનો પરિચય કરાવવાનો છે. પ્રચંડ પ્રતિભાશાળી ગુજરાતી સંગીતકાર મેહુલ સુરતી શા માટે અલ્લરખ્ખા રહેમાનના સાસરિયા ગુજરાતનો એમને અપાયેલો જવાબ છે, એની એક વધુ સાબિતી આ આલ્બમ છે. બીબાઢાળ એવા ગુજરાતી સુગમ સંગીતમાં કહેવાતા નવતર પ્રયોગો પણ એટલા જ ચવાઈને ચુથ્થો થયેલા હોય છે ત્યાં અહી એકવીસમી સદીનું સુગમ સંગીત કેવું હોવું જોઈએ એની વધુ એક સુખદ લહેરખી આવે છે. 'રાધાના શમણાના સાત રંગ રોળાયા, તંઈ જઈ એક મોરપિંછ રંગાયું' જેવી ઉંડાણભરી રચનાઓ વિવેક ટેલર જેવા કવિતાપારખુની છે એમાં 'મૂછોના ખેતરમાં બગલો' મરાઠી લોકગીતના લયમાં કમ્પોઝ થયેલી કૃતિ પણ છે. ઉનાળાની ગરમીમાં કાનને ઘેર બેઠા હિમાલયની ઠંડક આપે એવા આલ્બમનું શિરમોર સોંગ છે- 'કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાંના ક્યાં જઈ બેઠા છો આજે !' ચેક ધ વોઇસ મોડયુલેશન્સ અને પેપ્પી રિમિક્સ્ડ બીટ્સ.
(૨) મિર્ચ ઃ ગુલાલ પછી બોલીવુડનું આવેલું મોસ્ટ ફેવરિટ મ્યુઝિક આલ્બમ લક્ષ્મીકાંત- પ્યારેલાલે એક ટાઇમલેસ આલ્બમ આપેલું ઃ ઉત્સવ. એના ક્લાસિક સોંગ 'મન ક્યૂં બહેકા !' પછીનું ક્મ્પોઝિશન જાણ અધૂરું રહ્યું હોય, એમ લાગલગાટ દસ વખત સાંભળો તો ય ધરાવ નહિ, એવું કમ્પોઝિશન પ્યારેલાલના ભત્રીજા મોન્ટી શર્મા (સાંવરિયા)એ અહીં 'મન ભી હૈ પિઘલા પિઘલા, તન ભી સુલગ જાયે'થી અહીં જાણે સંસ્કૃત સાહિત્યની કોઈ અભિસારિકા ત્રિભંગમાં આળસ મરડીને કમળપુષ્પોના તળાવમાં તરતી ટહુકતી હોય, એમ તર્જબદ્ધ કર્યું છે. બેલા શિંદેના આ મખમલી અવાજના માદક ગીતમાં ભારતીય સંગીતનો ખજાનો રીતસર રણકી ઉઠે છે. તો શંકર મહાદેવન કારે કારે બદરાને ૨૦૧૧ની બીટ્સમાં મસ્ત ડોલાવે છે. તીખી તીખી મીર્ચની લોકગીતોની મિટ્ટીવાળી ફ્લેવર હોય કે મોરા સૈયાંની શાસ્ત્રીય તાન, 'જીંદગી તું હી બતા'માં આજનો દૌર પણ ઝીલાયો છે. આલાપથી રોકબેન્ડ સુધી. મસ્ટ લિસન, મસ્ત લિસન.
(૩) ઇન્ગ્લોરિયસ બાસ્ટર્ડસ ઃ મેધાવી દિગ્દર્શક ક્વાન્ટીન ટેરેન્ટીનોને ઓસ્કાર નોમિનેશન સુધી લઈ જનાર આ ફાંકડી ફિલ્મનો સાઉન્ડટ્રેક એટલે માય.. માય... વાઉ.. વોઇલા ! ટેરેન્ટીનોની ફિલ્મ જેટલું જ આ આલ્બમ મેવરિક અને ક્લાસિક છે. એન્તીઓ મોરિકોન આમ તો અહીં કમ્પોઝર છે, પણ બિલિ પ્રેજટન, ડેવિડ બોયીના ગીતો પણ છે. જૂની ફિલ્મોના થીમ સોંગ્સને પણ ક્રિએટીવલી (વિથ ક્રેડિટ) રિ-કમ્પોઝ કરાયા છે. ફિલ્મમાં કુલ ૨૨ ગીતો સંભળાય છે (આલ્બમમાં ઓછા છે) જે અલગ અલગ કાળખંડની એકબીજાથી અલગ અલગ ફિલ્મોમાંથી વીણી વીણીને આ રત્નહાર બનાવાયો છે. લિલિયનની ૧૯૩૪ની કોમેડી હાઇડ ડિડલ ડિડલનું મેન વિથ બિગ સોમ્બેરો પણ છે. 'આલ્મા' મૂવીનું ગ્રીન લીવ્ઝ ઓફ સમર પણ છે. આ સાઉન્ડટ્રેક સાંભળવો એટલે મરીનો ભૂકો નાખેલી કેરીની ચીર ચાવવી ! લીંબુસોડામાં આવતો ખટમધુરો ઉછાળો છાતીમાં કાન વાટે ઉઠવા લાગશે, અને ડ્રગ એડિક્ટની જેમ 'હાઇ' થઈ જવાશે !
* વેકેશન વેબસાઇટ્સ ઃ
(૧) www.life.com ઃ આ જગવિખ્યાત મેગેઝીનની જગજાહેર સાઇટ છે,પણ આપણામાંના ઘણા માટે હજુ ય નવી છે. ફોટોગ્રાફિક સ્ટોરીઝનું સચિન તેંડુલકર ગણાતું આ મેગેઝીન ઇન્ટરનેટ પર મફતમાં એક્સેસ થઈ શકે છે. યહાં પે હર તસવીર કુછ કહેતી હે. રાધર, બહુત કુછ કહેતી હૈ ! દરેક અઠવાડિયા અને દિવસના ટોપ ફોટોઝ હોય. ફિલ્મસ્ટાર્સના પ્લાસ્ટિક સર્જરી પહેલા અને પછીના ફોટા હોય, કોઈ થીમની પિક્ચર ગેલેરી હોય જેમ કે, સમાનવ અવકાશયાત્રાના ૫૦ વર્ષ પૂરા થાય, તો યુરી ગાગરીનના બચપણથી બુઢાપા સુધીનો સ્લાઇડ શૉ માહિતીપ્રદ ફોટોલાઇન સાથે હોય ! ટિપિકલ વોલપેપર્સ જોઈને ઉબકા આવતા હોયતો અહીં બેડરૃમથી બાથટબમાં લેવાયેલી સેક્સી સુંદરીઓની લાજવાબ લાઇટીંગ અને એલ્યોરિંગ એંગલે તસ્વીરો નિહાળશો તો સીસકારા બોલી ઉઠશે, ગેરેન્ટીડ જિંદગીને કેમેરામાં કેદ કરી, એને જ્ઞાાનના વસ્ત્રો પહેરાવીને નચાવતી સાઇટ છે આ !
(૨) http://netvepar.wordpress.com ઃ આ કટારોના એક ઉમદા વાચક મુર્તુઝા પટેલ, ઇજીપ્તના કૈરોમાં રહીને ગુજરાત સમાચારની વેબસાઇટ સાથે સંપર્ક રાખી, પોતાનામાં રહેલા અમદાવાદને જીવતું રાખે છે. સદેહે મુલાકાત તો નથી થઈ, પણ શબ્દદેહે એમનો આ બ્લોગ વેકેશનમાં કરિઅર ઓરિયેન્ટેડ લોકોએ પણ ચાવી ચાવીને વાંચી જવા જેવો છે. જેમાં થોટ્સ કરતા ઇગો વધુ કોમ્યુનિકેટ થતો હોય એવા ય બ્લોગ્સ ગુજરાતીમાં છે અને શેરિંગના નામે ઇધરઉધરની ઇન્ફોર્મેશન બોરિગ ઉકરડો ખડકી દેનારા બ્લોગરોગના દર્દીઓ પણ છે. પણ ગમતી માહિતીનો સરળ, રસાળ ભાષામાં શિક્ષકની જેમ કેમ શીખવાડી શકાય એની ઇજીપ્તમાં બેઠા બેઠા થતી ક્રિએટિવ ગુજરાતમાં થતી રજુઆત માણવા કારકિર્દી ઘડતર માટે નવા- નવા આઇડિયાઝની ધાર કાઢવા ઇટ્સ ગુડ સ્ટાર્ટ.
(૩) http:// litgloss.buffalo.edu ઃ યુનિવર્સિટી લેવલે ગોખણપટ્ટી સિવાય (અને રાજકારણ સિવાય !) કેવા કેવા પ્રોજેક્ટસ લેક્ચરર્સ અને સ્ટુડન્ટસ કરી શકે, એનો પુરાવો એટલે અમેરિકાની (ભેંસ આગળ ભાગવત ન થઈ જાય એ માટે બફેલો એક શહેર છે - બીયુએફએફએએલઓ) નગરની યુનિવર્સિટીએ ડેવલપ કરેલું (અન્ડરગ્રેજ્યુએટ- ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ અને ફેકલ્ટીની મદદથી !) આ કલેક્શન ! અંગ્રેજી સિવાયની ભાષાઓના શ્રેષ્ઠ ગ્રંથોને મૂળ ગ્રંથો, અનુવાદ અને ક્યાંક વોઇસ ઓવર સાથે રજૂ કરવાના ઓરિજીનલ લેંગ્વેજ ટેકસ્ટ પર ક્લિક કરો કે તરત જ તેનો અંગ્રેજી અનુવાદ વાંચવા મળે ! રોમાનિયન, સ્પેનિશ, ફ્રેન્ચ, પોલિશ, પોર્ટુગીઝ, ઇટાલિયન, હંગેરિયન, જર્મન, ચાઇનીઝ, અરેબિક વગેરે ભાષાઓના ઉત્તમ લેખકોની કૃતિઓ અહીં કેવળ એક જ ક્લિક દૂર છે. રાજી થવા જેવી વાત એ છે કે અહીં સંસ્કૃતમાં કાલિદાસનું 'મેઘદૂત' છે ! અને દુઃખી થવાની વાત એ કે બસ, આ એક જ કૃતિ છે, સમગ્ર ભારતના પ્રતિનિધિત્વ માટે !
* વેકેશન વિડિયો ઃ
(૧) જસ્ટ ધ વે યુ આર ઃ ટી.વી.ને બદલે જોવા જેવું ઘણું હવે યુ-ટયુબ પર હવે મળી જાય છે. તક મળે ત્યારે બુ્રનો માર્સનું આ સુપરહિટ સોંગ 'જોવા' જેવું છે. એરિકા સિમોન્સના ચિત્રો પરથી પ્રેરિત આ ગીત પરફેક્ટ રોમેન્ટિક સોંગ છે. ક્રિએટીવીટીના તિખારા કેવા સિતારા ચમકાવે છે, એ જોવા માટે આ બ્યુટીફૂલ વિડિયો સાંભળવા સાથે નિહાળવા જેવો છે. કેસેટની ટેપમાંથી પ્રગટતા આકારો અને પેરૃવિયન એક્ટ્રેસ નેથાલી કેલીના કદલીસ્તંભ સમાન જંઘો સાથે ચમકતું દાડમની કળી જેવા દાંતો દેખાડતું સ્મિત !
(૨) સેટિસ્ફેક્શન ઃ ગ્રેમી એવોર્ડ વિનર એવા આ કાસાનોવાના દેશ ઇટાલીના ડીજે બેન્ની બેનાસીના મેગાહિટ ક્લબ પાર્ટી સોંગ સેટિસ્ફેક્શનનો આ જાણીતો વિડિયો જુનો છે, પણ જાણીતો જરૃર છે. અવનવી કાતિલ અદાઓવાળી ચુસ્ત તંદુરસ્ત મદમસ્ત બદનવાળી કામણગારી કન્યાઓ મર્દાના જહેમતના ભારેખમ ઓજારો લઈને ડાન્સ સ્ટેપ્સ સાથે સૂચક ચેષ્ટાએ કરે છે, જેથી અસંતોષની આગ પણ પ્રગટી શકે છે.
(૩) લવ ધ વે યુ લાઇ ઃ જસ્ટીન બિબેરના ઝંઝાવાતમાં બળવાખોર જીનિયસ એમિનેમ સિનિયર ગણાવા લાગ્યાછે. પણ એમિનેમનો આ વિડિયો, આ સોંગ, એના શબ્દો- ક્યા બાઆઆત હૈ ! એક તો પોપ આઇકોન રિહાનાએ એમાં એમિનેમ સાથે જોડી જમાવી છે. બંને ટેલન્ટના વિસ્ફોટમાં ચોખ્ખા ઘી જેવી ઉમેરાયેલી મહાસેક્સી મેગાન ફોક્સ ! પછી તો રૃંવાડે રૃંવાડે ભડકા જ થાય ને ! 'ઇરોટિક પેશન'થી છલકાતા આ વિડિયોમાં ફુટટેપિંગ કમ્પોઝિશન સાથે કાન દઈ સાંભળવા જેવા શબ્દો છે. સેમ્પલ ઃ જસ્ટ ગોન્ના સ્ટેન્ડ ધેર એન્ડ વોચ મી, બર્ન બટ ધેટ્સ ઓલરાઇટ, બિકોઝ આઇ લાઇક ધ વે ઇટ હર્ટસ, જસ્ટ ગોન્ના સ્ટેન્ડ એન્ડ હીઅર મી ક્રાય, બટ ધેટ્સ ઓલરાઇટ આઇ લવ ધ વે યુ લાઇ (જુઠ્ઠું બોલવું) !
* વેકેશન ગેઇમ
વેલ, ભારતમાં હજુ સ્ટાર વોર્સ, અન્ડરવર્લ્ડ, એલન વેક, ડે સ્પિલિટ સેકન્ડ જેવી 'રમવા જેવી' નવી રમતો આવી નથી, અને મગજ વિનાની વાયોલન્ટ ધાંય ધાંય રિયલ લાઇફમાં પૂરતી છે. પણ રમવા જેવી રમત છે જગતભરમાં ઓનલાઇન ગેમ્સમાં નંબર વન અને ફેસબૂક જેવી મેગાસોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર ૬ કરોડથી વધુ યુઝર્સ ધરાવતી આ ગેઇમ ભારતભરના ગાંધીવાદી સમાજવાદી કર્મશીલો- ચિંતકોએ રસ લેવા જેવી છે. કારણ કે જગત આખાને જે ગેઇમનું ઘેલું વળગ્યું છે એ તો ખેતીની ગેઇમ છે !! જી હા, ગેઇમમાં ખેતી કરવાની છે, ઢોર ઉછેરવાના છે, પાક વેચવાનો છે. ખાલી ખેતરથી શરુ કરી અવનવો વેપાર કે એક્ષ્ચેન્જ કરવાનું છે ! 'ફાર્મ' પર સગા-સંબંધી મિત્રોને 'બોલાવી' શકાય, સાથે કામ પણ કરી શકાય ! ગેઇમ નંબર વન આપણા બંધચોકઠામાં બેઠેલા વડીલેશ્વરોના મુખારવિંદ પરનું વધુ એક તાડન છે કારણ કે, જે ખેતીને એમણે નર્યા ઉપદેશોથી ગામડામાંથી શહેરમાં ભાગતા યુવક- યુવતીઓ માટે બોરીંગ બનાવી દીધી છે એ જ ખેતી આખી દુનિયાને ઇન્ટરેસ્ટિંગ પેકેજીંગમાં અપીલિંગ લાગે છેેે !
તો, કરો ટેસડા રજાઓમાં, ને મારો આનંદમાં ધુબાકા !
ઝીંગ થિંગ
દમ મારો દમ ઃ જાંબાઝ અને ચરસ પછીની ડ્રગ પરની શ્રેષ્ઠ બોલીવુડ ફિલ્મ ૧૯૮૧નો પ્લોટ, ૨૦૧૧ની ડેરિંગલી ડિફરન્ટ ટ્રીટમેન્ટ અભિષેકને પાપા બચ્ચનના એંગ્રી મેનવાળા જૂતા જ ફિટ થાય છે. રોકી મ્યુઝિક, કોફી ડાયલોગ્સ.u

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

"Transgenic Animal"
એક ટેબ્લેટ સૈનિકને બનાવશે સુપર-સર્વાઈવર
મચ્છરનો દુશ્મન જમ્પીંગ સ્પાઈડર
ટેટુથી સ્કીન પ્રોબ્લેમ
ટીવી પર દેખાતી પાતળી સ્ત્રીઓ તમારી તબિયત બગાડે છે
 

Gujarat Samachar Plus

રંગોની ઘાર વડે સર્જાતું ચિત્ર એટલે રોગન આર્ટ
ડિઝાઈન કોન્સેપ્ટને ડેવલપ કરવા અમદાવાદ બેસ્ટ પ્લેસ
મોટેરા સ્ટેડીયમ બહાર અનેક દુકાનો પર એક જ ખુલાસો ‘પ્લીઝ, અહીં ટિકિટ માટે પૂછપરછ કરવી નહીં’
 
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેક હાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved